વાર્તાનો કસબ
વાર્તા લખવાના કોઈ નિયમો છે? હા, દસ હજાર ને દસ નિયમો છે. પણ જો તમારામાં તમપણું હોય, જો બહોળા વાચકસમૂહના હૃદય પર દીર્ઘકાળ રમતી કૃતિ તમારે આલેખવી હોય, તો કદાચ એ દસ હજાર ને દસ પૈકીનો એકેએક નિયમ તમારે તોડવો પડશે.
દાખલા તરીકે, વાર્તાના ઘાટઘૂટ ('ફોર્મ)ની નિયમબંધી જાળવણી વિશે આપણને ચોખલિયાઓ ઘણું ઘણું સંભળાવે છે. હું પણ ‘ઘાટઘટ’ની જરૂરિયાતનો આગ્રહ રાખનાર છું. હું માનું છે કે, વાર્તાને ઘાટ અપાયો ન હોય તો એ મારી જાય છે. પાત્રોને એકવાર દાખલ કરીને પછી એને ન વાપરનાર વાર્તાકાર પર હું ચિડાઉં છું.
ચોપડીના પૂર્વાર્ધમાં જ બધા જોરદાર પ્રસંગો આવી બેસે એવા પ્રકારનું સંયોજન કરનાર લેખકને હું અડબૂથ કહું છું. પોતાના પહેલા જ પ્રકરણમાં તત્ત્વજ્ઞાનની કે કોઈ સિદ્ધાંતની ચર્ચા કરનાર વાર્તાકાર પર હું બબડી ઊઠું છું.
એટલે જ કોઈ વાર્તાકાર પોતાની વાર્તાના પ્રારંભમાં જ મુખ્ય પાત્રોનો સીધેસીધો પરિચય કરાવતો હોય છે, તેમજ તે પાત્રો આગળ ઉપરના કટોકટ પ્રસંગોમાં જે ભાગ ભજવવાનાં હોય છે તેનાં લઘુ સ્વરૂપો તેમને શરૂમાં ભજવતાં દેખાડે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું કેમકે આ યુક્તિ વાચકોને એકદમ ઉત્કંઠ કરી તેમની નજર બાંધી લે છે.
દાખલા તરીકે ટોમસ હાર્ડી હમેશાં પોતાનાં નવલોમાં એક જ સચોટ હીકમત વાપરે છે: એનાં પહેલાં પ્રકરણો ઘણુંખરું ખુલ્લા રસ્તા પરના જ કોઈ દૃશ્ય સાથે ઊઘડતાં હોય છે. ઉઘાડા આકાશ તળેનો એ રસ્તો આપણે નિહાળીએ છીએઃ ચોગમ વ્યાપેલી છે વિશાળ, મહાકાય અને અગોચર વ્યક્તિત્વવાળી જંગલી પ્રકૃતિઃ ધીમે ધીમે કોઈ દૂર દૂરની દૃષ્ટિ કિનારી પરથી માનવી ચાલ્યું આવે છે, એ એકલવાયું માનવ—પાત્ર આપણને પોતાના ઉઘાડ પામનારા જીવન—નાટકમાં એકદમ ઘસડી જાય છે. આજે આ હીકમત જૂની થઈ ગઈ હોવા છતાં આપણને લાગે છે કે હાર્ડીને ઘાટઘૂટની સુંદર દૃષ્ટિ હતી, એના અનેક દોષો છતાં હાર્ડી સાચો વાર્તાકાર હતો.
ને સાચો વાર્તાકાર એટલે? એટલે એ લેખક કે જે પોતાના વાર્તાપ્રવાહની વચ્ચે પોતાના વિચારો, પોતાના મિજાજો, પોતાની ધૂનો, માન્યતાઓ તેમજ શેખીઓના ઘોડા સીધેસીધા કુદાવતો નથી. સાચો વાર્તાકાર એ, કે જે કદી દલીલો લડાવતો નથી, ઉપદેશ દેતો નથી; અરે, ચર્ચા પણ કરતો નથી.
