શામળો શેઠ

Wednesday, July 30, 2025

કાશીનાથનો એક કાન ડોસા ઉપર હતો. ડોસાની મરણપોકે એના હૃદયને વલોવી નાખ્યું. બીજો કાન કશાક ભણકારા ઉપર મંડાયેલો હતો.

એકાએક બાજુના કોઈક આશ્રમની ઝાડીમાંથી એની નજરે ઝબકારો પડયો. જુએ છે તો કોઈક શેઠિયા જેવો ખેસ પાઘડી પહેરેલો માણસ ઉતાવળી ચાલે ચાલતો ચાલતો આમતેમ ડાફોરિયાં મારી રહ્યો હતો. એની નજર આ તરફ પડી. થંભી જતાં બૂમ પાડી : 'અરે ઓ મુસાફરો ! તમે ક્યાંય જૂનાગઢના યાત્રાળુઓને દીઠા? ચાર જણ છે?'
 

કાશીનાથ(ના) ગળામાં હર્ષનો ડૂમો ભરાઈ આવ્યો— પેલા બે યાત્રિકો પણ લવારો કરતા કાકાને શાંત પડવાનું સૂચન કરતા ઊભા થઈ ગયા. કાકાને કહેતા હતા : 'કોઈક શેઠિયા જેવો… આપણને જ શોધતો લાગે છે.'
 

કાકો સફાળો ઊભો થયો. કાશીનાથની સાથે એ પણ બરાડી ઊઠ્યો : 'હોવે હોવે !… અમે અમે ! અમે જ સાહેબ જૂનાગઢના જાત્રાળુઓ. આ રહ્યા ચારેય જણા.' કાશીનાથે કાકાનો હાથ ઝાલીને પેલા લોકોના ટોળામાંથી બહાર કાઢ્યો. પેલા બે પણ કાકાના પૂછડે બંધાયેલા હોય એ રીતે ખેંચાઈ આવ્યા. ચારેય જણ રાશવા સુધી દોડી ગયા.

શેઠ કશું સાંભળ્યું-સમજ્યો ન હોય એ રીતે બબડતો આ તરફ ડગ માંડતો કહેતો હતો : 'મારે તમારું કામ નથી. મારે તો જૂનાગઢથી નરસિંહની હૂંડી લઈને આવેલા ચાર યાત્રાળુઓનું કામ–'

‘અમે, અમે, શેઠ, એ જ અમે, નરસૈંયા ભગતની હૂંડીની વાત કરો છો ને! આ રહી હૂંડી—' કાકાએ કેડિયાની કસો ટાંકા તોડતો હોય એ રીતે છોડવા માંડી. ધ્રૂજતા હાથે બંડીના ગજવામાંથી હૂંડી કાઢી. કાગળ ખોલી ફરફરતી ધજા પેઠે હવામાં હલાવતાં કહેતો હતો : 'આ રહી હૂંડી જુઓ. અમે જ એ જૂનાગઢવાળા—'

શેઠ ફલાંગો ભરતો હતો. અધમણેક વજનની કોથળી ખભે નાખી હતી ને પીઠથી થોડોક વળેલો લાગતો હતો. આવતાં આવતાં કહેતો હતો : 'ભલા માણસો, તમને શોધી શોધીને મારો દમ નીકળી ગયો. મને જેવી ખબર પડી કે જૂનાગઢથી આવેલા ચાર યાત્રિકો નરસિંહ મહેતાની હૂંડી લઈને શામળા શેઠને શોધી રહ્યા છે કે એ જ વખતે મેં મારા આઠ મુનીમોને રૂપિયા લઈને આઠેય દિશામાં રવાના કર્યા. છતાંય મારા જીવને શાંતિ વળી નહિ. રૂપિયા લેતોકને હુંય નીકળી પડ્યો. તમે આગળ ને હું પાછળ ! લોક કે' : હો જાય.. હો જાય !'

કોથળી નીચે ઉતરતાં શેઠ બોલ્યો : 'પાથરો હેંડો પછેડી. લો આ સાતસોની કોથળી. ગણી લો શાહ જોગના. નરસિંહજીને ખબર પડશે કે યાત્રિકોને શોધાશોધ કરવાની તકલીફ પડી છે તો મારી ધૂળ કાઢી નાખશે. ગણી લો. હેંડો.’

કાકાએ ખભા પરની પછેડી પાથરી. વિનંતી કરતાં કહ્યું : 'શેઠ સાહેબ. તમે જ ગણી આલો. અમને કોઈને ગણતાં આવડતું નથી.’

શેઠે પછેડીમાં ખનનન કરતી કોથળી ઠાલવી. રૂપિયા જાણે ટોળે વળીને છૂપુંછાનું હસી રહ્યા.

પેલા ત્રણ ખુફિયાઓ તો- મગજ સુદ્ધાં ભમરીના ફેરમાં પડી ગયાં હતાં !

કાકાએ શેઠ સામે હૂંડી ધરતાં કહ્યું : 'એક વાર આ હુંડી તો લો !!

