સાધના અને મન

Saturday, October 25, 2025

મન હંમેશાં ચંચળ, અસ્થિર અને ભ્રમણશીલ હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે હંમેશાં કલ્પનાસૃષ્ટિમાં વિચરે છે. એક પ્રકારની અસ્પષ્ટ, વિપુલ અતૃપ્તિ તેને શાંત રહેવા દેતી નથી. મનને ઐશ્વર્ય, જ્ઞાન અને આનંદ જોઈએ છે. તે જ મનનો ખોરાક છે. તે ન મળવાને લીધે મન હંમેશાં બરાડા પાડે છે. મનની આ ભૂખ સંતોષાય નહિ ત્યાં સુધી તે કાયમનું ચંચળ રહે છે. મન આનંદ, સુખ, શાંતિ કાને માટે માગે છે તે તે આત્માને જ માટે. આત્મા એ જ મનનો સ્વામી, સખા, અશ્વર્ય, પરમાનંદ સર્વસ્વ છે. અને મન તે આત્માની સતત શોધ કરતું હેાય છે. દુન્યવી વસ્તુમાં તેનો પત્તો મેળવવા માટે પહેલાં તેની ખટપટ ચાલુ હોય છે પણ ત્યાં તે ફાવતું નથી. હવે આત્મા મનના સાન્નિધ્યમાં હોવા છતાં મનને તે મળતો નથી. કારણકે મન બહિર્મુખ હોય છે એટલે તેને લીધે તે આત્માથી વિમુખ જ રહે છે.

એટલે સાધનાનો મુખ્ય ઉદ્દેશ મનને અંતર્મુખ કરવાને હેય છે. પ્રકૃતિ મનને બહિર્મુખ કરે છે. પણ મનને અંતર્મુખ કરવા માટે પ્રકૃતિ જ મનને શક્તિ આપે છે. તે શક્તિનું નામ શબ્દશક્તિ. મૂળમાં તો બન્ને એક જ છે. આ શબ્દશક્તિનો આશ્રય કરીને સાધકે અંતર્મુખ થવું.

~ સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ


---

ઉદ્યોગ કરો

Wednesday, October 22, 2025

લેરી પેજ અને સર્જી બ્રેન. કંપનીના માલિક અથવા તો સંસ્થાપકો. ગૂગલ એમનો કોલેજ/મહાવિદ્યાલયનો પ્રોજેક્ટ. કોઈએ એમને સૂચન કર્યું કે તમારો પ્રોજેક્ટ સારો છે, તેમાં આગળ વધો અને પૈસાની જરૂર હોય તો હું આપવા તૈયાર છું. એમણે હા પડી અને અમુક લાખ ડોલરનો ચેક લખી આપ્યો. ચેકમાં કંપનીનું નામ ન હતું લખ્યું કારણકે એમણે કંપનીનું નામ જ વિચાર્યું ન હતું. નામ વગરનો ચેક આ લોકો મહિનાથી પાકીટમાં લઈને ફરતા હતા. ચેક વટાવા માટે કંપનીનું નામ તો નાખવું પડેને!

બંનેએ વિચાર્યું કે આપણો પ્રોજેક્ટ/સોફ્ટવેર શોધન(=search)માં છે તો આપણે કોઈ શોધના પરિણામ રૂપે 1 ની પાછળ 100 મીંડા આવે એટલું બધું આપીશુ. તો કે 1ની પાછળ 100 મીંડાંને શુ કહેવાય? ગૂગલ. તો આપણી કંપનીનું નામ ગૂગલ. પણ પાછળથી ખબર પડી કે એને ગૂગોલ કેવાય. થયું! કેટલાક મહિના પછી કંપનીનું નામ રાખ્યું અને એમાં પણ ખામી નીકળી. ખેર! આજે ગૂગલ દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓમાની એક છે અને એના બંને માલિકો દુનિયાના 10 અબજોપતિઓમાં આવે છે. ગૂગલ આજે ઘર-ઘર જાણીતું નામ છે. ડોસાથી માંડી 1 વર્ષના બાળક પણ એ પ્રોજેક્ટ વાપરે છે.

---

કંપની તરફથી બહાર ક્રિકેટ રમવા માટે કહેવામાં કહેવામાં આવ્યું એટલે મારા મિત્રે બોક્સ ક્રિકેટ(=box cricket) બુક કરી એની કંપનીના લોકો રમવા ગયા. ખર્ચો કંપની આપવાની હતી એટલે પૈસાનો કોઈ સવાલ ન હતો. શરૂઆતમાં 80% રકમ (1500-1700) આપ્યાં અને બાકીના રમત પુરી થઇ ગઈ એટલે આપ્યાં. મારા મિત્રની એક ફરિયાદ હતી કે પીચમાં આગળની બાજુ થોડા ખાડા ટેકરા છે તો બોલના ટપ્પા પડ્યા પછી કોઈક વાર તકલીફ પડે છે.

સંચાલન કરનાર વ્યક્તિ આડોડાઇથી વાત કરતાં, સામે પડ્યો કે, હજુ હમણાજ 25,000નો ખર્ચો કર્યો છે, ને તમે ઈ બાને ભાવ ઓછા કરવાની વાત કરો છો જયારે પૈસા તો ચૂકવી દીધા પછીની આ વાતચીત હતી. એટલે પછી એમ નક્કી થયું કે હવે પછી અહીં રમવા આવાનું થતું નથી અને આ ભાઈએ એક ગ્રાહક ખોયો કેમકે પેલા લોકો દર મહિને અહીં રમવા આવતા હતાં.