આ બધું બેશક એનામાં હોવું જોઈએ, ન હોય તો એને ગમાર જાણવો. પણ પોતાની વાર્તામાં એ બધાંને પેસાડતાં પહેલાં એણે તેમનું પ્રત્યક્ષ ઘટનાઓમાં રૂપાંતર કરી નાખવું જોઈએ. જીવનને વિશે જો તેની પાસે કોઈ સિદ્ધાંતો કે મંતવ્યો હોય, તો જીવન પોતે જેમ પોતાના નિયમોને ઘટનાઓરૂપે વ્યક્ત કરે છે તેમ વાર્તાકારે પણ તે મંતવ્યોને દૃષ્ટાંતોરૂપે જ વ્યક્ત કરવાં જોઈએ.
દલીલોના કરતાં ઘટના (ભલેને કલાકારની ઉપજાવેલી) વધુ ચોટદાર છે. દલીલ એમાં પૂરેપૂરી ચવાઈને હજમ થઈ ગઈ હોય છે. વાર્તાના દેહમાં એનું રુધિર બનીને ઓતપ્રોત વહેવા લાગે છે. વાર્તાકાર વકીલ બનવાને બદલે સર્જક બની રહે છે. ને વકીલ કરતાં નિયંતા વધુ મહાન છે. વાર્તાકારનું એ બળ છે, એનું એ સ્થાન છે.
દોસ્તોયેવ્સ્કી કેટલો બધો સિદ્ધાંતઅંધ અને વેદિયો આદમી હતો તેનો વિચાર કરો. એની મહાન વાર્તા 'બ્રધર્સ કારામાઝોવ’માં કેટલો રહસ્યવાદ અને કેટલી બધી ધાર્મિક વિચાર-જટિલતા એણે વણી દીધી છે એનો વિચાર કરો. કોઈ ઊતરતા કલાકારે આ બધી સામગ્રીનું કેવું ખીચડું બાફી માર્યું હોત! છતાં આ સાચા કસબી દોસ્તોયેવ્સ્કીએ એમાંથી 'દોન કિહોતે'ના જેટલી જ સીધી, સુગ્રાહ્ય, સચોટ વાર્તા કોતરી કાઢી છે.
કારણ કે દોસ્તોયેવ્સ્કીમાં કલાકારપણું સર્વાગ્રે વિરાજે છે, બાકીનું બધું તે પછીનો દરજ્જો ભોગવે છે. બાકીનું બધું લેખકમાં હોવું તો જોઈએ અવશ્ય, નહિતર એ માનવ-પ્રાણી જ ન રહી શકે; ને એને એનું વ્યક્તિત્વ જ ન હોઈ શકે. ને લેખકની વાર્તામાં લેખકનું વ્યક્તિત્વ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે: માત્ર આડકતરી રીતે જ નહિ, એટલે કે વિષયની સામગ્રીની, વગેરેની પસંદગીમાં જ નહિ, પણ નિરૂપણની રીતિમાં, પ્રયોગોની પસંદગીમાં, અને વાતાવરણના સર્જનમાં સીધો ભાગ પણ લેખકનું વ્યક્તિત્વ બહુ મોટો ભજવે છે.
રમતના નિયમો તો અરધા કલાકમાં જ શીખાય છે, પણ એ નિયમોને લાગુ પાડીને રમતાં શીખવામાં જિંદગી ખરચાય છે. એ જ સાચું છે વાર્તાલેખનને વિશે. વાર્તાનો ઘાટ આમ ઘડવો, એનો ઉઠાવ તેમ કરવો, વગેરે નિયમો હું ને તમે સહુ જાણીએ છીએ, જાણી શકીએ છીએ. પણ લખવાનું શીખતા આવરદા વીતે છે.
દાખલા તરીકે ગ્રીક નાટ્યકારોના કાળથી નિયમ એવો ચાલ્યો આવે છે કે તમારાં પાત્રોને સતત ક્રિયાશીલ રાખો તેમજ એકબીજાથી સંકલિત રાખતા રહો, ને પરાકાષ્ટા આવે ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ક્રિયાને વધુ વધુ પ્રકાશિત કરતા રહો. પરાકાષ્ટા આવે, પાત્રો પૂરેપૂરા રજૂ થઈ જાય, એટલે પછી તો વાર્તાકારે વાર્તાને સમેટી લઈ, પાત્રોને એવા કોઈ ચલણી વાતાવરણમાં મૂકી દેવા કે જેમાં તેઓ વાર્તાની સમાપ્તિ પછી પોતાનું જીવન ચાલુ રાખે એવી આશા બાંધી શકાય.
આ નિયમને તો આજે દરરોજ, અને દરએક પ્રકારે વાર્તાકારો ઉથાપી રહેલ છે. ઉથાપ્યા છતાંય તેઓ ઊગરી જાય છે. કારણ કે, કલામાં તો એક જ નિયમ સાચો છે: ‘ડઝ ઇટ કમ ઑફ? – બરાબર વહે છે પ્રવાહ?' ચોટ પકડે છે? અનેક નામાંકિત વાર્તાકારોએ નિયમોનાં જડ બંધનોને ફગાવી દેવાની ધૃષ્ટતા કરી છે. પણ એ ધૃષ્ટતાને તેમણે પાછી શોભાવી છે. નિયમની દુનિયાની બહાર નીકળીને સૌંદર્ય તેમજ નવીનતા પકડી લાવવાની તેમની શક્તિ હતી.
છેલ્લાં પચ્ચીસ વર્ષથી તો સારી દુનિયાની વાર્તાસૃષ્ટિ પર આ બંડખોરોએ પોતાની નૂતન પૃદ્ધતિનો પ્રભાવ પાડી લીધો છે છતાં તેમના જેવી શક્તિ વગર તેમના સરખી ધૃષ્ટતા કરવા જનારા કેટલા બધા લેખકો ફસાઈ પડ્યા છે!
[અધૂરું]
[જન્મભૂમિ]
🥀 કાઠીઓની ઘોડીનાં રૂપગુણ વર્ણવાય ત્યારે કહેવાય કે નાની એક થાળીમાં ય ઘોડી ચારે પગે રમી જાણે.
સાહિત્યમાં નવલિકાનું—ટૂંકી વાર્તાનું—શ્રેષ્ઠ રૂપ આ કાઠીની ઘોડી સમું હોય. નાના એવા પ્રસંગને કૂંડાળે વાર્તા હળવે પગે રમણ કરે.
'ગુજરાત'નો માર્ચ અંક ‘એકલો’ નામની મુરલી ઠાકુરે લખેલી નવલિકા ધરે છે. સ્મશાનમાં એક મુર્દુ બાળી રહેલા ડાઘુઓના નાના—શા વાર્તાલાપમાં જ આખી નવલિકા રચાય છે. ને એના આખા ચિતારમાં જે પરિપૂર્ણતા સાધી શકાઈ છે તે વિરલછે.
શબના રહ્યાસહ્યા અવશેષોને ‘નાખ થોડું ગ્યાસલેટ ને મૂક એક કાંડી!’ કહી ઝટ પતાવવા અધીર ડાઘુઓ જે નિર્મમ, ટીખળી ભાષામાં આ સળગતા જુવાનના ભગ્નાંશ સ્નેહની વાત કરે છે તેમાંથી જ એ સામાન્ય બની ગયેલ વિષયની માર્મિક કરુણતા ઊઠેછે.
વિષયો કદી જૂના થતા નથી. જીવનની સમસ્યાઓ તો એ—ની એ જ હોય છે. નવીનતા રહેલી છે એના આયોજનમાં. સાથે ભણનારી કન્યાના સ્નેહમાં નિષ્ફળ બનેલો જુવાન લાગતું નથી કે બહુ બહુ આલેખાયો છે! છતાં આજે ચિતાને બાળવાની ક્રિયા કરતાં કરતાં નર્યા ઠેકડીભર્યા વાર્તાલાપમાં એનો ઉઠાવ થતા વિષયને કેટલી તાજગી મળી ગઈ!
કથાનું કથન—સ્વરૂપ નવીનતા માગે છે. એકાદ આગગાડીની ટૂંકી મુસાફરીમાં, એકાદ મહેફિલમાં, એકાદ ચિતા પરનાં ટોળટપ્પામાં, અરે, એક આયરીશ લેખકે કરી દેખાડ્યું છે તેમ તો નદી કાંઠે કપડાં ધોતી બે ઓરતોની ગોઠડીમાં પણ નવલિકા પોતાની જાતને કંડારી લે છે. મસાણના વાર્તાલાપનો આ પ્રયોગ નવો જ છે.
