વાત, પિત્ત, અને કફ: એક પરિચય
શરીર પંચ માહાભૂતોનું બનેલું છે - આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને પાણી.
આ પાંચમાં આકાશ અને પૃથ્વીને ગતિ નથી. આકાશ ખાલી જગ્યા છે, વ્યાપક છે
જયારે પૃથ્વી પોતાની મેળે ગતિ કરી શકતી નથી. આમતો, આ પાંચેય તત્વો જડ છે,
પણ એમાં વાયુ, અગ્નિ, અને પાણીને ગતિ છે. વાયુ (પવન) વાય છે. અગ્નિના ભડકા
ઉપર ચઢે છે અથવા ફેલાય છે, જયારે પાણી વહેતુ જાય છે નીચી સપાટી તરફ.
આમ,
આ શરીર પંચ માહાભૂતોનું બનેલું હોવા છતાં આ શરીરરૂપી સંચાને ગતિ પાણી,
અગ્નિ, અને વાયુ આપે છે. આયુર્વેદની ભાષામાં વાત(વાયુ), પિત્ત(અગ્નિ), અને
કફ(પાણી) કહે છે. શરીરમાં આ ત્રણેયનું પ્રમાણ જળવાય રહે ત્યાં સુધી આપણે
આરોગ્ય ભોગવી છીએ. પણ જયારે એમાં વધઘટ થાય ત્યારે રોગ આવે છે. આ વાત,
પિત્ત, અને કફના વધઘટના આધારે આપણે બહારથી એટલું વધઘટનું લઇ સંતુલનમાં
પાછું લાવવું પડે છે.
ખોરાક પણ પંચ માહાભૂતોનો બનેલો હોવાથી
શરીરમાં જઈને એમાંથી પંચ માહાભૂતો છુટા પડે છે. જરૂર કરતા વધારે તત્વો મળે
ત્યારે એ શરીરને બગાડે છે અને આમ (આયુર્વેદની ભાષામાં ‘કાચું’)માં વધારો
કરે છે.
ફક્ત આહાર(ખોરાક)થી જ વાત, પિત્ત, અને કફના પ્રમાણમાં
વધઘટ નથી થતી પણ વિહાર(ખોરાક સિવાય)ની બાબતોથી પણ વાત, પિત્ત, અને કફના
પ્રમાણમાં વધઘટ થાય છે. જેમકે, ઠંડી(પાણી)માં વધુ રહેવાથી કફ વધે છે,
ગરમી(તાપ/અગ્નિ)માં વધુ રહેવાથી પિત્ત વધે છે, અને બહુ બોલબોલ કરવાથી વાયુ
વધી પડે છે.
વાત, પિત્ત, અને કફ આમતો આખા શરીરમાં વ્યાપેલો છે,
છતાં તેમનું ખાસ સ્થાન - વાયુ ડુંટીની નીચે રહે છે, પિત્ત ડુંટીની ઉપર અને
હૃદયની નીચે એટલે એમની વચ્ચે રહે છે. જયારે, કફ હૃદયની ઉપર રહે છે. આ
ઉપરાંત ઘડપણમાં વાયુનો કોપ વધારે જાણવો જયારે જવાનીમાં પિત્તનો અને
બાળપણમાં કફનો કોપ જાણવો. એજ પ્રમાણે રાત્રિ કે દિવસના અંત ભાગમાં વાયુનો,
મધ્ય ભાગમાં પિત્તનો અને શરૂઆતના ભાગમાં કફનો કોપ જાણવો. અહીં ના અટકતાં,
ભોજન પચી જાય પછી વાયુનો કોપ, ભોજન કરતાં સમયે પિત્તનો કોપ અને શરૂઆતમાં
કફનો કોપ જાણવો.
~ અષ્ટાંગ હૃદયમાંથી
---