જીવનનો આધાર
શ્રીમોટા: માણસ જરૂર કરતાં ઘણું વધારે ખાય છે. સ્વાદને કારણે હોય કે
ટેવને કારણે હોય કે ગમે તે કારણે હોય. તેને જીવવાને માટે જેટલી કવૉન્ટીટી
(જથ્થો) જોઈએ એના કરતાં ઘણું વધારે ખાય છે. એટલે આયુષ્ય પણ ઘટે છે.
સ્વજન: વધારે ખાય એટલે?
શ્રીમોટા:
બધી શક્તિ ખોરાક પચાવવામાં જાય છે. શરીરને ઘટાડવાનું હોય તો પોતાનો ખોરાક
ઓછો જોઈશે. હરિને ભજવાવાળાને તો ખોરાક ઓછો જોઈએ. ખોરાક ઓછો કરતાં કરતાં તો
સાહેબ, મને બહુ પંચાત પડેલી. નાનપણમાં ભારે મજૂરી ને ખડતલ શરીર. સાડા સાત
વર્ષની ઉમરે ઘણી મજૂરી કરવાની એટલે આટલા આટલા મોટા રોટલા હોય તો દોઢ રોટલો
ખાતો હતો. આટલો મોટો રોટલો. એકવીસ બાવીસમે વર્ષે આ સાધના શરૂ કરી ત્યારે
સમજતો થયો કે ખોરાક ઓછો કરવો જોઈએ. તે અડધો કરતાં કરતાં બહુ પંચાત પડેલી.
કારણકે પેટને ટેવ પડી ગયેલી હોય એટલે ધરાવો થાય જ નહિ. એટલે મન એમાં ને
એમાં જ રહ્યા કરે - ખોરાકમાં જ, - પેટમાં જ. એ ટેવ છોડતાં છોડતાં મને વર્ષ -
દોઢ વર્ષ લાગ્યું હશે.
~ પૂજ્ય શ્રીમોટા સાથે સત્સંગ અગ્રતા - એકાગ્રતા
---