મંગળ ગ્રહ પર જીવન

Saturday, October 4, 2025

મારા સીધા સચોટ પ્રશ્નનો જવાબ આપવાને બદલે યોગી હરનાથ જુદા જુદા લોકમાં સરી ગયા હોય એમ લાગ્યું. પણ ના, તેમણે તરત જ કહ્યું :


'આ પૃથ્વી સિવાય આપણા ગ્રહમંડળમાંયે બીજે જીવન છે. મેં એનો અનુભવ કર્યો છે.’
 

હું અવાક બની સાંભળી રહ્યો.
 

‘મંગળની જ વાત કરું. એમાં તામ્રનું પ્રમાણ વધુ છે એટલે એનો રંગ લાલ છે. ત્યાં માનવી છે, પશુ છે, વનસ્પતિ છે, માણસો છે – ઊંચાં ને રૂપાળાં. વિજ્ઞાનમાં તો આ પૃથ્વીના લોકો કરતાં ઘણા આગળ. ત્યાં આધ્યાત્મિકતાનું નામનિશાન નહીં. શક્તિ-શક્તિ – શક્તિ-ભૌતિક શક્તિના જોરાવર ઉપાસકો, પણ ત્યાંયે રોગ અને મૃત્યુ તો ખરાં જ.'
 

યોગી હરનાથે થોડી વાર વિચાર કરી કહ્યું :
 

'આ બધી 'અરેબિયન નાઇટ્સ'ની વાતો લાગે છે ને ! કાંઈ ફિકર નહીં. પૃથ્વીએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. હવે સૂર્યમંડળનાં રહસ્ય ખુલ્લાં થતાં જશે. આંતરગ્રહની અવકાશયાત્રા પણ શરૂ થશે અને ત્યારે એક યોગીએ કહેલી હકીકત ભારતની આધ્યાત્મિક શક્તિની પ્રતીતિ કરાવશે.'
 

યોગી હરનાથ જે સ્વસ્થતાથી, જે શાંતિથી, વાસ્તવિક ધરતી પર ખડા રહીને વાત કરતા હતા તે મારે મન વિસ્મયજનક હતું. આવી અદ્ભુત વાતનું પણ તેમને કંઈ આશ્ચર્ય નહોતું. મંગળના ગ્રહ પર નજર માંડી એટલું બોલ્યા : 'એને આપણા મહર્ષિઓએ ‘ભૌમ’ કહ્યો છે ને ! એ ભૂમિનો પુત્ર. એમાં ભૂમિના અંશો હોય એમાં નવાઈ શી !'

~ યોગી હરનાથના સાનિધ્યમાં, મકરન્દ દવે


---