જીવનચરિત્ર ઉપર ઝવેરચંદ મેઘાણીનો વિચાર
સંવેદનશીલ હૃદય હોય, અને એ હૃદુયમાં શુદ્ધ પ્રતિબિંબો પડે તેવી નિર્મળતા હોય અને જેનું સાધારણીકરણ થઈ શકે તેવા નાના છતાં સાચા અને નિર્દભી અનુભવો હોય તે સર્વનો આત્મચરિત્ર લખવાનો અધિકાર છે. પણ આવાં લક્ષણોનો સપ્રમાણ સુયોગ કેટલા થોડા સાધી શકે છે! ટાયલાંમાં, ફિશિયારીમાં, પોતાની ઊજળી બાજુને અત્યુક્તિથી રંગવામાં અને ઘેરી બાજુને છુપાવવામાં સરી પડવાનો મોટો ભય પગલે પગલે છે. અંગત ઘટનાઓ દેખીતી રીતે અલ્પતામાં ખપી જાય તેને આત્મસ્પર્શ સુવર્ણમય બનાવે છે. અપરિચિત અને અમહત્ત્વના ભાસે તેવા આત્મવૃત્તાંતનો ભોક્તાવર્ગ નાનો જ હશે; સમસંવેદનશીલને જ એ રસપ્રદ બની રહેશે. આત્મકથાનો કસબ બહુ અઘરો છે. નાની વાતોને નાની રાખી કેટલાક કહી શકશે?
મારી
જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે
વીસરવા યોગ્ય હોય છે. જાહેર પાસે ધરવા જેટલું રતીભાર. નબળાં જીવનતત્ત્વોને
હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ
દરજ્જે માગી લ્યે છે. એમાં ૯૯.૯ પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા
લખવાની મારી હામ નથી. એવી છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર નથી.
~ ઝવેરચંદ મેઘાણી, અંતર-છબિ પુસ્તકમાંથી
---