[બે ઘડી મોજ, 29-3-1936]
~ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી
કાવ્યાનુભવ
“કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો વ્યવહાર—જગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે, પરિણામે ભાવક વ્યવહાર—જગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શક્તિ વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે.” - શ્રી રામનારાયણ વિ. પાઠક
~ તર્કબદ્ધ પૃથક્કરણશીલતા વિવેચનની વિઘાતક? લેખ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી
રાજકારણની વાતો
જેને પોતાની શક્તિ અને સમયનો ઉત્તમ ભાગ રાજકારણી વાતોમાં જ રોકવો પડે છે અથવા રોકવામાં મજા પડે છે એ પ્રજાના મને તો પાયા ખવાતા લાગે છે.
~ "સાહિત્ય ઉપર આક્રમણો" લેખ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી
દયા અને વિષાદ
ચાલતી ટ્રેને ચડ્યો. બારણાંને ચાવી હતી એટલે મહામુસીબતે બારી વાટે અંદર
ગયો. થોડી વારમાં ગાર્ડ આવ્યો. નમ્રપણે મેં બચાવ કર્યો. જતી વેળા તેણે
જણાવ્યું કે ધીસ ઇઝ પ્રોસિક્યુશન. બોલ્યા પ્રમાણે કરશે એવી બીક પેઠી. વડાળ
આવ્યું. ગાર્ડે મને બોલાવ્યો અને જૂનાગઢની ટિકિટ લેવરાવી. ન તો
પ્રોસિક્યુશન, ન ડબલ ચાર્જ. રેલવેના સહવાસથી ક્રૂર અને કઠોર બનેલો પુરુષ
આટલો દયાળુ બની ગયો! આવા બનાવો અનુભવી હું દિગ્મૂઢ બનું છું, વિસ્મય પામું
છું અને વારંવાર એ ગૂઢ શક્તિને વિચારું છું.
સંકટ વેઠી ચાલતી ગાડીએ
ચડી જવાની મૂર્ખાઈ મેં ન કરી હોત તો સારું થાત એ વિચાર આખો દિવસ ડંખતો
રહ્યો, પરંતુ સંસારની સંપત્તિઓ અને લાભોનું દબાણ નબળા હૃદયને કેવું
નિર્માલ્ય બનાવી દે છે! આંહીની આશાઓ, ધાસ્તીઓ અને વિકટ સંજોગો મારી નાની
પાંખોને કેવી ઘાતકી રીતે છેદી નાખે છે એ તો મારું મન જાણે છે.
આપણને
ઘણી વાર સ્વપ્નાં આવે જાણે આપણું વહાલામાં વહાલું સદાને માટે આપણાથી જુદું
પડ્યું હોય. એ સ્વપ્નની વેદના કેવી તીક્ષ્ણ હોય છે! જાગૃતિમાં પણ મને એવાં
સ્વપ્નાં નજરે પડયાં છે. આવી સ્વપ્નવતી ઘડીઓની અંદર જ મને મારી અનાથતાનું
ભાન થાય છે. અસંખ્ય આશા, સુખ અને આનંદથી ભરેલી આ દુનિયાની વચ્ચે પણ હું
અરણ્યમાં એકલો આક્રંદ કરતો હોઉં એવી કલ્પના મને આ સમયે થઈ આવે છે. એવું થાય
તો મારું કોણ, મારા પ્રભુ!
~ ઝવેરચંદ મેઘાણી, અંતર-છબિ પુસ્તકમાંથી
એ કેવી સુંદર હતી?
ઉત્સવમાંથી એકલા પડેલા લવણપ્રસાદે વસ્તુપાલને પોતાની પાસે બેસારી,
પોતાનો વૃદ્ધ હાથ એના ખભા પર મૂક્યો. એ હાથમાં વિલક્ષણ ધ્રુજારી હતી. એ
કાંઈક કહેવા જતો હતો પણ કહી ન શક્યો.
