મહેશે બધાંને કીધું કે, "એવું હોય તો હું અને કાનો અહીં ઉભા રહી તમારા ચપ્પલનું અને સામાનનું ધ્યાન રાખીશું, તમે દર્શન કરી આવો. તમે પાછા આવીને આગળનું જે હોય એ કરજો અને હું ને કાનો પછી દર્શન કરી આવશું."
ઘરના બધાં સભ્યો પોત-પોતાનાં ચપ્પલ મૂકતા હતા ત્યાં મહેશની પત્ની પણ ભાવિકા મહેશ પાસે આવી ચપ્પલ મૂકતી હતી. એને જોઈને મહેશે કીધું, "આને કુદરતની કરામત કેવાય, જે દિપકભાઈ પહેલા ભગવાનમાં માનતાં ન હતાં એ આજે દીકરીની બાધા પુરી કરવા બળિયા બાપજીના મંદિર આવ્યા છે" ભાવિકાને એ વાત કરતાં સમાનની સાચવણીમાં વધુ રસ હતો એટલે એને ટૂંકમાં જવાબ આપતા, "હોય, માં-બાપ સંતાન માટે બધું કરવાં તૈયાર થઈ જાય અને..." વાક્ય પૂરું નથી થયું ત્યાં બાજુમાં સિક્યોરિટીવાળા દાદા વાત ઉપાડતાં બોલ્યાં, "આને જ કુદરતનો ખેલ કે'વાય ભલભલાંને આ ખેલ રમવો પડે જેમ રમાડે એમ" પણ ભાવિકાને દર્શન કરવાં જવાની ઉતાવળ હતી એટલે એને એનું ચાલુ રાખ્યું કે, "...અને આ બધાં સામાનનું ધ્યાન રાખજો, આઘા પાછા થતાં નહીં, અમે આવી પછી જ ગુલ્લી મારજો" અને ભાવિકા બધા લોકો સાથે દર્શન કરવાં ગઈ.
કાનાને સિગરેટ પીવાની ઈચ્છા થઇ એટલે એને ગુલ્લી મારી. મહેશને બીજું કાંઈ કામ ન હતું એટલે એને પેલા દાદા પાસે જઈને વાતનો છેડો પકડતા વાત આગળ ચલાવી, "કુદરતનો ખેલ બધાને રમાડે, તમને તો મારા કરતા વધુ અનુભવ હશે, એકાદ અનુભવ તો કહો".
દાદાની આંખમાં ચમક આવી, આજે ઘણાં સમયે કોઈ એની પાસે આવ્યું છે, અને સંભાળવા માગે છે, અને એ પણ અનુભવ. દાદાએ આંગળી ચીંધી એક દરવાજાને ટેકે બેસેલા બીજા દાદાને દેખાડી વાત ઉપાડી, "એ ખીમો, મારો કુટુંબી ભૈ થાય, મારી ભેગું આયા જ નોકરી કરતો હતો. હવે એને સારું નથી રેતુ એટલે નોકરી નથી રૈ, ત્યાં રોજ બેસે. એનો સમય હતો ત્યારે આયા મંદિરનાં દરવાજા પાસે છાસ-પાણી વેચવાવાળા પાસેથી ઘણું પડાવીને ખાધું. એ દુઃખિયા આને જ્યાં સુધી લાંચમાં છાસની ૩-૪ કોથળી આપે નહિ ત્યાં સુધી આ એમણે મંદિરના દરવાજા પાસે છાસ વેચવાના દે".
"૩-૪ છાશની કોથળી જોતી પીવામાં".
"નારે રે નાં, એક છાશની કોથળી શું અડધી પણ બહુ કે'વાય, આતો શરૂઆતમાં એક માગતો, પછી ધીમે ધીમે લાગ્યું કે આ લોકો મારુ કંઈ કરી નથી શકવાનાં એટલે વધુ નફ્ફટાઈ ચાલુ કરી પેલાં બે માંગવાની ચાલુ કરી, પછી ત્રણ, પછી તો ચાર ને પાંચ પણ, પૂનમના દિવસોમાં તો પૈસા પણ પડાવી લેતો."
"લોભ જાગ્યો આતો"
"મહેનત નથી કરવાની ને!"
"પછી?"
"એકની પાસેથી છાશ પડાવતો, બીજા પાસેથી પાણી, ત્રીજા પાસેથી રસ તો ચોથા પાસેથી પૈસા. આજ એની નોકરી થઇ ગઈ હતી. બપોર અને સાંજ પડે એટલે ઘરે બૈરી છોકરાં ને આપી આવતો. કોઈક વાર જો પાણીપુરી વાળો મળી જાય તો એનું પણ કરી નાખતો. રોજનું રોજ આવવા માંડ્યું એટલે ઘરનાને પણ આ ખાવાની ટેવ પડી ગઈ. કોઈક દિવસ જો ખાલી હાથે જાય તો ઘરનાં ટોણા મારે."
દાદા ક્યાંક દૂર આકાશમાં જોતા હોય એમ વાત ચાલુ રાખી, "મને એ દિવસ બરોબર યાદ છે, આ બાજુવાળા પરાની સતુડોશીએ છાસ વેચવાનું ચાલુ કર્યું હતું, એનો છોકરો થોડા સમય પેલા દારૂમાં પતી ગયો હતો એટલે, કમાવા માટે છાસ વેચવા આવી હતી, ૭ કોથળી હતી અને આને ૪ એની પાસેથી પડાવી લીધી, ૩ વેચીને ખોટ ખાઈને ગઈ. મેં ના પાડી હતી કે ડોસીને હેરાન ના કર જવાદે એને પણ ના માન્યો અને ૪ કોથળી લઈને ઘરે ચાલતો થયો."
"ડોસી મેં કીધું કે તમારે આપવી જ ન હતી, પણ ડોસીની આંખ ઊંડી ઊતરી ગઈ હતી, જતાં જતા કે'તી ગઈ, હશે એને વધુ જરૂર હશે મારાં કરતાં. ડોસી પછી થી કોઈ દિવસ છાસ વેચવાના ના દેખાણી".
"આને છેલ્લા ૫ વરસથી પેટની બીમારી થઇ ગઈ છે, ૩-૪ ડોક્ટરને બતાવ્યું. પણ બીમારી પકડાતી નથી. ક્યાંથી પકડાય! કોકની હાય થોડી રિપોર્ટમાં આવે. ઘરના એ ના પાડી દીધી કે હવે બીજા ડોક્ટર ને બતાવવાનાં પૈસા નથી. બીમારી પણ એવી થઈ છે આને, કે કંઈક ખાય એટલે તરત જ બારું. કા ઝાળા કા ઉલટી. આ બધા પાસેથી રોજ પડાવીને ખાય એટલે ઘરે જઈને ઝાળા ઊલટી કરતો. બહુ વધી ગયું એટલે ઘરનાએ કાઢી મુક્યો. નોકરી કરવા જેટલી તાકાત નથી રહી. કઈ ખાય નહિ તો સારું રે. થોડું પાણી ને પ્રવાહી થી ચલાવે છે. પેલા જરૂર ન હતી તો બહુ લઈ લીધું, અને હવે જરૂર છે તો કોઈ આપતું નથી, મળતું નથી. કુદરતના ચોપડામાં બધો હિસાબ છે વ્યાજ સાથે."
Cogito, ergo sum // I think, therefore I am.
હશે, એને વધુ જરૂર હશે!
May 16, 2026
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment