વાસુદેવ કહે. 'સંજય, તું દૂત છે એટલે એમના પક્ષની જ તું વાત કરે તેમાં તારો દોષ નથી. પણ વાકછલ ઈષ્ટ નથી. પ્રશ્ન જ્ઞાની-અજ્ઞાનીનો નથી. ન્યાય-અન્યાયનો છે. અજ્ઞાની અન્યાય કરે તેથી દંડમાંથી બચી જતો નથી. તારાં કહેવા પ્રમાણે માની લઈએ કે દર્યોધન અજ્ઞાની છે. તેને જતો કરો, તો આ સંસારનું શું થાય તે તેં કદી વિચાર્યું છે? મહારાજ તો અંધ અને મમતાબદ્ધ છે. નહીં તો તેમણે ગાંધારીની વિનવણી મુજબ તેનો ત્યાગ કર્યો હોત તે ન જોઈ શકે. પણ તું નથી અંધ. નથી આસક્ત. તું કેમ નથી જોઈ શકતો કે અજ્ઞાનની ઢાલ આગળ ધરી વિચારાય તો જગતમાં કોઈનેય કશો દંડ તો શું કરાય, રોકી પણ ન શકાય. કારણ કે જે જ્ઞાની છે તે પાપ નથી કરતા, અજ્ઞાની-અણસમજુ જ દ્રોહ કરે છે. શિશુપાલ અજ્ઞાની હતો. તેને જ્ઞાન હોત તો રાજસૂય યજ્ઞ વખતે યદ્ધાંતદ્ધ બોલ્યો હોત? અજ્ઞાનના નામે અત્યાચાર થવા દઈએ તો સૃષ્ટિ ચાલે જ કઈ રીતે? જયદ્રથે કૃષ્ણાનું હરણ કર્યું; અજ્ઞાની હતો જવા દો. ભીમને ઝેર દીધું; દેનારા અજ્ઞાની હતા, જવા દો. લાક્ષાગૃહનો રચનાર અજ્ઞાની હતો, જવા દો. મારી આ મહિમાવાન ભગિનીનો કેશપાશ ખેંચનાર દુઃશાસન અજ્ઞાની હતો, જવા દો. આ સ્વીકારીએ તો શું થાય તેનો તને કંઈ ખ્યાલ છે ખરો?'
સંજય આવાક્ થઈ ગયો હતો. બધા મંત્રમુગ્ધ હતાં.
~ કુરુક્ષેત્ર પુસ્તકમાંથી, લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'
No comments:
Post a Comment