"બાપુ !” મંત્રીએ કહ્યું, “મૂંઝાઓ છો? શી વેદના ભરી છે હૈયે?”
"છોકરા!"
રાણાએ મહાપ્રયત્ને કહ્યું, “અઢારેક વર્ષ પૂર્વેનું એક પ્રભાત યાદ આવે છે?
મેં તમને ત્રણ ભાઈઓને – પાટણ ભણવા જતાને – મહેણાં મારેલાં. આજ છાનોમાનો એની
ક્ષમા યાચુ છું.” કહેતે કહેતે એણે વસ્તુપાલનો ખભો વધુ જોરથી દબાવ્યો, “ને
તને તારી બાએ કહ્યું હશે કે નહીં, પણ મેં, તારા બાપુના એક સ્નેહી તરીકે,
તારી માને ને બહેનોને થીગડાં દીધેલ વસ્ત્રે મંડલિકપુરની ભાગોળે તે દિવસ
દીઠાં તોય હું ચાલ્યો ગયેલો. પણ બેટા ! હું તે દિવસે આગલી રાતનો અસ્વસ્થ
હતો.”
“મારી બાને ને બાપુને આપ ઓળખતા?” "એ વાત લાંબી છે. તમને તો કોણે કહી હોય? કહું?"
“આજ નહીં, બાપુ, અમે સૌ સપરિવાર ભેળા બેસીને સાંભળીએ તે દિવસ કહેજો.”
“તારી મા... વસ્તુપાલ! તારી માતા સુંદર હતી."
“બાપુ ! ફરી એક વાર કહો. એ કેવી સુંદર હતી?” વસ્તુપાલે આંખો મીંચી દીધી. એ ધ્યાનમગ્ન બન્યો. લવણપ્રસાદની વાણીને એ પીવા લાગ્યો.
“એવી
સુંદર હતી ! - કેમ કહીને વર્ણવું? મને લડવૈયાને એવું શીલવંતું રૂપ
વર્ણવતાં ન આવડે. એ સુંદર હતી – પેટ અવતાર લેવા જેવી સુંદર. અમે ક્ષત્રિયો
સ્ત્રીની સુંદરતાને એ એક જ રીતે વર્ણવી શકીએ.”
જીવનમાં વસ્તુપાલ એક વાર રડ્યો હતો – લુણિગના અંત સમયે. આંસુ એને આવતાં નહીં. પણ માને સુંદર સાંભળી એની આંખોની પાંપણો પટ પટ થઈ રહી.
~ ગુજરાતનો જય, ઝવેરચંદ મેઘાણી
જીવનચરિત્ર ઉપર ઝવેરચંદ મેઘાણીનો વિચાર
સંવેદનશીલ હૃદય હોય, અને એ હૃદુયમાં શુદ્ધ પ્રતિબિંબો પડે તેવી નિર્મળતા હોય અને જેનું સાધારણીકરણ થઈ શકે તેવા નાના છતાં સાચા અને નિર્દભી અનુભવો હોય તે સર્વનો આત્મચરિત્ર લખવાનો અધિકાર છે. પણ આવાં લક્ષણોનો સપ્રમાણ સુયોગ કેટલા થોડા સાધી શકે છે! ટાયલાંમાં, ફિશિયારીમાં, પોતાની ઊજળી બાજુને અત્યુક્તિથી રંગવામાં અને ઘેરી બાજુને છુપાવવામાં સરી પડવાનો મોટો ભય પગલે પગલે છે. અંગત ઘટનાઓ દેખીતી રીતે અલ્પતામાં ખપી જાય તેને આત્મસ્પર્શ સુવર્ણમય બનાવે છે. અપરિચિત અને અમહત્ત્વના ભાસે તેવા આત્મવૃત્તાંતનો ભોક્તાવર્ગ નાનો જ હશે; સમસંવેદનશીલને જ એ રસપ્રદ બની રહેશે. આત્મકથાનો કસબ બહુ અઘરો છે. નાની વાતોને નાની રાખી કેટલાક કહી શકશે?