---

આ લેખનું મથાળું 'ઉદ્યોગ કરો' એમ છે. અહીં, ઉદ્યોગ એટલે પરિશ્રમ પણ થાય અને ધંધો, કંપની, કારખાનું, કે દુકાન, નોકરી પણ થાય. હું તો કહું છું કે તમે એનો બંને મતલબ લો. જો તમે બોક્સ ક્રિકેટ ખોલીને બેઠા હોય તો પરિશ્રમ કરો. ગ્રાહક સાથે તોછડાઈ તમારી આવક ને ઘટાડે છે અને તમારાં ઉદ્યોગને વિકસવા દેતો અટકાવે છે. બેઠે બેઠું ઘણીવાર મળે છે ત્યારે એ પચતું નથી. બાપ-દાદાએ જમાવેલ ધંધો વારસામાં મળતાં ખાલી આવકનો હિસાબ ગણતરીમાં આવે છે, જયારે એમની મહેનતનો હિસાબ ચોપડાની ગણતરીમાં નથી લખેલો આવતો. આથી, વારસદારની અણઆવડત ધંધાને પતનના માર્ગે લઇ જાય છે. બાપ-દાદા ભૈ'સાબ બાપા કરીને, કુનેહ વાપરીને અને વિવેક વાપરીને - જ્યાં જેની જેટલી જરૂર પડી એટલું વાપરીને ધંધો જમાવે છે. ગ્રાહક સાથે સંબંધો બાંધતા અને સાચવતાં વર્ષો નીકળી જાય છે. પણ બેઠું મળતાં આ મહેનતની ગણતરી ના હોય અને જમાવેલ ધંધાનું આભિમાન છેલ્લે ધંધો ડુબાડે છે.

જો તમે મહેનત કરતાં હોય તો ઉદ્યોગ કરો, ધંધો કરો, કંપની ખોલો, દુકાન ખોલો, કારખાનું નાખો કે એનો વિચાર કરો. મહેનત કરતા લોકોને મળો, જાણો, આવડત મેળવો અને ધંધાની પાયાની માહિતી મેળવો એમાં અનુભવ કમાવ. જો ગૂગલના માલિકો એવું વિચારીને બેસી ગયાં હોત કે આપણાથી કંપનીનું નામ પણ સાચું રાખી શકાતું નથી, આપણે ધંધો શું કરવાનાં! તો આજે ગૂગલ ના હોત. પણ એમણે ઉદ્યોગ મહેનત ના છોડી. જરૂરી નથી કે બધું સારું જ થવું જોઈએ આગળ વધવામાં. જરૂરી છે, આગળ વધવું ઉદ્યોગ કરવો/મહેનત કરવી.

ચોક્કસથી નસીબ સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે, પણ ખાલી નસીબના જોરે થોડું બેસી રેવાશે. તો તો પછી લોટરી જ સફળતાની સીડી ગણાય!

બધું બેઠાં બેઠાં તો નહિ મળે. મહેનત જરૂરી છે. ટૂંકા રસ્તાઓ(=શોર્ટકટ)થી સફળતા મેળવવાની લાલસામાં લાંબા રસ્તાઓ નો અનુભવ નથી મળતો. જેથી, એક વાર ટૂંકા રસ્તાથી સફળતા મળ્યા પછી એ એનુભવનાં અભાવે ટોચથી સીધા ખાઈમાં પટકાય છે.

આજની સફળતાની વ્યાખ્યાએ પહોંચતા ચાર પેઢીનો સમય લાગે છે. પહેલી પેઢી ખાવા-પીવાની વ્યવ્યસ્થા કરી આપે છે, બીજી પેઢી રહેવાની વ્યવસ્થા કરી આપે છે, ત્રીજી પેઢી કમાવાની વ્યવસ્થા કરી આપે છે, અને ચોથી પેઢીએ ભોગ-વિલાસ(સફળ!) થાય છે. આ ટૂંકા રસ્તાથી તમે પેઢીઓની મહેનત કાપવાની વાત થાય છે. ખાવા-પીવાની સગવડ તમારી આગલી પેઢીએ કરી આપી છે, તમારે રહેવાની વ્યવસ્થા કરવાની છે, તો પણ તમે સફળ છો. જરૂરી નથી કે ભોગ-વિલાસે પહોંચવું જ.દેવું કરીને પણ ઘી પીવું એ સદંતર ખોટું છે. જો તમને કોઈ એ સાચું ગણાવાની વાત કરે છે તો એને ઘીનો વેપારી જ ગણાવો.

સફળતાની વ્યાખ્યા સાથે જો તમે સહમત ના હોય પણ અને એને ગાંડપણમાં ગણાતા હોય તો એને ચોક્કસથી આવનાર પેઢીને સાચું શિક્ષણ આપી ગેરસમજ દૂર કરવી ઘટે. બાકી ભૌતિક ભોગ-વિલાસ અંદર ખાલીપો લાવશે જેનો કોઈ ઉપચાર નથી!

અને છેલ્લે પાછા મુખ્ય મુદ્દા પર આવતા, ઉદ્યોગ કરો.


---

મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ

Monday, October 20, 2025

સવાલ : 'પરલોકમાં ગયેલા આત્માની સ્થિતિ કેવી હોય છે ? તે વિષે આપનો શો મત છે ? '
તે વિષે સરસાહેબે સ્વાનુભવની ખૂબ સરસ વાત કરી. તેમણે કહ્યું : 'જગતમાંના જુદાજુદા દેશના લોકોએ અને વિદ્વાનેએ આ વિષય પર વિચાર કર્યો છે. તેમણે પણ મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ ટકી રહે છે એ મતને ટેકો આપ્યો છે. પુનર્જન્મની હકીકત કહી છે. તો કેટલાકે તો દિવંગત આત્માની તસવીરે પણુ લીધી છે. બીજાની વાત જવા દો. મારા પોતાના અનુભવની વાત કરું: 'કેટલાંક વર્ષો પૂર્વે મારી પત્ની ગુજરી ગઈ. જીવતી હતી ત્યારે મારા ઘરનો બધો કારભાર તે સંભાળતી. જમીનદારી અને બીજી બધી એસ્ટેટના કાગળપત્રો પણ તેની પાસે રહેતા. હું કાંઈ જોતો નહિ. મૃત્યુ થયા પહેલાં તે થોડાક દિવસ માંદી પડી, અને બેત્રણ દિવસમાં જ મરી ગઈ. તે પછી કોર્ટ માટે કેટલાક કાગળોની મને જરૂર પડી. હું તે કાગળ આખો દિવસ શોધ્યા કરતો. બધાં કબાટ, પેટીઓ શોધી વળ્યો; કાગળ ક્યાંય મળે નહિ. મને ચિંતા થવા માંડી. રાત્રે સ્વપ્નમાં મારી પત્ની આવી. 'આટલી ચિંતા શા માટે કરો છો ?' એમ કહીને તેણે કયા કબાટમાં અને કયા ખાનામાં એ કાગળ મૂક્યા હતા તેનું વર્ણન પણ આપ્યું. હું જાગ્યો એટલે તે માહિતી મેં કાગળ પર નોંધી લીધી અને તે પ્રમાણે કાગળ શોધ્યા. એ જ જગ્યાએથી બધા કાગળ મળ્યા.

~ સર વ્રજેન્દ્રનાથ સાથે મુલાકાતમાંથી, સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ


---

પૈસા અને સમય કેવી રીતે ગુમાવવા

Saturday, October 18, 2025

આ એક ભાષાંતરીત લેખ છે. જેનું ભાષાંતર Paul Grahamએ લખેલ How to Lose Time and Money લેખ ઉપર થી કરવામાં આવ્યું છે.

૧૯૯૮ માં જયારે અમે અમારો ઝડપથી વિકસતો ઉદ્યોગ વેચ્યો ત્યારે અમને એ સમયે ઘણા પૈસા મળ્યા હતાં. હવે મારે એ બાબત વિષે વિચારવાનું હતું જેનાં વિષે મેં પહેલા ક્યારેય ન હતું વિચાર્યું. આ મળેલા પૈસા કઈ રીતે ગુમાવવા નહિ. કેમ કે, જેમ ગરીબીમાંથી અમીર બની શકાય તેમ અમીરમાંથી ગરીબ બનવું પણ શક્ય છે. મેં મારી જિંદગીના ઘણા વર્ષો કઈ રીતે અમીર બની શકાય એ રસ્તાઓ શોધવામાં વિતાવ્યા. મારે હવે એ રસ્તાઓ વિષે પણ જાણવાનું હતું જે રસ્તાઓમાં જતાં હું અમીરમાંથી ગરીબ ના થઇ જાવ.

આથી મેં અભ્યાસ કરવાનો શરૂ કર્યો કે કઇ રીતે મોટાં ઉદ્યોગો પતી ગયા. જો તમે મને બાળપણમાં પૂછ્યું હોત કે, અમીરમાંથી ગરીબ કઈ રીતે બનાય છે તો હું તમને ચોક્કસથી જવાબ આપેત કે બધા પૈસા વાપરીને. કેમ કે પુસ્તકો અને ફિલ્મોમાં આવી રીતે જ બતાવે છે જે વાર્તારૂપે સારું લાગે છે. પણ હકીકતે મોટા ઉદ્યોગો વધુ પડતા ખર્ચાઓનાં લીધે નહિ પણ ખોટા રોકાણો ના લીધે ધોવાય ગયા.

વધુ પડતાં પૈસા વપરાય જાય અને તમારું ધ્યાન ના રહે એવું ઓછું બને. કેમ કે એક સામાન્ય વર્ગનો માણસ "આહ, હું બહુ ખર્ચો કરી રહ્યો છું" એવું વિચાર્યા વગર હજારો રૂપિયા વાપરી જ ના શકે. પણ જો તમે (ખોટી જગ્યાએ) રોકાણ કરવાની શરૂઆત કરો તો આંખનાં પલકારામાં લાખો (અથવાતો જેટલા ધારો એટલા) ગુમાવી શકો છો.

સામાન્ય વર્ગના લોકો જયારે મોંઘી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચે તો તરત જ તેમને મગજમાં ઝબકારો થાય કે પૈસાનો વધુ ખર્ચ થાય છે, પણ આ ઝબકારો/આ એલાર્મ રોકાણ કરો ત્યારે નથી થતો/વાગતો. મોંઘી વસ્તુઓ પાછળ પૈસા વાપરવા એ સ્વચ્છંદતા જેવું છે. તમને નાનપણથી જ શીખવવામાં આવ્યું હશે કે કરકસરથી પૈસા વાપરવાં સિવાય કે તમને લોટરી લાગી હોય કે પછી બાપદાદાનાં પૈસા હોય. પણ જયારે તમે રોકાણ કરતાં હોય ત્યારે આ કરકસરની ચિંતા નથી થતી કેમકે તમે પૈસા વાપરી નથી પણ એકમાંથી બીજામાં નાખી રહ્યા છો. તેથી જ જે લોકો તમને મોંઘી વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ કહે છે કે "તે એક રોકાણ છે."

આ સમસ્યાનો ઉકેલ એ છે કે તમે નવા એલાર્મ ગોઠવો. આ સરળ કામ નથી. કરકસર તો ઘણાના લોહીમાં હશે પણ ખોટી જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું અટકવું એ અઘરું છે પણ શીખવાની જરૂર છે. એવું બની શકે કે કોઈ વાર એમાં વિરોધાભાસ પણ આવે.

