સાહિત્ય સર્જન

લેખન સમય માગી લે છે. એમાં પણ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લેખન તો સમયની સાથે સાધના પણ માગી લે છે. લેખન fastfood ખાવાની વાત નથી કે, હાલતા ચાલતા પતાવી દેવાય, નવરા બેઠા પતાવી દેવાય, કંટાળામાં કરવા જેવી ક્રિયા નથી. એ તો સતત ચાલતી સાધના છે, યોગ છે.

આપણું જીવન વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે, ત્યારે આપણને અનેકવિધ અનુભવોને આધારે સામગ્રી મળે છે સાહિત્ય સર્જન માટેની. વિચારોમાં સતત સંતુલન સાધીએ તો આ સામગ્રીમાંથી ઉત્તમ સાહિત્ય રચાય. અનેકવિધ અનુભવો ઉપરાંત જીવનમાં કેટલીક ઘટનાઓ બને છે કે જેનાથી સાહિત્ય સર્જનનું ઝરણું નીકળી શકવાની સંભાવના બને છે. બધાજ જીવોમાં આ પ્રકારના અનેકવિધ અનુભવો અને ઘટનાઓ બનતી હોય છે. પણ પશુ-પંખીઓ પાસે લિપિ પદ્ધતિ ન હોવાને કારણે તેઓ લાગણીઓ-વાતોથી જ સાહિત્ય સર્જન ચલાવતા હશે, એવું આપણે માની લઈએ. પણ જો મનુષ્યોની વાત કરીએ તો, મોટા ભાગે તો વિચારો, લાગણીઓ અને અનુભવો તથા ઘટનાઓને શબ્દોને ન મૂકી શકવાની મર્યાદાને કારણે બધાથી સાહિત્ય સર્જન થતું નથી.

મારું પોતાનું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ સાહિત્ય વાંચન કરવું જોઈએ. જેનાથી એનું શબ્દ ભંડોળ વધે, લાગણીઓને જોવાની અને સમજવાની સૂક્ષ્મ દ્રષ્ટિ વિકસે અને સમય જતા પોતાના અનુભવો અથવા ઘટનાઓ લખી શકે - પુસ્તક પ્રકાશન માટે નહિ, પ્રખ્યાત થવા માટે નહિ, (સૂક્ષ્મ) અહંકાર સંતોષવા માટે નહિ, પણ લાગણીશીલ થવા માટે, પોતાને વધુ બહેતર સમજવા માટે!

Comments