શામળો શેઠ
કાશીનાથનો એક કાન ડોસા ઉપર હતો. ડોસાની મરણપોકે એના હૃદયને વલોવી નાખ્યું. બીજો કાન કશાક ભણકારા ઉપર મંડાયેલો હતો.
એકાએક
બાજુના કોઈક આશ્રમની ઝાડીમાંથી એની નજરે ઝબકારો પડયો. જુએ છે તો કોઈક
શેઠિયા જેવો ખેસ પાઘડી પહેરેલો માણસ ઉતાવળી ચાલે ચાલતો ચાલતો આમતેમ
ડાફોરિયાં મારી રહ્યો હતો. એની નજર આ તરફ પડી. થંભી જતાં બૂમ પાડી : 'અરે ઓ
મુસાફરો ! તમે ક્યાંય જૂનાગઢના યાત્રાળુઓને દીઠા? ચાર જણ છે?'
કાશીનાથ(ના)
ગળામાં હર્ષનો ડૂમો ભરાઈ આવ્યો— પેલા બે યાત્રિકો પણ લવારો કરતા કાકાને
શાંત પડવાનું સૂચન કરતા ઊભા થઈ ગયા. કાકાને કહેતા હતા : 'કોઈક શેઠિયા જેવો…
આપણને જ શોધતો લાગે છે.'
કાકો સફાળો ઊભો થયો. કાશીનાથની સાથે એ
પણ બરાડી ઊઠ્યો : 'હોવે હોવે !… અમે અમે ! અમે જ સાહેબ જૂનાગઢના
જાત્રાળુઓ. આ રહ્યા ચારેય જણા.' કાશીનાથે કાકાનો હાથ ઝાલીને પેલા લોકોના
ટોળામાંથી બહાર કાઢ્યો. પેલા બે પણ કાકાના પૂછડે બંધાયેલા હોય એ રીતે
ખેંચાઈ આવ્યા. ચારેય જણ રાશવા સુધી દોડી ગયા.
શેઠ કશું
સાંભળ્યું-સમજ્યો ન હોય એ રીતે બબડતો આ તરફ ડગ માંડતો કહેતો હતો : 'મારે
તમારું કામ નથી. મારે તો જૂનાગઢથી નરસિંહની હૂંડી લઈને આવેલા ચાર
યાત્રાળુઓનું કામ–'
‘અમે, અમે, શેઠ, એ જ અમે, નરસૈંયા ભગતની હૂંડીની
વાત કરો છો ને! આ રહી હૂંડી—' કાકાએ કેડિયાની કસો ટાંકા તોડતો હોય એ રીતે
છોડવા માંડી. ધ્રૂજતા હાથે બંડીના ગજવામાંથી હૂંડી કાઢી. કાગળ ખોલી ફરફરતી
ધજા પેઠે હવામાં હલાવતાં કહેતો હતો : 'આ રહી હૂંડી જુઓ. અમે જ એ
જૂનાગઢવાળા—'
શેઠ ફલાંગો ભરતો હતો. અધમણેક વજનની કોથળી ખભે નાખી હતી
ને પીઠથી થોડોક વળેલો લાગતો હતો. આવતાં આવતાં કહેતો હતો : 'ભલા માણસો,
તમને શોધી શોધીને મારો દમ નીકળી ગયો. મને જેવી ખબર પડી કે જૂનાગઢથી આવેલા
ચાર યાત્રિકો નરસિંહ મહેતાની હૂંડી લઈને શામળા શેઠને શોધી રહ્યા છે કે એ જ
વખતે મેં મારા આઠ મુનીમોને રૂપિયા લઈને આઠેય દિશામાં રવાના કર્યા. છતાંય
મારા જીવને શાંતિ વળી નહિ. રૂપિયા લેતોકને હુંય નીકળી પડ્યો. તમે આગળ ને
હું પાછળ ! લોક કે' : હો જાય.. હો જાય !'