આ ઉપરથી થોડા દિવસ પહેલાં મને એક વિચિત્ર સમજાઈ: સમયનું પણ કાંઈક આવું છે. તમારો સમય માજા કરવામાં વેડફાય એના કરતા તમે કામ કરો છો એવું લાગે છે એમાં ખતરનાક રીતે સમય વેડફાય છે. જયારે તમે ખાલી એમાં મઝા માટે સમય વેડફી રહ્યા હોય ત્યારે તમને સ્વચ્છંદ જેવું લાગશે. એટલે થોડા સમયમાં જ એ એલાર્મ વાગશે કે ખોટો સમય વેડફાઈ રહ્યો છે. સવારે ઉઠીને આખો દિવસ ટીવી જોવું અને કાંઈ જ ના કરવું, એવું વિચારોતો તમને તરત જ ખબર પડશે કે આતો સાવ સમય વેડફવા જેવી વાત છે, આવું વિચારોતો પણ કાંઈક થાય છે. આખા દિવસની વાત તો દૂર રહી હું 2 કલાક પણ ટીવી જોવું તો કાંઈક કાંઈક થવા લાગે છે.

એવા ઘણા દિવસો ગયા છે જયારે હું દિવસના અને મારી જાત ને પૂછું કે આજે શું કર્યું તો ખબર પડે કે કાંઈ નહિ. કેમ કે, એ બહારથી જોતા એમ લાગે કે હું કામ કરું છું પણ ખરેખર એવું નથી. જેમ કે, ઇ-મેઇલ જોવા અને જવાબ આપવા, તમે તમારી ઓફિસની જગ્યાએ બેસીને કાંઈક કરો છો. એ કામમાં મઝા નથી આવતી તો એનો મતલબ એવો થશે કે તમે કાંઈક કામ કરી રહ્યા છો. કેમ કે, કામ નથી પણ કામ જેવું કરો છો એમાં પેલો એલાર્મ નહિ વાગે. પણ જો આખો દિવસ તમે સોફા પર બેસીને ટીવી જોશો તો ચોક્કસથી લાગશે કે, આતો આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, જિંદગી બરબાદ કરી રહ્યા છીએ.

તો સમયની બાબતમાં પણ પૈસાની જેમ માત્ર આનંદ કરવાથી દૂર રહેવું એટલું પૂરતું નથી. પેલાના સમયમાં, પાષાણયુગમાં કે ઔદ્યોગિક ક્રાંતિ પેલા એવું હશે પણ હાલતો નહિ જ. કુદરતે આપેલો એ એલાર્મ આપણને હંમેશા સ્વચ્છન્દ બનતાં રોકે છે. પણ દુનિયા હવે બહુ જટિલ બની ગઈ છે અને નવી નવી તરકીબો વાપરીને એ પેલાં એલાર્મ વગાડવા દેતી નથી. એમાં પણ સૌથી ખરાબ તો એ છેકે એમાં આપણે સ્વચ્છન્દ બનીને આનંદ પણ નથી કરી શકતા.


---

ભગવાનની કરુણાદૃષ્ટિ

Friday, October 17, 2025

(પંડિત ગોપીનાથ) કવિરાજના મનનું ઘડતર કરવામાં આ (શિવરામ-કિંકર) મહાત્માની યોગ-સિદ્ધિ, સ્વતંત્ર વૃત્તિ, તેમની અનન્ય રામભક્તિ અને તેમના અગાધ જ્ઞાનનો ઘણો મોટો ફાળો છે. તેમના અનેક શિષ્યો હતા. તેમાં સ્વામી અભેદાનંદની પણ ગણના થાય છે. કવિરાજ લગભગ સાત વરસ તેમના સંપર્કમાં રહ્યા (૧૯૧૧-૧૯૧૭). 

એક વાર ભક્તિના મહિમાનું વર્ણન કરતાં પોતાના જીવનમાં બનેલા એક પ્રસંગની વાત કવિરાજને કહેવા લાગ્યા, “હું કોઈની પાસે ક્યારેય માગતો નથી. તેમ જ મારી પાસે મારી પોતાની કંઈ મિલકત નથી. તોપણ મારી આજીવિકા ચાલે છે. ઈશ્વરની એવી જ ઇચ્છા હોય એમ લાગે છે. એક દિવસ હું વરાહનગરમાં અભેદાનંદને વેદાંત શીખવતો હતો. એટલામાં એક પોસ્ટમેને ઈન્સ્યુઅર્ડ કવર મારા હાથમાં મૂક્યું. મેં તે કવર ઉઘાડડ્યું. અંદર ત્રીસ રૂપિયા અને પત્ર હતો. મેં કાગળ વાંચ્યો. વાંચ્યા પછી મારી આંખમાં આંસુ આવ્યાં. અભેદાનંદને ખૂબ આશ્ચર્ય થયું. તેણે પૂછયું : 'શી વાત છે, મહારાજ?' મેં ખુલાસો કર્યો, 'પ્રમદાદાસ મિત્ર નામના એક માણસે મને ૩૦ રૂપિયા મોકલ્યા છે. સાથે એક પત્ર પણ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે ' ત્રણ દિવસ પહેલાં મને સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધું, અને કહ્યું કે આજે ત્રણ દિવસથી તું મને જે મહાનૈવેધ આપે છે તે હું લેતો નથી. મારો ભક્ત શિવરામ-કિંકર વરાહનગરમાં આજે ત્રણ દિવસથી માત્ર બિલ્વપત્ર ખાઈને જ રહે છે.' અને સ્વપ્નમાં જ તેમણે મને આપનું સરનામું આપ્યું. એ સરનામે તમને ૩૦ રૂપિયા મોકલું છું, તેનો સ્વીકાર કરશો. શિવરામ-કિંકર મહાશયે આગળ એમ કહ્યું કે હું ખાતો નથી તેની કોઈને ખબર નહોતી. 

પોતાના ભક્ત ઉપર પરમેશ્વરની કેટલી કરુણાદૃષ્ટિ હોય છે તે જોઈને મારી આંખમાં આંસુ આવ્યાં.

~ સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ


---

ચિત્રગુપ્તનો ચોપડો

Wednesday, October 8, 2025

એક દિવસ યોગી હરનાથની પાસે હું બેઠો હતો. ત્યાં એક ભાઈ આવ્યા. તે રેલવેમાં નોકરી કરતા હતા. મારા પરિચિત હતા. એમની દસેક વર્ષની પુત્રીનું સર્પદંશથી અવસાન થયું હતું અને એનો ઘેરો વિષાદ એમના ચહેરા પર દેખાઈ આવતો હતો. એ ભાઈએ કેવી રીતે સર્પદંશ થયો તેની વાત કરતાં કહ્યું :

‘સાંજે નિશાળેથી છૂટીને છોકરી ઘેર આવી. ભંડકિયામાં છાણાં લેવા ગઈ તો કાળોતરો કરડયો. સાપે એટલા જોરથી દાઢ બેસાડી કે છોકરીએ હાથ ખેંચી લીધો તો સાપ ક્યાંય સુધી ખેંચાઈ આવ્યો. હું ત્યારે હાજર નહોતો. પણ છોકરીની ચીસ સાંભળી ઘરમાં બધાં દોડ્યાં. સાપ નાસી ગયો. છોકરીને તત્કાળ દવાખાને પહોંચાડી. છેલ્લી ઘડીએ મારો મેળાપ થઈ શક્યો. એના અંતકાળે હાજર રહી શક્યો એટલું જ. કાંઈ કારી ન ફાવી. છોકરી છાણાં લેવા ગઈ એ પહેલાં થોડી જ વારે મારાં મા છાણાં સરખાં કરવા ગયાં હતાં, પણ તેમણે સાપ નહોતો જોયો. મારી દીકરીનો કાળ આવ્યો હશે, બીજું શું ?'

આ ભાઈનાં માતુશ્રી અત્યંત વૃદ્ધ છે. અવસ્થાને આરે પહોંચેલાં. ઘડીભર એમ થઈ જાય કે આવી ઊગીને ઊભી થતી અને રમતી-જમતી બાળાને જ સર્પ કેમ કરડયો હશે? કોઈનું પણ આવું મૃત્યુ કરુણ ગણાય, પણ થોડી ક્ષણોમાં જ એક ખર્યા પાનને બદલે ખીલતી કૂંપળને જ કાળની દાઢ કાપી નાખે, ત્યારે મન વિચારે ચડી જાય છે : આમ કેમ ? આવા પ્રસંગોમાં વિધિની વિચિત્રતા સિવાય કાંઈ દેખાતું નથી. મેં યોગી હરનાથને પૂછ્યું :

'આવા અઘટિત અને અકાળ મૃત્યુનો કાંઈ ખુલાસો મળી શકે ખરો?'

‘ખુલાસો તો હરેક વાતનો હોય છે, ભાઈ! પણ એને વાંચવા માટે કોણ મથે છે ?'

યોગી હરનાથે ગંભીર ભાવે કહ્યું. આ કરુણ બનાવ તેમના સમભાવી હૃદયને સ્પર્શી ગયો લાગ્યો. પણ પેલા ભાઈનો વિષાદ દૂર કરવા એમણે ન આશ્વાસન આપ્યું, ન કોઈ ઉપદેશ આપ્યો. આવે પ્રસંગે સંસારની અસારતા ને ક્ષણભંગુરતાનું ગાણું ગમે તે ગાઈ શકે છે. યોગી હરનાથે આમાંનું કાંઈ ન કર્યું. પેલા ભાઈ તરફ એક અત્યંત કરુણાભરી દૃષ્ટિ નાખી તે ઊંડા ધ્યાનમાં સરી ગયા. થોડી વાર શાંતિ છવાઈ ગઈ. જાણે સ્પર્શ કરી શકીએ એવી સઘન શાંતિ. યોગી હરનાથે નેત્રો ખોલ્યાં ત્યારે એક જુદી જ ચમક હતી. વાતનો દોર સાંધતાં તેમણે મને કહ્યું :

'આ વિશ્વમાં કાંઈ અકારણ નથી, અહેતુક નથી અને અચાનક - અકસ્માતરૂપે પણ નથી. દરેકના કાર્યકારણની સાંકળ અદીઠ રીતે વણાઈ ગઈ હોય છે. તમારા દરેક કર્મનો હિસાબ રાખનારું કોઈ બેઠું છે તે કદાપિ ન ભૂલશો. યમરાજના દરબારમાં ચિત્રગુપ્તને ચોપડે તમારું કાર્ય ચડી ગયું જ હોય છે.'

યોગી હરનાથને મુખે આવી પૌરાણિક કલ્પના સાંભળી મને નવાઈ લાગી. તેમણે તરત જ કહ્યું :

‘ચિત્રગુપ્તનો ચોપડો એ પરીકથા જેવું લાગે છે ને! પણ ખોટું નથી હોં ભાઈ, તલમાત્ર ખોટું નથી. આપણા પૌરાણિક દ્રષ્ટાઓ શબ્દના સ્વામી હતા અને બહુ કલ્પનારમ્ય રીતે એ સનાતન સત્ય કહેતા આવ્યા છે. ચિત્રગુપ્તનો ચોપડો તો ગુરુમહારાજની કૃપાથી થોડોઘણો હું વાંચી શકું છું. એટલે આ કહું છું. ચિત્રગુપ્ત એટલે તમારા દરેક કાર્યની તમારા અંતઃકરણ પર જે છાપ પડ્યા કરે છે તે – ગુપ્ત ચિત્ર. દરેક કાર્યની સૂક્ષ્મ સંસ્કારરૂપે ફોટો ફિલ્મ પડી જાય છે. મૃત્યુ પછી પણ એ માનવીની સાથે આવે છે અને સમય જતાં પાકકાળે એનાં ફળ ભોગવવાં જ પડે છે.'

