ઉદ્યોગ કરો

Wednesday, October 22, 2025

લેરી પેજ અને સર્જી બ્રેન. કંપનીના માલિક અથવા તો સંસ્થાપકો. ગૂગલ એમનો કોલેજ/મહાવિદ્યાલયનો પ્રોજેક્ટ. કોઈએ એમને સૂચન કર્યું કે તમારો પ્રોજેક્ટ સારો છે, તેમાં આગળ વધો અને પૈસાની જરૂર હોય તો હું આપવા તૈયાર છું. એમણે હા પડી અને અમુક લાખ ડોલરનો ચેક લખી આપ્યો. ચેકમાં કંપનીનું નામ ન હતું લખ્યું કારણકે એમણે કંપનીનું નામ જ વિચાર્યું ન હતું. નામ વગરનો ચેક આ લોકો મહિનાથી પાકીટમાં લઈને ફરતા હતા. ચેક વટાવા માટે કંપનીનું નામ તો નાખવું પડેને!

બંનેએ વિચાર્યું કે આપણો પ્રોજેક્ટ/સોફ્ટવેર શોધન(=search)માં છે તો આપણે કોઈ શોધના પરિણામ રૂપે 1 ની પાછળ 100 મીંડા આવે એટલું બધું આપીશુ. તો કે 1ની પાછળ 100 મીંડાંને શુ કહેવાય? ગૂગલ. તો આપણી કંપનીનું નામ ગૂગલ. પણ પાછળથી ખબર પડી કે એને ગૂગોલ કેવાય. થયું! કેટલાક મહિના પછી કંપનીનું નામ રાખ્યું અને એમાં પણ ખામી નીકળી. ખેર! આજે ગૂગલ દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓમાની એક છે અને એના બંને માલિકો દુનિયાના 10 અબજોપતિઓમાં આવે છે. ગૂગલ આજે ઘર-ઘર જાણીતું નામ છે. ડોસાથી માંડી 1 વર્ષના બાળક પણ એ પ્રોજેક્ટ વાપરે છે.

---

કંપની તરફથી બહાર ક્રિકેટ રમવા માટે કહેવામાં કહેવામાં આવ્યું એટલે મારા મિત્રે બોક્સ ક્રિકેટ(=box cricket) બુક કરી એની કંપનીના લોકો રમવા ગયા. ખર્ચો કંપની આપવાની હતી એટલે પૈસાનો કોઈ સવાલ ન હતો. શરૂઆતમાં 80% રકમ (1500-1700) આપ્યાં અને બાકીના રમત પુરી થઇ ગઈ એટલે આપ્યાં. મારા મિત્રની એક ફરિયાદ હતી કે પીચમાં આગળની બાજુ થોડા ખાડા ટેકરા છે તો બોલના ટપ્પા પડ્યા પછી કોઈક વાર તકલીફ પડે છે.

સંચાલન કરનાર વ્યક્તિ આડોડાઇથી વાત કરતાં, સામે પડ્યો કે, હજુ હમણાજ 25,000નો ખર્ચો કર્યો છે, ને તમે ઈ બાને ભાવ ઓછા કરવાની વાત કરો છો જયારે પૈસા તો ચૂકવી દીધા પછીની આ વાતચીત હતી. એટલે પછી એમ નક્કી થયું કે હવે પછી અહીં રમવા આવાનું થતું નથી અને આ ભાઈએ એક ગ્રાહક ખોયો કેમકે પેલા લોકો દર મહિને અહીં રમવા આવતા હતાં.

