ચિત્રગુપ્તનો ચોપડો
એક દિવસ યોગી હરનાથની પાસે હું બેઠો હતો. ત્યાં એક ભાઈ આવ્યા. તે
રેલવેમાં નોકરી કરતા હતા. મારા પરિચિત હતા. એમની દસેક વર્ષની પુત્રીનું
સર્પદંશથી અવસાન થયું હતું અને એનો ઘેરો વિષાદ એમના ચહેરા પર દેખાઈ આવતો
હતો. એ ભાઈએ કેવી રીતે સર્પદંશ થયો તેની વાત કરતાં કહ્યું :
‘સાંજે
નિશાળેથી છૂટીને છોકરી ઘેર આવી. ભંડકિયામાં છાણાં લેવા ગઈ તો કાળોતરો
કરડયો. સાપે એટલા જોરથી દાઢ બેસાડી કે છોકરીએ હાથ ખેંચી લીધો તો સાપ ક્યાંય
સુધી ખેંચાઈ આવ્યો. હું ત્યારે હાજર નહોતો. પણ છોકરીની ચીસ સાંભળી ઘરમાં
બધાં દોડ્યાં. સાપ નાસી ગયો. છોકરીને તત્કાળ દવાખાને પહોંચાડી. છેલ્લી ઘડીએ
મારો મેળાપ થઈ શક્યો. એના અંતકાળે હાજર રહી શક્યો એટલું જ. કાંઈ કારી ન
ફાવી. છોકરી છાણાં લેવા ગઈ એ પહેલાં થોડી જ વારે મારાં મા છાણાં સરખાં કરવા
ગયાં હતાં, પણ તેમણે સાપ નહોતો જોયો. મારી દીકરીનો કાળ આવ્યો હશે, બીજું
શું ?'
આ ભાઈનાં માતુશ્રી અત્યંત વૃદ્ધ છે. અવસ્થાને આરે પહોંચેલાં.
ઘડીભર એમ થઈ જાય કે આવી ઊગીને ઊભી થતી અને રમતી-જમતી બાળાને જ સર્પ કેમ
કરડયો હશે? કોઈનું પણ આવું મૃત્યુ કરુણ ગણાય, પણ થોડી ક્ષણોમાં જ એક ખર્યા
પાનને બદલે ખીલતી કૂંપળને જ કાળની દાઢ કાપી નાખે, ત્યારે મન વિચારે ચડી જાય
છે : આમ કેમ ? આવા પ્રસંગોમાં વિધિની વિચિત્રતા સિવાય કાંઈ દેખાતું નથી.
મેં યોગી હરનાથને પૂછ્યું :
'આવા અઘટિત અને અકાળ મૃત્યુનો કાંઈ ખુલાસો મળી શકે ખરો?'
‘ખુલાસો તો હરેક વાતનો હોય છે, ભાઈ! પણ એને વાંચવા માટે કોણ મથે છે ?'
યોગી
હરનાથે ગંભીર ભાવે કહ્યું. આ કરુણ બનાવ તેમના સમભાવી હૃદયને સ્પર્શી ગયો
લાગ્યો. પણ પેલા ભાઈનો વિષાદ દૂર કરવા એમણે ન આશ્વાસન આપ્યું, ન કોઈ ઉપદેશ
આપ્યો. આવે પ્રસંગે સંસારની અસારતા ને ક્ષણભંગુરતાનું ગાણું ગમે તે ગાઈ શકે
છે. યોગી હરનાથે આમાંનું કાંઈ ન કર્યું. પેલા ભાઈ તરફ એક અત્યંત કરુણાભરી
દૃષ્ટિ નાખી તે ઊંડા ધ્યાનમાં સરી ગયા. થોડી વાર શાંતિ છવાઈ ગઈ. જાણે
સ્પર્શ કરી શકીએ એવી સઘન શાંતિ. યોગી હરનાથે નેત્રો ખોલ્યાં ત્યારે એક જુદી
જ ચમક હતી. વાતનો દોર સાંધતાં તેમણે મને કહ્યું :
'આ વિશ્વમાં કાંઈ
અકારણ નથી, અહેતુક નથી અને અચાનક - અકસ્માતરૂપે પણ નથી. દરેકના
કાર્યકારણની સાંકળ અદીઠ રીતે વણાઈ ગઈ હોય છે. તમારા દરેક કર્મનો હિસાબ
રાખનારું કોઈ બેઠું છે તે કદાપિ ન ભૂલશો. યમરાજના દરબારમાં ચિત્રગુપ્તને
ચોપડે તમારું કાર્ય ચડી ગયું જ હોય છે.'
યોગી હરનાથને મુખે આવી પૌરાણિક કલ્પના સાંભળી મને નવાઈ લાગી. તેમણે તરત જ કહ્યું :
‘ચિત્રગુપ્તનો
ચોપડો એ પરીકથા જેવું લાગે છે ને! પણ ખોટું નથી હોં ભાઈ, તલમાત્ર ખોટું
નથી. આપણા પૌરાણિક દ્રષ્ટાઓ શબ્દના સ્વામી હતા અને બહુ કલ્પનારમ્ય રીતે એ
સનાતન સત્ય કહેતા આવ્યા છે. ચિત્રગુપ્તનો ચોપડો તો ગુરુમહારાજની કૃપાથી
થોડોઘણો હું વાંચી શકું છું. એટલે આ કહું છું. ચિત્રગુપ્ત એટલે તમારા દરેક
કાર્યની તમારા અંતઃકરણ પર જે છાપ પડ્યા કરે છે તે – ગુપ્ત ચિત્ર. દરેક
કાર્યની સૂક્ષ્મ સંસ્કારરૂપે ફોટો ફિલ્મ પડી જાય છે. મૃત્યુ પછી પણ એ
માનવીની સાથે આવે છે અને સમય જતાં પાકકાળે એનાં ફળ ભોગવવાં જ પડે છે.'
પણ
યોગી હરનાથે આ વાતની પછી વિશેષ ચર્ચા ન કરી. જીવનના ગૂઢ પ્રશ્નો વિશે કોઈ
વાર, કોઈ વિદ્વાનનો મત હું ટાંકતો તો યોગી હરનાથ હસીને કહેતા :
‘બાબા,
એ તો સ્પેકુલેશન. અમારે ત્યાં તો, विश्वं विचक्षते धीरा योगराध्दने
चक्षुषा | યોગદૃષ્ટિની સર્ચલાઇટથી બધું જોવામાં આવે છે. યોગીને મન
અનુમાન-પ્રમાણની કંઈ કિંમત નથી. એ તો યોગજ પ્રત્યક્ષમાં માને છે.'
અને
આજે આ 'યોગજ પ્રત્યક્ષ' દૃષ્ટિનો મને પુરાવો મળી ગયો. યોગી હરનાથે પેલા
ભાઈને પૂછ્યું : 'તમે આ પહેલાં ગામના સ્ટેશનમાસ્ટર તરીકે કામ કરતા હતા?'
'જી હા.'
‘ત્યારે તમારા ક્વાર્ટર્સની સામે એક લીમડો હતો. લીમડા નીચે પાણીની નાંદ હતી અને ત્યાં તમે બકરી બાંધતા ?'
'જી હા, બરાબર.'
'અચ્છા. એ જગ્યાની પાસે એક બગીચા જેવું હતું ને ત્યાં તમારી દીકરી ફૂલો ચૂંટવા જતી ?'
'જી, હા. પૂજાનાં ફૂલો અમે એ ફૂલવાડીમાંથી લાવતાં અને મારી દીકરી ઘણી વાર ફૂલો લેવા જતી.'
‘ત્યારે તમારી દીકરીને પગે ખરજવું થયું હતું ?'
'હા, બરાબર. ઘણા ઉપચાર કરેલા પણ મટતું નહોતું.'
'તો
એ સમયે પણ આ સર્પે તેને ફૂલવાડીમાં દંશ દેવા પ્રયત્ન કર્યો હતો. પણ સમય
પાક્યો ન હોવાથી એ ફાવ્યો નહોતો. ત્યાંથી એ માલગાડીના વૅગનમાં ચડયો. અહીં
ઊતર્યો. દરેક પ્રાણીને તે જાણે કે ન જાણે પણ પૂર્વકર્મનો વૅગ ખેંચી જાય છે.
એ પ્રકૃતિની અંધ પણ અચૂક શક્તિ છે ને પોતાનો હિસાબ પતાવે ત્યારે જ જંપે
છે.’
પેલા ભાઈ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મારે માટે પણ કર્મની ગહન
ગતિમાં તેજનો એક લિસોટો પડતો હતો. યોગી હરનાથે જે સ્થળનું વર્ણન કર્યું
ત્યાં તે કદી ગયા નહોતા કે આ છોકરીને પણ જોઈ નહોતી. યોગી હરનાથે આગળ કહ્યું
:
'આટલી સ્થૂળ ભૂમિકાની વાત એટલા માટે કરી કે એની પાછળ રહેલી જે
સૂક્ષ્મ શક્તિ કાર્ય કરે છે એની તમને પ્રતીતિ થાય; નહીં તો—” મારા તરફ ફરી
સહેજ મલકી યોગી હરનાથે ઉમેર્યું : 'યોગી ઉપર તો આક્ષેપ છે કે દીવાલ પાછળ
શું છે એ ન દેખે ને બ્રહ્માંડ પારની વાતો કરે, ખરું ને ?’
'દીવાલ દૂર કરે તો નહીં.' મેં કહ્યું.
પેલા ભાઈએ આ બધી હકીકત સાચી છે એની સંમતિ આપી એટલે યોગી હરનાથે સૂક્ષ્મ જગતનો પડદો ઊંચકતાં કહ્યું :
'આવી
નિર્દોષ, નાની બાળાને સર્પદંશ થાય એટલે લાગી આવે. સ્વાભાવિક છે. પણ
પૂર્વજન્મમાં આ છોકરીએ એક માણસને ઝેર દઈ મારી નાખ્યો હતો. એનું વેર લેવા તે
સર્પ થયો. માણસનું વેરઝેર એને કેટલી અધમ કક્ષાએ ખેંચી જાય છે એ તમે જોઈ
શકો તો વેરવૃત્તિને કદી અંતરમાં સ્થાન ન આપો.'
ભૂતકાળની આટલી વાત કરી ભવિષ્યનું સૂચન આપતાં યોગી હરનાથે પેલા ભાઈને કહ્યું :
'તમારી
દીકરીના મરણથી તમે એને સદાને માટે ખોઈ નથી નાખી. અફસોસ ન કરશો. તમારી સાથે
એના ઋણાનુબંધ હજુ છે. અને તમારે ત્યાં એ ફરી વાર દીકરી તરીકે જન્મ લેશે.
તમારી પેલી છોકરીનો જ જીવાત્મા આવ્યો છે એની નિશાની પણ તમને મળી જશે. એના
પગે ખરજવા જેવો ડાઘ હશે. શિવગુરુની કૃપા હો !'
મેં જોયું તો પેલા
ભાઈના ચહેરા પરથી ઉદાસી ચાલી ગઈ હતી. શ્રદ્ધાનો નવો ઝગારો હતો. આ ભાઈને
ત્યાં પછી પુત્રીનો જન્મ થયો ને તેને પગે ખરજવા જેવો ડાઘ પણ હતો. હજારો
પુસ્તકો અને પ્રવચનો કરતાં આવો એકાદ નક્કર અનુભવ માણસની આંખો ઉઘાડી દે છે. એ
દિવસે ચિત્રગુપ્તના ચોપડાની એક લીટી જાણે યોગી હરનાથે વાંચી બતાવી.
સામાન્ય રીતે આવી બાબતોમાં એ મૌન રહે છે. પણ એક પિતાની દારુણ વ્યથા જોઈ
એમનું કરુણાભર્યું અંતર ઊઘડી ગયું હશે.
શબ્દોના આશ્વાસનમાં આપણે શાંતિ ખોળીએ છીએ, પણ સત્યની ઝલક પામીએ તો ?
~ યોગી હરનાથના સાનિધ્યમાં, મકરન્દ દવે
---