પણ યોગી હરનાથે આ વાતની પછી વિશેષ ચર્ચા ન કરી. જીવનના ગૂઢ પ્રશ્નો વિશે કોઈ વાર, કોઈ વિદ્વાનનો મત હું ટાંકતો તો યોગી હરનાથ હસીને કહેતા :

‘બાબા, એ તો સ્પેકુલેશન. અમારે ત્યાં તો, विश्वं विचक्षते धीरा योगराध्दने चक्षुषा | યોગદૃષ્ટિની સર્ચલાઇટથી બધું જોવામાં આવે છે. યોગીને મન અનુમાન-પ્રમાણની કંઈ કિંમત નથી. એ તો યોગજ પ્રત્યક્ષમાં માને છે.'

અને આજે આ 'યોગજ પ્રત્યક્ષ' દૃષ્ટિનો મને પુરાવો મળી ગયો. યોગી હરનાથે પેલા ભાઈને પૂછ્યું : 'તમે આ પહેલાં ગામના સ્ટેશનમાસ્ટર તરીકે કામ કરતા હતા?'

'જી હા.'

‘ત્યારે તમારા ક્વાર્ટર્સની સામે એક લીમડો હતો. લીમડા નીચે પાણીની નાંદ હતી અને ત્યાં તમે બકરી બાંધતા ?'

'જી હા, બરાબર.'

'અચ્છા. એ જગ્યાની પાસે એક બગીચા જેવું હતું ને ત્યાં તમારી દીકરી ફૂલો ચૂંટવા જતી ?'

'જી, હા. પૂજાનાં ફૂલો અમે એ ફૂલવાડીમાંથી લાવતાં અને મારી દીકરી ઘણી વાર ફૂલો લેવા જતી.'

‘ત્યારે તમારી દીકરીને પગે ખરજવું થયું હતું ?'

'હા, બરાબર. ઘણા ઉપચાર કરેલા પણ મટતું નહોતું.'

'તો એ સમયે પણ આ સર્પે તેને ફૂલવાડીમાં દંશ દેવા પ્રયત્ન કર્યો હતો. પણ સમય પાક્યો ન હોવાથી એ ફાવ્યો નહોતો. ત્યાંથી એ માલગાડીના વૅગનમાં ચડયો. અહીં ઊતર્યો. દરેક પ્રાણીને તે જાણે કે ન જાણે પણ પૂર્વકર્મનો વૅગ ખેંચી જાય છે. એ પ્રકૃતિની અંધ પણ અચૂક શક્તિ છે ને પોતાનો હિસાબ પતાવે ત્યારે જ જંપે છે.’

પેલા ભાઈ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મારે માટે પણ કર્મની ગહન ગતિમાં તેજનો એક લિસોટો પડતો હતો. યોગી હરનાથે જે સ્થળનું વર્ણન કર્યું ત્યાં તે કદી ગયા નહોતા કે આ છોકરીને પણ જોઈ નહોતી. યોગી હરનાથે આગળ કહ્યું :

'આટલી સ્થૂળ ભૂમિકાની વાત એટલા માટે કરી કે એની પાછળ રહેલી જે સૂક્ષ્મ શક્તિ કાર્ય કરે છે એની તમને પ્રતીતિ થાય; નહીં તો—” મારા તરફ ફરી સહેજ મલકી યોગી હરનાથે ઉમેર્યું : 'યોગી ઉપર તો આક્ષેપ છે કે દીવાલ પાછળ શું છે એ ન દેખે ને બ્રહ્માંડ પારની વાતો કરે, ખરું ને ?’

'દીવાલ દૂર કરે તો નહીં.' મેં કહ્યું.

પેલા ભાઈએ આ બધી હકીકત સાચી છે એની સંમતિ આપી એટલે યોગી હરનાથે સૂક્ષ્મ જગતનો પડદો ઊંચકતાં કહ્યું :

'આવી નિર્દોષ, નાની બાળાને સર્પદંશ થાય એટલે લાગી આવે. સ્વાભાવિક છે. પણ પૂર્વજન્મમાં આ છોકરીએ એક માણસને ઝેર દઈ મારી નાખ્યો હતો. એનું વેર લેવા તે સર્પ થયો. માણસનું વેરઝેર એને કેટલી અધમ કક્ષાએ ખેંચી જાય છે એ તમે જોઈ શકો તો વેરવૃત્તિને કદી અંતરમાં સ્થાન ન આપો.'

ભૂતકાળની આટલી વાત કરી ભવિષ્યનું સૂચન આપતાં યોગી હરનાથે પેલા ભાઈને કહ્યું :

'તમારી દીકરીના મરણથી તમે એને સદાને માટે ખોઈ નથી નાખી. અફસોસ ન કરશો. તમારી સાથે એના ઋણાનુબંધ હજુ છે. અને તમારે ત્યાં એ ફરી વાર દીકરી તરીકે જન્મ લેશે. તમારી પેલી છોકરીનો જ જીવાત્મા આવ્યો છે એની નિશાની પણ તમને મળી જશે. એના પગે ખરજવા જેવો ડાઘ હશે. શિવગુરુની કૃપા હો !'

મેં જોયું તો પેલા ભાઈના ચહેરા પરથી ઉદાસી ચાલી ગઈ હતી. શ્રદ્ધાનો નવો ઝગારો હતો. આ ભાઈને ત્યાં પછી પુત્રીનો જન્મ થયો ને તેને પગે ખરજવા જેવો ડાઘ પણ હતો. હજારો પુસ્તકો અને પ્રવચનો કરતાં આવો એકાદ નક્કર અનુભવ માણસની આંખો ઉઘાડી દે છે. એ દિવસે ચિત્રગુપ્તના ચોપડાની એક લીટી જાણે યોગી હરનાથે વાંચી બતાવી. સામાન્ય રીતે આવી બાબતોમાં એ મૌન રહે છે. પણ એક પિતાની દારુણ વ્યથા જોઈ એમનું કરુણાભર્યું અંતર ઊઘડી ગયું હશે.

