ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

એ કેવી સુંદર હતી?

ઉત્સવમાંથી એકલા પડેલા લવણપ્રસાદે વસ્તુપાલને પોતાની પાસે બેસારી, પોતાનો વૃદ્ધ હાથ એના ખભા પર મૂક્યો. એ હાથમાં વિલક્ષણ ધ્રુજારી હતી. એ કાંઈક કહેવા જતો હતો પણ કહી ન શક્યો.

"બાપુ !” મંત્રીએ કહ્યું, “મૂંઝાઓ છો? શી વેદના ભરી છે હૈયે?”

"છોકરા!" રાણાએ મહાપ્રયત્ને કહ્યું, “અઢારેક વર્ષ પૂર્વેનું એક પ્રભાત યાદ આવે છે? મેં તમને ત્રણ ભાઈઓને – પાટણ ભણવા જતાને – મહેણાં મારેલાં. આજ છાનોમાનો એની ક્ષમા યાચુ છું.” કહેતે કહેતે એણે વસ્તુપાલનો ખભો વધુ જોરથી દબાવ્યો, “ને તને તારી બાએ કહ્યું હશે કે નહીં, પણ મેં, તારા બાપુના એક સ્નેહી તરીકે, તારી માને ને બહેનોને થીગડાં દીધેલ વસ્ત્રે મંડલિકપુરની ભાગોળે તે દિવસ દીઠાં તોય હું ચાલ્યો ગયેલો. પણ બેટા ! હું તે દિવસે આગલી રાતનો અસ્વસ્થ હતો.”

“મારી બાને ને બાપુને આપ ઓળખતા?” "એ વાત લાંબી છે. તમને તો કોણે કહી હોય? કહું?"

“આજ નહીં, બાપુ, અમે સૌ સપરિવાર ભેળા બેસીને સાંભળીએ તે દિવસ કહેજો.”

“તારી મા... વસ્તુપાલ! તારી માતા સુંદર હતી."

“બાપુ ! ફરી એક વાર કહો. એ કેવી સુંદર હતી?” વસ્તુપાલે આંખો મીંચી દીધી. એ ધ્યાનમગ્ન બન્યો. લવણપ્રસાદની વાણીને એ પીવા લાગ્યો.

“એવી સુંદર હતી ! - કેમ કહીને વર્ણવું? મને લડવૈયાને એવું શીલવંતું રૂપ વર્ણવતાં ન આવડે. એ સુંદર હતી – પેટ અવતાર લેવા જેવી સુંદર. અમે ક્ષત્રિયો સ્ત્રીની સુંદરતાને એ એક જ રીતે વર્ણવી શકીએ.”

જીવનમાં વસ્તુપાલ એક વાર રડ્યો હતો – લુણિગના અંત સમયે. આંસુ એને આવતાં નહીં. પણ માને સુંદર સાંભળી એની આંખોની પાંપણો પટ પટ થઈ રહી.

~ ગુજરાતનો જય, ઝવેરચંદ મેઘાણી


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