મારી
જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે
વીસરવા યોગ્ય હોય છે. જાહેર પાસે ધરવા જેટલું રતીભાર. નબળાં જીવનતત્ત્વોને
હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ
દરજ્જે માગી લ્યે છે. એમાં ૯૯.૯ પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા
લખવાની મારી હામ નથી. એવી છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર નથી.
~ ઝવેરચંદ મેઘાણી, અંતર-છબિ પુસ્તકમાંથી
ગિરની વાતો
ગિરનારનાં પગથિયાં પાર ઢબ ઢબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચડી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતાં હતાં. એક ડોસીનો બોલ પકડાયો: "શું કરું બાઈ? ગાંડી થઇ જાઉં તો મલક ઠેકડી કરશે કે હારીને ગાંડી થઇ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા."
જુવાનજોધ દીકરાઓના અકાળ મોત પછી સંસારમાં એકલી થઇ પડેલી શ્રમજીવી મા ઉપહાસ ન થાય તે સારું ઉદ્યમમાં મસ્ત છે; છતાં આપણા વાર્તાકારો એ પાત્રોને ગાંડપણ અને આત્મહત્યા સુધી લઇ જવામાં જ શોભા સમજે છે.
*
ત્રણ ડોળીવાળા ગિરનારની પહેલી ટૂક પર ચોથાની રાહ જોતા હતા.
'આવ્યા, આવ્યા. બાપુ આ આવ્યા.' બોકાનીદાર એક ખડતલ મરદ આવી પહોંચ્યો. 'આહીં ધૂણે આવો. જરા તાપી લ્યો. ચા પી લ્યો.'
મૂંગા મરદે તાપ્યું. ચા પતાવી ડોળી લઈને ચાર મરદો પગથિયાં ઊતરવા લાગ્યાં. અરધો રસ્તો કપાયો તેટલામાં જ 'બાપુ'નો જીવન-ઇતિહાસ જડી ગયો. ચાર દીકરા, દીકરાના પણ જુવાન પરણાવેલા દીકરા, ચાલી નીકળ્યા. દીકરાની ને દીકરાના દીકરાની વહુઓ જુદાં ઘર માંડીને મજૂરીએ ચડી ગઈ હતી. બાપુ એંશી વર્ષની અવસ્થાએ ડોળીઓ ચડાવતા-ઉતારતા રહ્યા છે. એમનો જીવનસંતોષ એક જ હતો: સાઠ વર્ષથી જાત્રાળુ બાયું-બેન્યુંને ગરનાર ચડાવ્યો-ઉતરાવ્યો છે, કોઈની સામે કે'દી ય નજર માંડી નથી, કોઈને કે'દી કષ્ટ દીધું નથી, આઘુંપાછું વેણ કહ્યું નથી.
ડોળી ઊંચકનાર પચાસ-સો મજૂરોનો નૈતિક આદર્શ આ ઇસ્માઇલ-બાપુ છે. એમની આપવીતી એ શ્રમજીઓની મહાગાથા છે. મૂંગું રહેવામાં જ માનવતાનું ગૌરવ સમજનાર એ ડુંગર જેવડું દુખ પચીસ-પચાસ સાથીઓની મૂંગી દિલસોજીથી મધુર બની ટાંટિયામાં જીવન-વાટ ખેંચવાનું જોર મૂકે છે.
આપણે [લેખક] ચીતરીએ છીએ જુદ્ધિ પાત્રસૃષ્ટ્રિ, પલેપલ દયાની યાચનાઓ પુકારતી, દુખ અને અન્યાનના બબડાટા કરતી. આપણને સ્વાનુભવ નથી.
- ઝવેરચંદ મેઘાણી
એ સાદ કોઈ સાંભળે છે કે?
સોળ વર્ષ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ઉઠાવેલો કે રાજદ્વારી રમતો ને પ્રપંચો મૂકી દો. દેશનાયકો, ગામડાં સજીવન કરો, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીઓ કરો,રામાયણ-મહાભારતનો રસ પાવા માંડો. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી ગારાનાં ઝૂંપડામાં જૂથની અંદરથી ડોકિયાં કરતી કરતી નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે કે?
- ઝવેરચંદ મેઘાણી