Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

Showing posts with label શ્રીરામકૃષ્ણદેવ. Show all posts

શ્રદ્ધાનું જોર

શ્રીરામકૃષ્ણ - (કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારુ પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગે સમુદ્રની પેલી પાર કૂદી પડયા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય)

~ શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી


સર્વભૂતમાં નારાયણ

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) - નરેન્દ્ર! તું શું કહે છે? સંસારી લોકો તો કેટલુંય બોલે! પણ જો, હાથી જ્યારે રસ્તામાં હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે?
 

નરેન્દ્ર - હું માનું કે કૂતરાં હાઉ હાઉ કરે છે.
 

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના રે ના, એટલું બધું નહિ. (સૌનું હાસ્ય) ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ! (સૌનું હાસ્ય). જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ' તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી?
 

'એક વાત સાંભળો. એક જંગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ માટે લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે!' આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નહીં! તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર વગેરે કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યો. છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ!' તોય શિષ્ય હક્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો. રહ્યો.

આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા, અને સારવાર કરવા લાગ્યા. થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું: 'હાથી આવે છે તે સાંભળવા છતાં તમે નાસી ગયા નહિ?' તે બોલ્યો, 'ગુરુદેવે કહ્યું છે કે નારાયણ જ માણસ, જીવ, જંતુ, બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.' ત્યારે ગુરુએ કહ્યું, 'બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું, એ સત્ય; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યું હતું ને? જો બધાંય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને?' (સૌનું હાસ્ય)


‘શાસ્ત્રમાં કહે છે આપો નારાયણ; જળ નારાયણનું સ્વરૂપ છે! પરંતુ કોઈક જળ ભગવાનની પૂજામાં ચાલે; તો કોઈક જળથી હાથ-મોં ધોવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું માત્ર ચાલે, પણ પીવામાં અથવા ઠાકોરજીની સેવામાં ન ચાલે. તેમ સાધુ, અસાધુ, ભક્ત અને અભક્ત - સૌના અંતરમાં નારાયણ છે, પણ અસાધુ, અભક્ત, દુષ્ટ માણસની સાથે વ્યવહાર રાખવો ચાલે નહિ. હળવું મળવું ચાલે નહિ. કોઈકની સાથે કેવળ મોઢાની વાતચીતનો જ વ્યવહાર પરવડે; તો વળી કોઈકની સાથે એ પણ ચાલે નહિ. એવા માણસથી દૂર રહેવું જોઈએ.'

~ શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી


શ્રીરામકૃષ્ણ પરમહંસએ કહેલ ઘરનાંઓ પ્રત્યે કર્તવ્ય

સને ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણે એ સ્થળની બીજી મુલાકાત લીધી હતી. એ વખતે ત્યાં મંડળીમાં વિજય, ત્રૈલોક્ય અને એક બ્રાહ્મસમાજી સબ-જજ હતા. ત્રૈલોક્યનાં ભજનો સાંભળીને શ્રીરામકૃષ્ણને વારંવાર સમાધિ થઈ જતી હતી. ત્યાં સબ-જજ સાથે નીચે પ્રમાણેનો રસભર્યો વાર્તાલાપ થયો હતો.

સબ-જજ: “અમે ગૃહસ્થીઓ છીએ; ઘરનાંઓ પ્રત્યે અમારું કર્તવ્ય કયાં લગી?”
શ્રીરામકૃષ્ણ: “તમારે તમારાં બાળકોને ઊછેરવાં, ધર્મપત્નીનું ભરણ-પોષણ કરવું અને તમારી હયાતી ન હોય ત્યારે પણ તેનો નિભાવ થાય તેવી ગોઠવણ કરવી. જો તમે આટલું ન કરો તો તમે ક્રૂર કહેવાઓ. જે મનુષ્યમાં દયા ન હોય, તે મનુષ્ય, મનુષ્ય કહેવડાવવાને જ લાયક નથી.”

સબ-જજ: “સંતાનો પ્રત્યે અમારું કર્તવ્ય કયાં સુધી?”
શ્રીરામકૃષ્ણ: “તેઓ સગીર મટી જાય ત્યાં સુધી. જ્યારે પક્ષીનું બચ્ચું મોટું થઈ જાય, ત્યારે માતા તેને ચાંચ મારે, અને તેને માળો છોડવાની ફરજ પાડીને પોતાની મેળે ચણી ખાતાં શીખવે છે.”

