સાધના અને મન

Saturday, October 25, 2025

મન હંમેશાં ચંચળ, અસ્થિર અને ભ્રમણશીલ હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે હંમેશાં કલ્પનાસૃષ્ટિમાં વિચરે છે. એક પ્રકારની અસ્પષ્ટ, વિપુલ અતૃપ્તિ તેને શાંત રહેવા દેતી નથી. મનને ઐશ્વર્ય, જ્ઞાન અને આનંદ જોઈએ છે. તે જ મનનો ખોરાક છે. તે ન મળવાને લીધે મન હંમેશાં બરાડા પાડે છે. મનની આ ભૂખ સંતોષાય નહિ ત્યાં સુધી તે કાયમનું ચંચળ રહે છે. મન આનંદ, સુખ, શાંતિ કાને માટે માગે છે તે તે આત્માને જ માટે. આત્મા એ જ મનનો સ્વામી, સખા, અશ્વર્ય, પરમાનંદ સર્વસ્વ છે. અને મન તે આત્માની સતત શોધ કરતું હેાય છે. દુન્યવી વસ્તુમાં તેનો પત્તો મેળવવા માટે પહેલાં તેની ખટપટ ચાલુ હોય છે પણ ત્યાં તે ફાવતું નથી. હવે આત્મા મનના સાન્નિધ્યમાં હોવા છતાં મનને તે મળતો નથી. કારણકે મન બહિર્મુખ હોય છે એટલે તેને લીધે તે આત્માથી વિમુખ જ રહે છે.

એટલે સાધનાનો મુખ્ય ઉદ્દેશ મનને અંતર્મુખ કરવાને હેય છે. પ્રકૃતિ મનને બહિર્મુખ કરે છે. પણ મનને અંતર્મુખ કરવા માટે પ્રકૃતિ જ મનને શક્તિ આપે છે. તે શક્તિનું નામ શબ્દશક્તિ. મૂળમાં તો બન્ને એક જ છે. આ શબ્દશક્તિનો આશ્રય કરીને સાધકે અંતર્મુખ થવું.

~ સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ


---