શબ્દોના આશ્વાસનમાં આપણે શાંતિ ખોળીએ છીએ, પણ સત્યની ઝલક પામીએ તો ?

~ યોગી હરનાથના સાનિધ્યમાં, મકરન્દ દવે


---

મને મોટા ભાગના સોફ્ટવેર ગમતા નથી

Sunday, October 5, 2025

આ એક ભાષાંતરીત લેખ છે. જેનું ભાષાંતર Ryan Dahlએ લખેલ I hate almost all software લેખ ઉપર થી કરવામાં આવ્યું છે. બધા જ હક્કો Ryan Dahlને આધીન છે અને અહીં આ ભાષાંતરીત લેખ મૂળ લેખકની પરવાનગી બાદ મુકવામાં આવ્યો છે.

તે લગભગ દરેક સ્તરે બિનજરૂરી અને જટિલ છે. હું એવા વ્યક્તિને ધન્યવાદ આપવાં માંગુ છું જે ઝડપથી અને સરળ રીતથી આપેલા કામને પતાવી શકે આ ખીચડામાં. મને એવા જ સોફ્ટવેર પસંદ છે, જેને હું સરળતાથી સમજી શકું છું અને મારુ કામ પતાવી શકું છું. જો એ જટિલ હોય તો એને હું સહન કરવા (સમજવા) તૈયાર છું પણ પછી એ મારા કામના પ્રમાણમાં હોવી જોઈએ.

ગયા વર્ષે મને લાગ્યું કે આખરે હું યુનિક્સના સિદ્ધાંતો સમજી શક્યો છું: ફાઇલ ડિસ્ક્રિપ્ટર અને પ્રોસેસ, જે C દ્વારા સંચાલિત થાય છે. આ એક સુંદર વિચાર છે. પરંતુ આપણે જેની સાથે કામ કરીએ છીએ, એ આ નથી. જટિલતા કાબૂમાં રહી નથી. એની જગ્યાએ DBus અને /usr/lib અને Boost અને ioctls અને SMF અને signals અને volatile variables અને prototypal inheritance અને _C99_FEATURES_ અને dpkg અને autoconf સાથે કામ કરવું પડે છે.

આપણામાંથી જેઓ આ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે તેઓ એની જટિલતામાં વધારો કરી રહ્યા છે. જેમકે, તમારે તમારું સિસ્ટમ ચાલે એ માટે $LD_LIBRARY_PATH સમજવું પૂરતું નથી, હવે તમારે $NODE_PATH પણ સમજવું પડશે – આ રહ્યો મારો નાનો ઉમેરો, જે જટિલતા તમારે હવે શીખવી પડશે! વપરાશકર્તાઓ - જે ફક્ત વેબપેજ જોવા માંગે છે - એમને કોઈ ફરક પડતો નથી. એમને કોઈ ફરક પડતો નથી કે તમે  /usr કેવી રીતે ગોઠવ્યું છે, એમને કોઈ ફરક પડતો zombie processesથી , એમને કોઈ ફરક પડતો bash tab completionનો , એમને કોઈ ફરક પડતો કે Node સાથે zlib dynamically જોડાયેલ છે કે statically. એક સમય એવો આવશે કે હાલમાં રહેલી સિસ્ટમની જટિલતા એ હદે વધી જશે કે કાંઈક એમાં નવાનો ઉમેરો કરવાનું અશક્ય બની જશે. જ્યારે આવું થશે, ત્યારે આ બધું કચરામાં જશે. આપણે boost, glib અને autoconf ને ટોયલેટમાં વહાવી દેશું અને કદી એની તરફ નજર પણ નહીં કરીએ.

તમારામાંથી જેઓને હજીપણ પ્રોગ્રામિંગ ભાષાની નાની-નાની વિગતો શીખવામાં આનંદ આવે છે - જેમકે જે લોકો ખુશી અનુભવે છે NaN અને null વચ્ચેના તફાવતની વાતો કરવામાં - એ લોકોને ખબર નથી કે આખું સિસ્ટમ કેટલું ખરાબ હાલતમાં છે. જો તમને કોડમાં બધી = સાઇન સરખી લાઇનમાં ગોઠવવી “ક્યૂટ” લાગે છે, જો તમે વિન્ડો મેનેજર કે એડિટરને કન્ફિગર કરવામાં સમય વેડફો છો, જો ટેસ્ટ રનરમાં યુનિકોડ ચેક માર્ક મૂકો છો, જો કોડ ડિરેક્ટરીઝમાં બિનજરૂરી hierarchy બનાવો છો, અથવા જો તમે ફક્ત સમસ્યા હલ કરવાને બદલે બીજું બધું કરો છો – તો તમે હજી સમજ્યા નથી કે આખું સિસ્ટમ કેટલું ખરાબ હાલતમાં છે. glib ઓબ્જેક્ટ મોડેલની કોઈને કાંઈ જ પડી નથી.

સોફ્ટવેરમાં મહત્વની એક જ વસ્તુ છે – વપરાશકર્તાનો અનુભવ.


---

મંગળ ગ્રહ પર જીવન

Saturday, October 4, 2025

મારા સીધા સચોટ પ્રશ્નનો જવાબ આપવાને બદલે યોગી હરનાથ જુદા જુદા લોકમાં સરી ગયા હોય એમ લાગ્યું. પણ ના, તેમણે તરત જ કહ્યું :


'આ પૃથ્વી સિવાય આપણા ગ્રહમંડળમાંયે બીજે જીવન છે. મેં એનો અનુભવ કર્યો છે.’
 

હું અવાક બની સાંભળી રહ્યો.
 