સબ-જજ: “સ્ત્રી પ્રતિ અમારું શું કર્તવ્ય?”
શ્રીરામકૃષ્ણ: “તમારી હયાતી દરમિયાન તમારે તેને ધર્મોપદેશ આપવો અને તેનું ભરણપોષણ કરવું; જો તે વફાદાર હોય તો તમારે તમારા મૃત્યુ પછી પણ તેનો નિભાવ થાય એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ. પણ જ્યારે ઈશ્વરસાક્ષાત્કારની પાછળ કોઈ પાગલ બને, ત્યારે તમામ ફરજોનો અંત આવી જાય એવું બને. ત્યારે કુટુંબની સંભાળ ઈશ્વર લે. જ્યારે કોઈ જમીનદાર પોતાના પુત્રને સગીર વયનો મૂકી ગુજરી જાય, ત્યારે ‘કોર્ટ ઑફ વૉર્ડ્ઝ’ એ છોકરાની સંભાળ લે છે. આ બધી તો કાયદાની વાત છે, એટલે તમે તો તે જાણો જ!”

શૈલોક્ય: “મહાશય ! ગૃહસ્થીજીવન ગાળતાં ગાળતાં શું મનુષ્યને પરમજ્ઞાન પ્રાપ્ત થાય ખરું? તેને શું ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે?”
શ્રીરામકૃષ્ણ (હસતાં): “કેમ, તમે તો બેઉમાં છો ને શું? તમે સંસારમાંય છો, અને ઈશ્વરને પણ ભજો છો. ગૃહસ્થી પણ અવશ્ય ઈશ્વર-સાક્ષાત્કાર કરી શકે. ઈશ્વરનું નામ લેતાં જ્યારે આંખોમાં આંસુ ઊભરાય અને રોમાંચ થઈ જાય, ત્યારે જાણવું કે કામકાંચનની આસક્તિ નીકળી ગઈ છે, અને ઈશ્વરદર્શન થયાં છે. દીવાસળી સૂકી હોય તો એક જ વાર ઘસવાથી સળગી ઊઠે, પણ ભીની હોય તો ભલેને પચાસ વાર ઘસો ને, કોઈ રીતે તે સળગે જ નહિ!”

એક ભક્ત: “મહારાજ! કોઈ માણસે જીવનભર ઈશ્વરનું સ્મરણ કર્યું હોય પરંતુ મૃત્યુ વેળાએ તેને ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય, તો એવા મનુષ્યને બીજી વાર જન્મ લેવો પડે ખરો?”
શ્રીરામકૃષ્ણ: “જુઓ, માણસો ઈશ્વરનું સ્મરણ કરે ખરા, પરંતુ તેમનામાં ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ હોય છે; પરિણામે તેઓ તેને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત બની જાય છે. નવડાવી લીધા પછી હાથી ફરીથી પોતાના શરીરને ધૂળથી ખરડી નાખે છે; મનુષ્યના ચિત્ત અને સંસારનું પણ તેમ જ સમજવું. પરંતુ હાથીને નવડાવ્યા પછી જો તબેલામાં પૂરી દઈએ તો ફરીથી ધૂળથી ખરડાવાનો પ્રસંગ તેને ન આવે. એવી રીતે મનુષ્ય જો ઈશ્વરપરાયણ રહે તો તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય, અને ફરીથી તેને કામકાંચનથી દૂષિત થવાનો વારો આવે નહિ.”

~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી


યુધિષ્ઠિરે પણ આમ કીધેલ

શ્રીરામકૃષ્ણના ઉપદેશની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ તમામ વર્ગોના લોકોને એમના પ્રતિ આકર્ષણ થવા લાગ્યું. એક દિવસ પોતાની સંપત્તિ અને દાનવૃત્તિ માટે પ્રખ્યાત બનેલા કલકત્તાના મોટા જમીનદાર જતીન્દ્ર મોહન ઠાકુરની સાથે મુલાકાત થઈ. સૌના આગ્રહથી શ્રીરામકૃષ્ણે ઉપદેશના પ્રસંગમાં ત્યાગભાવના અને વિવેકબુદ્ધિની જરૂર ઉપર ખાસ ભાર મૂક્યો. એમણે કહ્યું: “તમે ભલે રાતદિવસ ઈશ્વરનું નામ લીધા કરો, પરંતુ જો તમારું મન દુન્યવી વિષયોમાં આસક્ત હશે તો તેનાથી કશું વળવાનું નથી.” એ સાંભળી જતીન્દ્ર મોહને કહ્યું કે શું સંસારી લોકોથી એવી રીતે અંત:કરણપૂર્વક ઈશ્વરને ભજવાનું બની શકે ખરું? યુધિષ્ઠિર જેવા પુણ્યાત્માને પણ અસત્ય બોલવું પડયું હતું.” આથી શ્રીરામકૃષ્ણ ચિડાઈને બોલ્યા: “અરે! યુધિષ્ઠિરના જીવનમાંથી તમને આટલું આ એક જ કૃત્ય યાદ રહી ગયું છે,એમની અડગ સત્યનિષ્ઠા, એમનાં અસંખ્ય સત્કૃત્યો, શાસ્ત્રોના ઉપદેશ તરફની એમની પૂજ્ય બુદ્ધિ, એ સઘળું તમે ભૂલી ગયા, ધૂળ પડી!”

~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી


Subscribe to: Posts (Atom)

વર્ગીકૃત // Labels

કડીઓ // Links

સૂચિત લેખો

જોયેલ // Views