કાકો આ શેઠિયા ઉપર ઘેલો ઘેલો થઈ ઊઠયો હતો. હૂંડી ફરફરાવતાં વળી કહ્યું : 'શેઠ સાહેબ, હૂંડીમાં જુઓ તો ખરા કેટલા રૂપિયા-'

શેઠે હૂંડી લેતાં કહ્યું : ‘નગદ રૂપિયા સાતસોની છે. વગર જોયે જોયેલી છે. મારે તો મહેતાજીનું નામ પડયું કે વગર હૂંડીએ હૂંડી છે. ગણી લો હેંડો !'

‘તો અમારેય વગરગણ્યે ગણેલા છે શેઠ સાહેબ !' કાશીનાથે હાથ જોડતાં કહ્યું : 'એ અત્યારે ભ્રમમાં પડી ગયો હતો : તેજનો ભરેલો આ શામળો શેઠ-’

શેઠે કહ્યું : 'ભાઈઓ, તકલીફ પડી એ બદલ માફ કરજો. મહેતાજીને આવી બધી વાત કરશો નહિ. મારા વતી એમને તમે કહેજો કે તમારા આ વાણોતરની કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને ફરીથી મારા જોગી કામસેવા ચીંધતા રહેજો !’

કાશીનાથ સમજી ગયો. ધસતોકને ભગવાનના પગે પડવા ગયો. ત્યાં ન મળે શામળો શેઠ કે ન મળે અણસાર સરખો !

પેલા બે યાત્રાળુઓ અડધા ગભરાઈ ગયા. કાકાની આંખો અને મોં આશ્ચર્યને લીધે પહોળાં થઈ ગયાં.

તો પેલા ખુફિયા લોકો રખેને મગજ ફરી જતું એવા ભ્રમથી આંખો પટપટાવતા સ્થળકાળ સાથે બાથ ભરવા મથતા હતા.
ભાન આવતાં મોહનનગર બોલી ઊઠ્યો: 'કાકા, જુઓ તો ખરા, રૂપિયા સાચા છે કે પછી-'

કાકાને દાઝ ચડી. ઢગલામાંથી રૂપિયાનો ખોબો ભરી મોહનગિરિ સામે લંબાવતાં બોલ્યો : 'જોઈ લે તારી સગી આંખે- એક સિક્કો ને એક બીબાના.'

અમલદાર તેમ જ સૂબેદાર સાથે મોહનગિરિનું મોં પણ દિવેલ પીધા સરખું બની ગયું.

અમલદારે ગાડીવાનને કહ્યું : 'જવા દે આપણા ટપ્પાને.'

~ પરમ વૈષ્ણવ નરસિંહ મહેતામાંથી, પન્નાલાલ પટેલ


---

છ વરસના બાળક સાથે વિધેયાત્મક પ્રોગ્રામિંગ પર વાતચીત

Monday, July 28, 2025

ગઈકાલની વાત છે, મારો છ વરસનો દિકરો મારી પાસે આવ્યો અને મને પૂછવા લાગ્યો કે, "તમે શુ વાંચો છો?"

એ સમયે હું જેનિસ વોઇગ્ટલેન્ડરના હેબિલિટેશન પ્રબંધનો એક ભાગ વાંચી રહ્યો હતો. હું થોડો ખચકાયો કે શુ જવાબ આપવો એટલે મેં ટૂંકમાં પતાવ્યું કે, "હું મુક્ત પ્રમેયો ઉપર ખૂબ લાંબી વાર્તા વાંચી રહ્યો છું."

આ એક ભાષાંતરીત લેખ છે. જેનું ભાષાંતર Brent Yorgeyએ લખેલ Conversations with a six-year-old on functional programming લેખ ઉપર થી કરવામાં આવ્યું છે. બધા જ હક્કો   Brent Yorgeyને આધીન છે અને અહીં આ ભાષાંતરીત લેખ મૂળ લેખકની પરવાનગી બાદ મુકવામાં આવ્યો છે.
એને ઉત્સુકતા સાથે પૂછ્યું કે, "મુક્ત પ્રમેયો એટલે શું?"

બાળકને આ કઈ રીતે સમજાવવું એના પર થોડીક ક્ષણ વિચાર કરીને મેં શરૂઆત કરી કે, "તને ખબર છે વિધેય એટલે શું?" એને ખબર ન હતી એટલે મેં સમજાવ્યું કે, "વિધેય એક યંત્ર જેવું છે જ્યાં તમે એક છેડે કાંઈક મુકો અને બીજા છેડે કાંઈક બહાર આવે. તેથી જો તું એક છેડે સંખ્યા ત્રણ મૂક તો બીજા છેડે એમાં એક ઉમેરો થઈને ચાર સંખ્યા બહાર આવે અથવા તું છ મૂક તો સંખ્યા સાત બહાર આવે" એના ચહેરાનો હાવભાવ જોતા લાગ્યું કે, એને એમાં થોડી ખબર પડી છે એટલેમે આગળ ચલાવ્યું, "વિધેય યંત્રનો _પ્રકાર_ તને કહેશે કે, યંત્ર ક્યાં પ્રકારની વસ્તુ લેશે અને કયાં પ્રકારની વસ્તુ બહાર કાઢશે. બની શકે કે એ સંખ્યા લેશે અને સંખ્યા બહાર કાઢશે. અથવા તો સંખ્યાઓની _સૂચિ_ લેશે અને એક સંખ્યા બહાર કાઢશે." ત્યાં એ વચમાં જ બોલ્યો "એવું પણ બની શકે ને કે એ શબ્દો પણ લે?" "હા, બરાબર! એમાં તું શબ્દો નાખ અને શબ્દો બહાર નીકળે અથવાતો એનાથી પણ આગળ કે તું એક વિધેય યંત્રમાં _બીજા વિધેય યંત્ર_ મૂક અને વિધેય યંત્ર બહાર આવશે. એક વિધેય યંત્રને બીજા વિધેય યંત્રમાં નાખવાના વિચારથી એ વિસ્મય પામ્યો.

