Saturday, November 7, 2026

વાર્તાનો અંત

અને (શું પુસ્તકનો) અંત અધૂરો લાગે છે ? ઉકેલ અપાયો નથી ? તોપણ શું ? કોઈપણ પ્રશ્નનો ઉકેલ આપવાનું કામ વાર્તાલેખકનું નથી. ઉકેલ આપનાર એ કોણ ? એ તો ફક્ત પરિસ્થિતિની છણાવટ કરે, પ્રશ્નો અણદીઠ પડ્યા છે તેને ઉઠાવી દુનિયાની સામે ધરે; દુનિયાના હૃદયમાં એ પ્રશ્નના અસ્તિત્વનું ભાન અને એ પ્રશ્નના નિકાલની મનોવેદના, ઝંખના, તાલાવેલી જાગ્રત કરે; પોતાને સૂઝતી હોય તેવી કોઈક એક નિર્ણય-દિશા પ્રત્યે આંગળી ચીંધાડે; એથી વધુ એ ન જ કરે – જો એ ડાહ્યો હોય તો. વાર્તાલેખક એ વકીલ નથી, વૈદ પણ નથી, રાજપુરુષ પણ નથી. ઉકેલ શોધવાનું કામ તો સમાજરચનાના અગ્રણીઓનું, વ્યવહારદક્ષોનું, કર્મનિષ્ઠ પુરુષોનું છે.

~ ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં પુસ્તકમાંથી

No comments:

Post a Comment