---

આ લેખનું મથાળું 'ઉદ્યોગ કરો' એમ છે. અહીં, ઉદ્યોગ એટલે પરિશ્રમ પણ થાય અને ધંધો, કંપની, કારખાનું, કે દુકાન, નોકરી પણ થાય. હું તો કહું છું કે તમે એનો બંને મતલબ લો. જો તમે બોક્સ ક્રિકેટ ખોલીને બેઠા હોય તો પરિશ્રમ કરો. ગ્રાહક સાથે તોછડાઈ તમારી આવક ને ઘટાડે છે અને તમારાં ઉદ્યોગને વિકસવા દેતો અટકાવે છે. બેઠે બેઠું ઘણીવાર મળે છે ત્યારે એ પચતું નથી. બાપ-દાદાએ જમાવેલ ધંધો વારસામાં મળતાં ખાલી આવકનો હિસાબ ગણતરીમાં આવે છે, જયારે એમની મહેનતનો હિસાબ ચોપડાની ગણતરીમાં નથી લખેલો આવતો. આથી, વારસદારની અણઆવડત ધંધાને પતનના માર્ગે લઇ જાય છે. બાપ-દાદા ભૈ'સાબ બાપા કરીને, કુનેહ વાપરીને અને વિવેક વાપરીને - જ્યાં જેની જેટલી જરૂર પડી એટલું વાપરીને ધંધો જમાવે છે. ગ્રાહક સાથે સંબંધો બાંધતા અને સાચવતાં વર્ષો નીકળી જાય છે. પણ બેઠું મળતાં આ મહેનતની ગણતરી ના હોય અને જમાવેલ ધંધાનું આભિમાન છેલ્લે ધંધો ડુબાડે છે.

જો તમે મહેનત કરતાં હોય તો ઉદ્યોગ કરો, ધંધો કરો, કંપની ખોલો, દુકાન ખોલો, કારખાનું નાખો કે એનો વિચાર કરો. મહેનત કરતા લોકોને મળો, જાણો, આવડત મેળવો અને ધંધાની પાયાની માહિતી મેળવો એમાં અનુભવ કમાવ. જો ગૂગલના માલિકો એવું વિચારીને બેસી ગયાં હોત કે આપણાથી કંપનીનું નામ પણ સાચું રાખી શકાતું નથી, આપણે ધંધો શું કરવાનાં! તો આજે ગૂગલ ના હોત. પણ એમણે ઉદ્યોગ મહેનત ના છોડી. જરૂરી નથી કે બધું સારું જ થવું જોઈએ આગળ વધવામાં. જરૂરી છે, આગળ વધવું ઉદ્યોગ કરવો/મહેનત કરવી.

ચોક્કસથી નસીબ સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે, પણ ખાલી નસીબના જોરે થોડું બેસી રેવાશે. તો તો પછી લોટરી જ સફળતાની સીડી ગણાય!

બધું બેઠાં બેઠાં તો નહિ મળે. મહેનત જરૂરી છે. ટૂંકા રસ્તાઓ(=શોર્ટકટ)થી સફળતા મેળવવાની લાલસામાં લાંબા રસ્તાઓ નો અનુભવ નથી મળતો. જેથી, એક વાર ટૂંકા રસ્તાથી સફળતા મળ્યા પછી એ એનુભવનાં અભાવે ટોચથી સીધા ખાઈમાં પટકાય છે.

આજની સફળતાની વ્યાખ્યાએ પહોંચતા ચાર પેઢીનો સમય લાગે છે. પહેલી પેઢી ખાવા-પીવાની વ્યવ્યસ્થા કરી આપે છે, બીજી પેઢી રહેવાની વ્યવસ્થા કરી આપે છે, ત્રીજી પેઢી કમાવાની વ્યવસ્થા કરી આપે છે, અને ચોથી પેઢીએ ભોગ-વિલાસ(સફળ!) થાય છે. આ ટૂંકા રસ્તાથી તમે પેઢીઓની મહેનત કાપવાની વાત થાય છે. ખાવા-પીવાની સગવડ તમારી આગલી પેઢીએ કરી આપી છે, તમારે રહેવાની વ્યવસ્થા કરવાની છે, તો પણ તમે સફળ છો. જરૂરી નથી કે ભોગ-વિલાસે પહોંચવું જ.દેવું કરીને પણ ઘી પીવું એ સદંતર ખોટું છે. જો તમને કોઈ એ સાચું ગણાવાની વાત કરે છે તો એને ઘીનો વેપારી જ ગણાવો.

સફળતાની વ્યાખ્યા સાથે જો તમે સહમત ના હોય પણ અને એને ગાંડપણમાં ગણાતા હોય તો એને ચોક્કસથી આવનાર પેઢીને સાચું શિક્ષણ આપી ગેરસમજ દૂર કરવી ઘટે. બાકી ભૌતિક ભોગ-વિલાસ અંદર ખાલીપો લાવશે જેનો કોઈ ઉપચાર નથી!

અને છેલ્લે પાછા મુખ્ય મુદ્દા પર આવતા, ઉદ્યોગ કરો.


---