"તો" હું મૂળ મુદ્દા પર પાછા આવતા, "મુક્ત પ્રમેય એ છે કે જયારે તમે વિધેય યંત્ર વિશે એવું કંઈક કહી શકો કે જે હંમેશા સાચું જ હોય જો તમને ફક્ત વિધેયના પ્રકારની ખબર હોય પછી ભલેને યંત્રની અંદર શુ છે અને કઈ રીતે ચાલે છે એ ખબર ના હોય". આ એને સમજવામાં થોડું અઘરું લાગ્યું (અને સાચું કહું તો મુક્ત પ્રમેય ત્યારે જ સમજાય છે જયારે તમને બહુરુપતા વિશે પણ જાણકારી હોય જેમાં હું ચોક્કસથી વાતને લઇ જવા માંગતો ન હતો). પણ આ આખી વાત પરથી મને એક નવો જ વિચાર આવ્યો.

મેં કીધું, "ચાલો આપણે એક રમત રમીએ. આ રમતનું નામ છે, વિધેય યંત્ર રમત. હું મનમાં એક વિધેય યંત્ર ધારી લઉ છું. તારે એ યંત્રમાં શુ નાખવું છે એ કહેવાનું એને હું તને એમાંથી શું બહાર નીકળશે એ કહીશ. એના ઉપરથી તારે એ યંત્ર શુ કરે છે એ કહેવાનું" એને આ રમત તરત જ ગમી ગઈ અને એટલી બધી કે અમે આ રમત જ રમ્યા કરીએ છે. ગઈ કાલે યારે અમે જલસામાં જતા હતા ત્યારે વાહન ચલાવતી વખતે અમે રમતા હતા, સવારે જયારે એને નવરાવતો હતો ત્યારે પણ આ રમતા હતા અને મારે કહેવું પડશે કે હાલ સુધી રમ્યા એમાં એનું અનુમાન દરેક વખતે સાચું જ પડ્યું છે.



 

 

 

 

 

મે λx.min(x + 2, 10) થી પ્રયત્ન કર્યો. પણ આ વિધેય યંત્ર એને થોડું અઘરું પડ્યું. વળી, કેટલાક કિસ્સાઓમાં એને ખબર પડી જતી હતી કે વિધેય યંત્ર શુ કરે છે પણ એ શબ્દોમાં વર્ણવી શકતો ન હતો (λx.10x[x । 10]માં એવુ જ થયું હતું). એટલે અમે સહેલા વિધેય ધરતા અને એક વાર જો સામે વાળાને ખબર પડી જાય તો ધરનાર વ્યક્તિ સામેવાળા ને પૂછે અને ધરનાર વિધેય શુ નીકળશે કે કહેવાનું ચાલુ કરશે.

λx.6. આ વિધેય યંત્રમાં પણ એને ધરવામાં મુશ્કેલી પડી (જોકે છેલ્લે તો એનું અનુમાન સાચું જ પડ્યું). એને એમ હતું કે જો વિધેયમાં કાંઈક નાખવામાં આવે તો એના પર કાંઈક ગણતરી થશે પછી જ કાંઈક બહાર આવશે. એને એવો ખ્યાલ જ ન આવ્યો કે એવું પણ બની શકે કે વિધેયને એમાં શુ નાખો છો એની કાંઈક પડી જ ના હોય અને તમે જે નાખો એને જ બહાર કાઢે (મજાની વાત એવી છે કે, આ સત્રમાં વિધેયાત્મક પ્રોગ્રામિંગના મારા વર્ગના વિદ્યાર્થીઓ જયારે લામડા ગણિત શીખી રહ્યા હતાં ત્યારે તેઓ એ વાત થી નારાજ તેમજ મૂંઝવણમાં હતાં જયારે એમને વિધેયમાં મોકલેલ ચલને વિધેયની અંદર બદલીને બહાર કાઢવો હોય અને એવું ન થતું હોય).