‘મંગળની જ વાત કરું. એમાં તામ્રનું પ્રમાણ વધુ છે એટલે એનો રંગ લાલ છે. ત્યાં માનવી છે, પશુ છે, વનસ્પતિ છે, માણસો છે – ઊંચાં ને રૂપાળાં. વિજ્ઞાનમાં તો આ પૃથ્વીના લોકો કરતાં ઘણા આગળ. ત્યાં આધ્યાત્મિકતાનું નામનિશાન નહીં. શક્તિ-શક્તિ – શક્તિ-ભૌતિક શક્તિના જોરાવર ઉપાસકો, પણ ત્યાંયે રોગ અને મૃત્યુ તો ખરાં જ.'
 

યોગી હરનાથે થોડી વાર વિચાર કરી કહ્યું :
 

'આ બધી 'અરેબિયન નાઇટ્સ'ની વાતો લાગે છે ને ! કાંઈ ફિકર નહીં. પૃથ્વીએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. હવે સૂર્યમંડળનાં રહસ્ય ખુલ્લાં થતાં જશે. આંતરગ્રહની અવકાશયાત્રા પણ શરૂ થશે અને ત્યારે એક યોગીએ કહેલી હકીકત ભારતની આધ્યાત્મિક શક્તિની પ્રતીતિ કરાવશે.'
 

યોગી હરનાથ જે સ્વસ્થતાથી, જે શાંતિથી, વાસ્તવિક ધરતી પર ખડા રહીને વાત કરતા હતા તે મારે મન વિસ્મયજનક હતું. આવી અદ્ભુત વાતનું પણ તેમને કંઈ આશ્ચર્ય નહોતું. મંગળના ગ્રહ પર નજર માંડી એટલું બોલ્યા : 'એને આપણા મહર્ષિઓએ ‘ભૌમ’ કહ્યો છે ને ! એ ભૂમિનો પુત્ર. એમાં ભૂમિના અંશો હોય એમાં નવાઈ શી !'

~ યોગી હરનાથના સાનિધ્યમાં, મકરન્દ દવે


---

વાત, પિત્ત, અને કફ: એક પરિચય

Wednesday, October 1, 2025

શરીર પંચ માહાભૂતોનું બનેલું છે - આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને પાણી. આ પાંચમાં આકાશ અને પૃથ્વીને ગતિ નથી. આકાશ ખાલી જગ્યા છે, વ્યાપક છે જયારે પૃથ્વી પોતાની મેળે ગતિ કરી શકતી નથી. આમતો, આ પાંચેય તત્વો જડ છે, પણ એમાં વાયુ, અગ્નિ, અને પાણીને ગતિ છે. વાયુ (પવન) વાય છે. અગ્નિના ભડકા ઉપર ચઢે છે અથવા ફેલાય છે, જયારે પાણી વહેતુ જાય છે નીચી સપાટી તરફ.
 

આમ, આ શરીર પંચ માહાભૂતોનું બનેલું હોવા છતાં આ શરીરરૂપી સંચાને ગતિ પાણી, અગ્નિ, અને વાયુ આપે છે. આયુર્વેદની ભાષામાં વાત(વાયુ), પિત્ત(અગ્નિ), અને કફ(પાણી) કહે છે. શરીરમાં આ ત્રણેયનું પ્રમાણ જળવાય રહે ત્યાં સુધી આપણે આરોગ્ય ભોગવી છીએ. પણ જયારે એમાં વધઘટ થાય ત્યારે રોગ આવે છે. આ વાત, પિત્ત, અને કફના વધઘટના આધારે આપણે બહારથી એટલું વધઘટનું લઇ સંતુલનમાં પાછું લાવવું પડે છે.
 

ખોરાક પણ પંચ માહાભૂતોનો બનેલો હોવાથી શરીરમાં જઈને એમાંથી પંચ માહાભૂતો છુટા પડે છે. જરૂર કરતા વધારે તત્વો મળે ત્યારે એ શરીરને બગાડે છે અને આમ (આયુર્વેદની ભાષામાં ‘કાચું’)માં વધારો કરે છે.
 

ફક્ત આહાર(ખોરાક)થી જ વાત, પિત્ત, અને કફના પ્રમાણમાં વધઘટ નથી થતી પણ વિહાર(ખોરાક સિવાય)ની બાબતોથી પણ વાત, પિત્ત, અને કફના પ્રમાણમાં વધઘટ થાય છે. જેમકે, ઠંડી(પાણી)માં વધુ રહેવાથી કફ વધે છે, ગરમી(તાપ/અગ્નિ)માં વધુ રહેવાથી પિત્ત વધે છે, અને બહુ બોલબોલ કરવાથી વાયુ વધી પડે છે.
 

વાત, પિત્ત, અને કફ આમતો આખા શરીરમાં વ્યાપેલો છે, છતાં તેમનું ખાસ સ્થાન - વાયુ ડુંટીની નીચે રહે છે, પિત્ત ડુંટીની ઉપર અને હૃદયની નીચે એટલે એમની વચ્ચે રહે છે. જયારે, કફ હૃદયની ઉપર રહે છે. આ ઉપરાંત ઘડપણમાં વાયુનો કોપ વધારે જાણવો જયારે જવાનીમાં પિત્તનો અને બાળપણમાં કફનો કોપ જાણવો. એજ પ્રમાણે રાત્રિ કે દિવસના અંત ભાગમાં વાયુનો, મધ્ય ભાગમાં પિત્તનો અને શરૂઆતના ભાગમાં કફનો કોપ જાણવો. અહીં ના અટકતાં, ભોજન પચી જાય પછી વાયુનો કોપ, ભોજન કરતાં સમયે પિત્તનો કોપ અને શરૂઆતમાં કફનો કોપ જાણવો.

~ અષ્ટાંગ હૃદયમાંથી


---