કોથળી નીચે ઉતરતાં શેઠ
બોલ્યો : 'પાથરો હેંડો પછેડી. લો આ સાતસોની કોથળી. ગણી લો શાહ જોગના.
નરસિંહજીને ખબર પડશે કે યાત્રિકોને શોધાશોધ કરવાની તકલીફ પડી છે તો મારી
ધૂળ કાઢી નાખશે. ગણી લો. હેંડો.’
કાકાએ ખભા પરની પછેડી પાથરી. વિનંતી કરતાં કહ્યું : 'શેઠ સાહેબ. તમે જ ગણી આલો. અમને કોઈને ગણતાં આવડતું નથી.’
શેઠે પછેડીમાં ખનનન કરતી કોથળી ઠાલવી. રૂપિયા જાણે ટોળે વળીને છૂપુંછાનું હસી રહ્યા.
પેલા ત્રણ ખુફિયાઓ તો- મગજ સુદ્ધાં ભમરીના ફેરમાં પડી ગયાં હતાં !
કાકાએ શેઠ સામે હૂંડી ધરતાં કહ્યું : 'એક વાર આ હુંડી તો લો !!
કાકો આ શેઠિયા ઉપર ઘેલો ઘેલો થઈ ઊઠયો હતો. હૂંડી ફરફરાવતાં વળી કહ્યું : 'શેઠ સાહેબ, હૂંડીમાં જુઓ તો ખરા કેટલા રૂપિયા-'
શેઠે
હૂંડી લેતાં કહ્યું : ‘નગદ રૂપિયા સાતસોની છે. વગર જોયે જોયેલી છે. મારે
તો મહેતાજીનું નામ પડયું કે વગર હૂંડીએ હૂંડી છે. ગણી લો હેંડો !'
‘તો
અમારેય વગરગણ્યે ગણેલા છે શેઠ સાહેબ !' કાશીનાથે હાથ જોડતાં કહ્યું : 'એ
અત્યારે ભ્રમમાં પડી ગયો હતો : તેજનો ભરેલો આ શામળો શેઠ-’
શેઠે
કહ્યું : 'ભાઈઓ, તકલીફ પડી એ બદલ માફ કરજો. મહેતાજીને આવી બધી વાત કરશો
નહિ. મારા વતી એમને તમે કહેજો કે તમારા આ વાણોતરની કંઈ ભૂલચૂક થઈ હોય તો
માફ કરજો ને ફરીથી મારા જોગી કામસેવા ચીંધતા રહેજો !’
કાશીનાથ સમજી ગયો. ધસતોકને ભગવાનના પગે પડવા ગયો. ત્યાં ન મળે શામળો શેઠ કે ન મળે અણસાર સરખો !
પેલા બે યાત્રાળુઓ અડધા ગભરાઈ ગયા. કાકાની આંખો અને મોં આશ્ચર્યને લીધે પહોળાં થઈ ગયાં.
તો પેલા ખુફિયા લોકો રખેને મગજ ફરી જતું એવા ભ્રમથી આંખો પટપટાવતા સ્થળકાળ સાથે બાથ ભરવા મથતા હતા.
ભાન આવતાં મોહનનગર બોલી ઊઠ્યો: 'કાકા, જુઓ તો ખરા, રૂપિયા સાચા છે કે પછી-'
કાકાને દાઝ ચડી. ઢગલામાંથી રૂપિયાનો ખોબો ભરી મોહનગિરિ સામે લંબાવતાં બોલ્યો : 'જોઈ લે તારી સગી આંખે- એક સિક્કો ને એક બીબાના.'
અમલદાર તેમ જ સૂબેદાર સાથે મોહનગિરિનું મોં પણ દિવેલ પીધા સરખું બની ગયું.
અમલદારે ગાડીવાનને કહ્યું : 'જવા દે આપણા ટપ્પાને.'
~ પરમ વૈષ્ણવ નરસિંહ મહેતામાંથી, પન્નાલાલ પટેલ
---