મારા થોડા વારા પછી એને ધરવાની ઈચ્છા થઇ (જે હું જાણતો જ હતો કે આવું થશે). ક્યારેક એ ખુબ સરસ વિધેય ધારતો તો ક્યારેક એના વિધેયમાં વિસંગતતા હોય (કેટલીક વાર એ વિધેયમાં થી શુ નીકળશે એનો તર્ક રમતની વચ્ચેથી બદલાય જતો તો પણ એતો ના જ પડતો કે એવું કાંઈ થયું નથી). તો પણ અમને તો મઝા આવતી. અને આખરે એને λx.min(x + 2, 10) યંત્રની ની પણ ખબર પડી ગઈ. એને પોતે પણ આવું કાંઈક વિધેય યંત્ર બનાવ્યું.
  


 

 

 

 

 

મને લાગે છે કે એને એના બાલમંદિરના વર્ગમાંથી પ્રેરણા મળી હશે જ્યાં તેઓ 10 સુધીના સરવાળાની જોડી વિષે શીખી રહ્યા હતા.


ચોક્કસપણે મારા પિતા તરીકેના શ્રેષ્ઠ દિવસોમાંનો એક દિવસ.

---

સાત શરીરો

Sunday, July 27, 2025

આપણા આ શરીરને પ્રાચીન ગ્રંથોમાં સ્થુળ શરીર પણ કહે છે, કેમકે આપણી પાસે એક કરતાં વધુ શરીર છે જેમકે, સૂક્ષ્મ શરીર. ગ્રંથોમાં આ બંને શરીરો વિષે વિગતવાર લખાયું પણ છે. ક્યાંક વળી તમને ત્રીજું શરીર - કારણ શરીર વિષે પણ માહિતી મળી જશે. પણ શ્રી વિભાકર પંડ્યાએ 'પ્રાણતત્વ અને યોગાનુભૂતિ' માં સાત શરીરનો ઉલેખ્ખ કરેલો છે.

- સ્થુળ શરીર
- સૂક્ષ્મ શરીર
- કારણ શરીર
- પ્રાણ શરીર
- વિરાટ શરીર
- મહા કારણ શરીર
- ચૈતન્ય શરીર

નોંધ: હાલ પુરતા ફક્ત નામો લખ્યા છે. જેમ જેમ આ શરીરોની માહિતી ઉમેરાતી જશે તેમ તેમ નામને કળીમાં પરિવર્તન કરતાં જશું. 


---

નામજપ

Thursday, July 24, 2025

यज्ञानां जपयज्ञोऽस्मि (યજ્ઞોમાં જપયજ્ઞ હું છું)

તમે જ્યારે વિચારો છો ત્યારે એ વિચારનો વાદળ રૂપે જન્મ થાય છે અને તે ઓછામાં ઓછું ૨૪ કલાક જીવે છે. જો તમે એ વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો તો એ વિચારનું વાદળ હવામાં ઉડતું રહે છે અને કોઈ વ્યકિત એવું કંઇક વિચારતો હોય તો એ વાદળ એની પાસે જઈને વધુ જીવન મેળવે છે અને આમ એ વિચાર પ્રબળ બને છે.

હવે ધારો કે તમે કોઈ ભીડવાળા વિસ્તારમાં છો અને એ ખીચોખીચ ભરેલો છે. બધાને ત્યાંથી નીકળવાની ઉતાવળ છે અને ત્યાં કાંઈકને કાંઈક મગજમારી ચાલ્યા કરે છે. તો પછી ત્યાં કેટલાં નકારાત્મક વિચારોના વાદળ ઉડતા હશે? એમાં તમે પણ થોડું નકારાત્મક વિચારીને એ વિચાર વાદળને પ્રબળ બનાવો છો, એને વધુ જીવનદાન આપો છો.

તો આ સમયે નામજપ મહત્વનું બને છે. એક તો નામજપ નકારાત્મક વિચારથી તમને દૂર રાખે છે કેમકે નામજપ ચાલુ છે અને બીજું તમે ધીમે ધીમે ભગવાનની પણ નજીક આવતાં જાવ છો. કોનું નામજપ કરવું એમાં સમસ્યા હોય તો ૐ થી શરૂઆત કરો અને જો ઇષ્ટદેવ હોય તો એની છબિ જોવીને નામજપ કરો. ક્યારેક આંખો બંધ કરતાં એ છબિ દેખાશે તો વધુ આનંદ મળશે.


---

સાધનામાં અડચણરૂપ કામવાસના

Sunday, July 20, 2025

સાધક જયારે સાધનામાં આગળ વધે છે ત્યારે એને કામવાસના સતાવે છે. આ કોઈ વિકાર નથી પણ સાધનામાં વચ્ચે આવતું એક પગથિયું છે જેને પાર કરી શકાય છે.

સાધનાથી મન, પ્રાણ, અને શરીર ઉપર કાબુ મેળવી શકાય છે. હવે જયારે આ કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે સ્વચ્છન્દ મન બળવો પોકારે છે. કેમકે, એને કાબુમાં રહેવું ગમતું નથી અને વર્ષોથી એ કાબુમાં પણ ન હતું. એ નિત નવા ગતકડાં કરે છે કાબુમાં ના રહેવાનાં અને કામવાસના એ એનું સૌથી મોટું હથિયાર છે.

