ભગવાન કૃષ્ણે જરાસંધના જન્મની વાત પણ ટૂંકાણમાં કહી સંભળાવી : 'મહાતપસ્વી ચંડકૌશિક નામના ઋષિએ જરાસંધના નિઃસંતાન પિતાને એક આમ્રફળ આપતાં કહ્યું હતું કે આ ફળ તારી રાણીને ખવરાવીશ એટલે એને મહાબળવાન પુત્ર થશે!
‘રાજાને બે રાણીઓ હતી. બેઉ રાણીઓ એકસરખી પ્રિય હતી. કેરી એણે બેઉ રાણીઓને અડધી અડધી ખવરાવી. સમય જતાં બન્ને રાણીઓને પ્રસવ થયો. પણ બન્યું એવું કે બન્ને રાણીએ અડધું અડધું બાળક એટલે કે એક હાથ એક પગ એ રીતે અક્કેકા ફાડિયાને જન્મ આપ્યો.
‘આનું કારણ રાજા તરત જ પામી ગયો ! પણ હવે શું ? પોતાના તકદીર ઉપર વિલાપ કરતાં દાસીઓને કહ્યું: “ફેંકી દો આ બન્ને ફાડિયાં.”
'દાસીઓએ ફાડિયાં મહેલની પાછળ આવેલી બારી વાટે ફેંકી દીધાં. આ સ્થળની નજીકમાં જ એક જરા નામની રાક્ષસી રહેતી હતી. એણે કશુંક મહેલ ઉપરથી પડતું જોયું. ત્યાં જઈને જુએ છે તો બાળકનાં બે ફાડિયાં હતાં ! રાક્ષસી તો નવજાત શિશુનું કૂણું કૂણું માંસ જોઈને રાજી રાજી થઈ ઊઠી. પછી એણે પોતાના નિવાસ પર જઈને ખાવાના ઇરાદા સાથે બેઉ ફાડિયાં ભેગાં કર્યાં. આ સાથે ચમત્કાર થયો. ફાડિયાં સંધાઈ ગયાં ને બાળકના રુદનનો અવાજ ઊઠ્યો. રાક્ષસીને થયું કે આ બાળક રાજાને પાછું આપીશ તો એ મને સદાને માટે માંસનો આહાર બાંધી આપશે.
'રાક્ષસીની ધારણા સાચી પડી. પોતાના જ આ બાળકને જીવતું થયેલું જોઈને રાજારાણીઓના આનંદનો પાર ન રહ્યો. રાજાએ પેલી રાક્ષસીને રોજના ભક્ષ તરીકે દરરોજ એક પશુ આપવાનો અમલદારોને હુકમ કરી જરા રાક્ષસીને ખુશ કરીને વિદાય આપી ને નગરમાં પછી છ દિવસનો મહોત્સવ મંડાયો...." ને પાંડવો તરફ નજર ફેરવી કૃષ્ણે વાત પૂરી કરી : "આ રીતે જરા નામની રાક્ષસીથી સંધાયેલા જરાસંધમાં રાક્ષસી બળ અને ગુણો હોય એ સ્વાભાવિક છે."
~ પાર્થને કહો ચડાવે બાણ - 3 માંથી, પન્નાલાલ પટેલ
No comments:
Post a Comment