પૂજ્ય શ્રીમોટા જયારે સાધનામાં આગળ વધતા હતા ત્યારે એક તબક્કે કામવાસના એમને સતાવા લાગી હતી. પણ એમને સમર્થ ગુરુ હતા એટલે વાંધો ના આવ્યો. ગ્રંથો તપાસતા તમને બીજા પણ ઉદાહરણ મળી રહશે.

ફરીથી, કામવાસનાથી ગભરાવા જેવું નથી. લગભગ બધાજ સાધકોની સાધનામાં કામવાસના એક વાર તો અંતરાયરૂપ બને જ છે. સત્સંગ, સત્કર્મ, અને ગુરુકૃપાથી એમાંથી પાર નીકળી શકાય. સત્સંગમાં  ભગવાનનાં ભજન કરો/સાંભળો,  ધાર્મિક ગ્રંથો વાંચો, નામજપ કરો. સત્કર્મમાં ગાયની સેવા, ઝાડને પાણી પાવો/ઊછેરો, જરૂરિયાતમંદની મદદ કરો, સ્વચ્છતા લાવો, વગેરે. અને ગુરુ ઉપર સંપૂર્ણ ભરોસો/શ્રદ્ધા રાખી આમાંથી પાર ઉતારી શકાય.


---

દલપતરામ ઉવાચ

Friday, July 18, 2025

જે તુજથી ના થઇ શકે એ જ કરાવ પ્રભુ પાસે,
પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ


---

જીવનચરિત્ર ઉપર શ્રી અરવિંદનો વિચાર

Thursday, July 17, 2025

શ્રી અરવિંદના જીવનકાળ દરમિયાન એક મિત્રે તેમને પોતાનું જીવનચરિત્ર લખવા સૂચન કર્યું હતું: આ સૂચન સાંભળી શ્રી અરવિંદે બહુ સૂચક જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમનું જીવન કહ્યું કહી શકાય તેમ નથી. જે કહી શકાય તેવું છે તે સૌ જાણે છે. બાકી તો તેઓનું જીવન અગાધ ઊંડાણમાં ચાલ્યું ગયું છે. સપાટી પર તો હવે માત્ર શૂન્ય રહ્યું છે. સતત વહેતા નદીના પ્રવાહનું ચરિત્ર શી રીતે લખી શકાય ? દરિયાની સપાટી પર ક્ષણે ક્ષણે ઊઠતાં મોજાંઓનું આલેખન શી રીતે થઈ શકે?

---

ભાવાવેશ અને જ્ઞાનતંતુઓની નબળાઈ વચ્ચેનો તફાવત

Tuesday, July 15, 2025

નરેન્દ્રનાથ જેવો બુદ્ધિશાળી યુવક આ બધાની પાછળ રહેલી નિર્બળતા અને દંભ શી રીતે સહન કરે? એની તીક્ષ્ણ બુદ્ધિને લાગ્યું કે એ ભકતો એક જોખમી માર્ગે જઈ રહ્યા છે. એક દિવસ એણે એ ભક્તોને ચેતવણી આપતાં કહ્યું: “જે ભાવાવેશની પાછળ જીવનપરિવર્તન ન હોય, હૃદયમાં ઈશ્વરદર્શનની તાલાવેલી ન હોય, અને કામિનીકાંચનના ત્યાગની ઇચ્છા ન હોય, તેવો ભાવાવેશ ઊંડો નથી હોતો અને તેથી જ આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેનું કશું મૂલ્ય નથી. આવા આભાસી ભાવાવેશથી થતા શારીરિક વિકારો-આંસુ, રોમાંચ અને ક્ષણિક આવેશ-ખરી રીતે તો જ્ઞાનતંતુઓની નબળાઈ બતાવે છે; અને પ્રયત્ન કરીને પણ એનો સંયમ કરવો જોઈએ. એવા સંયમ વિના આવું ચાલુ રહે તો એ શારીરિક અને માનસિક વ્યાધિનું લક્ષણ સમજવું. આધ્યાત્મિક પંથે જનારાઓમાંથી સેંકડે એંશી ટકા ધૂર્ત હોય છે, પંદર ટકા ગાંડા બની જાય છે અને બાકીના પાંચ ટકા જ ખરેખરા સત્યની ઝાંખી કરવા જેટલા ભાગ્યશાળી બને છે. માટે સાવધાન !”


પહેલાં તો નરેન્દ્રનાથની આ ચેતવણીને કોઈએ ગણકારી નહિ, પરંતુ થોડા જ વખતમાં આ ચેતવણી સાચી પડી. ધીમે ધીમે સાચી હકીકતો બહાર આવવા લાગી. કેટલાક ભક્તોએ ભાવાવેશના પ્રયોગોની ઘેર તાલીમ કરી લીધી; કેટલાક કેવળ નકલ કરતા હતા. હવે નરેન્દ્રનાથે બુદ્ધિનો ઝપાટો માર્યો. કેટલીક વાર તો આવા ભક્તોની ઠઠ્ઠામશ્કરી કરીને એ તેમને ભોંઠા પાડતો અને કેટલીક વાર પૌષ્ટિક ખોરાક ખાવાની સૂચના કરતો. વિવેકબુદ્ધિ અને પવિત્રતાને ભોગે થતા ભાવાવેશને તે તીખી ભાષામાં વખોડતો. પોતાના યુવાન ગુરુભાઈઓ સમક્ષ ત્યાગ-વૈરાગ્યના આદર્શો સ્પષ્ટ રજૂ કરીને એમના આંતરિક બળને જાગ્રત કરવાનો પુરુષાર્થ કરતો; જગતના ભોગના પદાર્થો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પેદા થાય એવાં ભક્તિ, તપ તેમ જ તિતિક્ષાના ભાવથી ઊભરાતાં ભજનો એ સૌની પાસે ગાતો. શ્રીરામ-કૃષ્ણની સાચી મહત્તા વિષે તથા એમના ભવ્ય સાધનાકાળ વિષે હ્રદયને હલાવી મૂકે એવા ભાવપૂર્વક એ વાતો કરતો. ખરેખર, શ્યામપુકુરમાં આ રીતે વિવેક-બુદ્ધિનો ઝંડો ફરકતો રાખીને નરેન્દ્રનાથ એક અનોખા જ પ્રકારની ગુરુસેવા કરી રહ્યો હતો.

~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી


---

પ્રોગ્રામિંગ શીખવા પર

Friday, July 11, 2025
જીવનમાં કાંઈ શીખવું હોય તો બે રીતે શીખી શકાય - પદ્ધતિસર અથવાતો સીધો ભૂસકો મારી ને.

પદ્ધતિસર તમે ગણિત શીખેલા છો. જેમાં તમે સંખ્યાથી શરૂઆત કરી, આગળ તમે સરવાળો, બાદબાકી વગેરે શીખ્યા, અને પછી આગળ તમે વધુ પદ્ધતિસર એક પર એક નવી ગણતરી શીખ્યા.

સીધો ભૂસકો મારીને તમે તમારી માતૃભાષા શીખ્યા. જ્યારે નાના હતા ત્યારે કોઈ જ વ્યાકરણ કે શબ્દ જોડણી વગર જ સીધા જ ભાષાને વાપરવાનું ચાલુ કરી દીધું. ઘણા શબ્દો તો અગડમ બગડમ હતા જેનાં મતલબની તો ફક્ત તમારા ઘરના ને જ ખબર હતી.

પ્રોગ્રામિંગ એક ભાષા છે તો સાથે એ ગણિતની જેમ એક પદ્ધતિસરની વિજ્ઞાનિક ઢબે વિકસેલી શાખા છે. એમાં જો તમે સીધો ભૂસકો મારીને શીખવા જાવ તો બની શકે કે પાયો કાચો રહી જાય અને તો પદ્ધતિસર શીખવા જાવ તો વ્યાકરણ, ભાષાનાં ઘટકો અને વાક્યરચનામાં જ અટવાયેલા રહો. માટે બંને રીતનું મિશ્રણ કરીને શીખવું હિતાવત છે. શું કહેવુ તમારું?


---

પ્રવાસ: ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી

ઘણાં સમયથી ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી જવાની ઈચ્છા હતી. પણ, મેળ પડતો નહિ. કાલે જઈશ, પરમ દિવસે જઈશ, આવતાં અઠવાડિયે જઈશ, એમ કરતાં સૂરજ આથમતો હતો. પછી એમ જ નક્કી થઈ ગયું અને આ શનિવારે અમે બન્ને મામાં-ફોઈ નાં ભૈયું ઉપડ્યા - દ્વિ-ચક્રી લઈને.

પહેલેથી જ એવું નક્કી કર્યું હતું કે, શાંતિથી અને પ્રવાસનો આનંદ લેતા જવાનું છે, ભૂખ લાગે તો નાસ્તો કરી લેવાનો, બહુ ભૂખ લાગે તો જમી લેવાનું, થાકી જવાય તો આરામ કરી લેવાનો, અને જો કુદરતની કરામતવાળું પ્રાકૃતિક વાતાવરણ દેખાય તો છબિ લઇ લેવાની.  તો કે, એક કામ કરો રસ્તામાં રામાપીરનું મંદિર આવે છે ત્યાં દર્શન કરતાં જઈએ. ખૂબ સુંદર મંદિર હતું. અંદરની છબિ તો નાં લીધી પણ પ્રદિક્ષણા કરતાં કળા કરતો મોર જોવા મળ્યો અને એની છબિ ખેંચી લીધી. મંદિરનું વાતાવરણ શાંત હતું, ક્યારેક વ્યગ્રતા જેવું લાગે તો નિરાશ નહિ થાવ.


ત્યાંથી આગળ વધ્યા અને મહેમદાવાદ આવ્યું. મહેમદાવાદ ભગવાન ગણપતિનાં મંદિર માટે અહી ખૂબ પ્રખ્યાત છે. હજુ તો રસ્તો ગોતવાનું વિચારતાં જ હતા ત્યાં મંદિરનું પાટિયું દેખાણું અને ઇ બાજુ વળી ગયા. મંદિર દેખાવમાં ખૂબ જ સુંદર છે, અને બાળકોને પણ મજા આવે એવું છે. અહિં પણ અંદરની છબિ નાં લીધી પણ બહારથી એક ખેંચી લીધી.


ત્યાંથી આગળ વધ્યાં નડિયાદવાળા રસ્તે. વરસાદનું વાતાવરણ હતું અને આગલા દિવસે વરસાદ પડી પણ ગયો હતો એટલે રસ્તામાં ઉકળાટ તો ન હતો પણ ટાઢી ઠંડક અને આજુ બાજુની લિલોતરીના લીધે રસ્તાનો પણ નસો ચઢતો હતો.


નડિયાદ આવુ આવુ હતું અને પૂજ્યશ્રી મોટા યાદ આવ્યાં. એમનાં હરિ ૐ આશ્રમે પણ જવાની ઈચ્છા ઘણાં સમયથી દબાવીને બેઠો હતો. એટલે નડિયાદ પોચતાં આ લોભને રોકી ના શક્યો. અમારાં નશીબ પણ બળવાન હતાં કે, આશ્રમ નજીકમાં જ હતો, થોડાં સમયમાં અંતરે. આશ્રમ સાદગીથી પરિપૂર્ણ અને વાતાવરણ ખૂબ જ મનભાવક. ના કોઈ ભભકો કે ઘોંઘાટ. અરે તમને બહારનાં કોઈ ખાસ આવાજ જ ના આવે અને મૌન ચારે તરફ.


પૂજ્યશ્રી મોટાની અમુક વસ્તુઓ યાદગીરી રૂપે સાચવી રાખી છે, એના એકવાર દર્શન કરી તમે કૃતાર્થ અનુભવશો.

આશ્રમથી થોડી પુસ્તકો લીધી અને એમનું સામાયિક પણ બંધાવ્યું. જો હરિ ભજનની ઈચ્છા હોય કે તણાવવાળા જીવનથી કંટાળ્યા હોય તો, ત્યાં મૌન માટે જઈ શકતો છે - ૭ દિવસ માટે. પેલાથી કહી તારીખ નક્કી કરી ને જવું પડે છે. તદુપરાંત કેટલાંક સામાન્ય નિયમોનું પાલન કરવું પડે છે અને પોતાનામાં ખોવાય જવાનું. આશ્રમનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય.


પાછાં ત્યાંથી ઉપડ્યા સાવલીના રસ્તે. વચ્ચે વચ્ચે ડાકોરના પાટિયાં આવતાં અને રણછોડરાયજીનાં દર્શન નો લોભ જાગતો પણ સમય અમારાથી ઝડપી ચાલતો હતો, કેમકે અમે અને થોડું કીધું હતું અમારાં સાથે આવાનું! છેક આગળ જતાં રસ્તાના બે ફાંટા પડ્યા, એક સાવલી તરફ અને એક ડાકોર તરફ. સમય થઈ ગયો હતો એટલે રણછોડરાયજીના દર્શન ના થાત એટલે અમે સાવલીનો રસ્તો પકડ્યો.



સાવલી થોડું દૂર હશે ત્યાંરે ધીમો-ધીમો વરસાદ ચાલુ થઇ ગયો. પલળાય એવો નહિ અને હાથપગ ધોવાય જાય એવો. સાવલી પહોંચી ભીમનાથ મહાદેવના દર્શન કર્યાં અને સ્વામીજીની સમાધિના. ગર્ભગૃહમાં જઈને પાસે શાંતિથી બેસી ને દર્શન કરતા મન ભરી આવ્યું અને એક ઉકળાટ શાંત થયો હોય એમ લાગ્યું. મંદિર ખુબ સુંદર બનાવ્યું છે અને મેં જોયેલા મંદિરોમાં બધાથી અલગ લાગ્યું. દક્ષિણેશ્વરની યાદ આવી ગઈ. વળી ત્યાં રામકૃષ્ણ પરમહંસની સુંદર પ્રતિમા પણ છે.


ત્યાંથી પણ થોડા પુસ્તકોની ખરીદી કરી એમાં પણ 'જિજ્ઞાસુ ની ડાયરી'ની તો 3 નકલો લીધી. જો કોઈને જોતી હોય તો ભેટ રૂપે આપવામાં આનંદ અનુભવીશ પણ એને એક ધાર્મિક ગ્રંથની જેમ જ સાચવવી.


સમય હતો એટલે ત્યાંથી ધાબાડુંગરી જવાની ઈચ્છા થઇ. ધાબાડુંગરીમાં પણ સ્વામીજી એ મંદિરને બંધાવ્યું છે. ધાબાડુંગરી જવાના રસ્તાનું વર્ણન નથી કરતો. છબી જોવીને જ અંદાજો મારવો રહ્યો.



ધાબાડુંગરી થોડું જ દૂર હશે ત્યાં પાછો એવો જ ધીમો ધીમો વરસાદ ચાલુ થયો. ધાબાડુંગરી સામે પહાડો છે, વાદળા એમાંથી નીકળતાં હતા અને મજાનું આંખો માટે જોવાલાયક  દ્રશ્ય બનાવતાં હતાં.

ધાબાડુંગરીમાં માં અંબા, માં લક્ષ્મી, માં સરસ્વતી, માં મહાકાળી , અને માં દુર્ગા/ચામુંડા ની પ્રતિમાઓ સ્થાપિત છે. પ્રતિમાઓ એટલી સુંદર અને એ રીતે સ્થાપિત કરી છે કે જો તમારે સાધનામાં આગળ વધવાની ઈચ્છા હોય તો ધાબાડુંગરી શ્રેષ્ઠ જગ્યા છે. સ્વામીજીને મૂર્તિઓ અને સ્થાપત્યનું બહુ ઊંડું જ્ઞાન હતું. તમે ભીમનાથ મહાદેવનું મંદિર અને ધાબાડુંગરી જોશો એટલે ખ્યાલ આવીજ જશે. 


ધાબાડુંગરીમાં કેદારનાથ મહાદેવના દર્શન અંદર ગર્ભગૃહમાં બેસીને તો ના થયા પણ  દૂરથી પણ અહોભાગ્ય લાગ્યું અને સોમનાથ મંદિર યાદ આવી ગયું.

મોડું થઇ ગયું હતું એટલે ડાકોર જવાનું માંડી વળ્યું અને ઘર ભણી વાટ પડકી. વરસાદ મૂસળધાર ચાલુ થયો. અમે નર્મદા કેનાલના કિનારે કિનારે પ્રકૃતિમાં આગળ વધતા રહ્યા.


---

જીવનમાં બદલાવ?

Wednesday, July 9, 2025
જીવનમાં એકાએક બદલાવ શક્ય નથી સિવાય કે જોરદાર ધક્કો લાગ્યો હોય કે પછી લાંબી પ્રક્રિયાનું પરિણામ હોય.

પત્થર કાંઈ એમ ભાગી ના પડે સિવાય કે એના પર રોજ પાણીનો મારો ચાલતો હોય અથવા તો જોરથી હથોડી વડે પ્રહાર કરવામાં આવ્યો હોય.

જો તમે એમ કહેતા હોય કે કાલે ઉઠીશ ત્યારે હું કોઈક બીજો જ માણસ હોઈશ તો માની શકાય એવું નથી કેમ કે અચાનક જ કેમ પત્થર તૂટી જાય! અને જો એવું જ બનવાનું હોત તો ક્યારનું નાં બની ગયું હોત?

સ્વજનનું જતુ રહેવું, લોક નિંદા, લાચારીની પરાકાષ્ઠા, વગેરે હથોડીનાં વાર છે જ્યારે કાર્યમાં નિયમિતપણું એ રોજ પાણીનો મારો છે. બાકીતો મન તો પત્થરથી પણ મજબૂત છે એ કોઈનાં બાપનું જોતું નથી પછી ભલેને તમે જ કેમ નાં હોય!


---

પ્રાણની ગતિ ઓછી કરવા વિષે

Friday, July 4, 2025

પ્રાણવાયુનો આરોહ અને અવરોહ બાર આંગળ ચાલે છે, ૫રંતુ યોગાભ્યાસવડે તેમાંથી એક આંગળ ઓછો કરવાથી તે યેગાભ્યાસીને નિષ્કામતા પ્રાપ્ત થાય છે. બે આંગળ ઓછો કરવાથી આનંદપ્રાપ્તિ, ત્રણ આંગળ ઓછો કરવાથી કાવ્યસ્ફૂર્તિ, ચાર આંગળ ઓછો કરવાથી વાચાસિદ્ધિ, પાંચ આંગળ ઓછો કરવાથી દૂર દૃષ્ટિ, છ આંગળ ઓછો કરવાથી આકાશગમન-શક્તિ, સાત આંગળ ઓછો કરવાથી શીઘ્ર વેગપ્રાપ્તિ, આઠ આંગળ ઓછો કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ, નવ આંગળ ઓછો કરવાથી નવે નિધિની પ્રાપ્તિ, દસ આંગળ ઓછો કરવાથી દસ અવસ્થાની પ્રાપ્તિ, અગીઆર આંગળ ઓછો કરવાથી છાયાનિવૃત્તિની પ્રાપ્તિ અને બાર આંગળ ઓછો કરવાંથી હંસગતિ અને કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે.

~ સચિત્ર ત્રિકાળ જ્ઞાન દર્શક


---

કુંડલિની જાગ્રત પછીનો અનુભવ

"મારા કાનમાં સતત નાદ ચાલે છે એટલે વિષય બહારની વાત હોય તો મારે પ્રયાસ સાથે સાંભળવું પડે છે. વિષયને અનુલક્ષીને વાત થતી હોય તો તમે ધીમે બોલો તોપણ હું સાંભળી શકું છું. આ નાદથી દૂરદર્શનની સિદ્ધિ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે, પણ એ સિદ્ધિ નકામી છે કારણ કે પછી કોઈનું દુઃખ તત્કાળ નજરમાં આવે છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય કરવામાં અહીં ભીડ ખૂબ થાય. સિદ્ધિ એવી આવે છે કે જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન થાય." 


~ સ્વામીશ્રી સદાશિવ


---