Monday, October 19, 2026

જ્ઞાનની સાત ભૂમિકા

જ્ઞાનની સાત ભૂમિકા છે:

૧. શુભેચ્છા (મોક્ષની ઈચ્છા)
સંસારથી વૈરાગ્ય પામીને મોક્ષ મેળવવાની અને સત્યને જાણવાની તીવ્ર ઈચ્છા.
આ પ્રથમ અવસ્થામાં સાધકને સંસારના ભૌતિક સુખોની નશ્વરતા સમજાય છે. તેના મનમાં "હું કોણ છું? આ જગત શું છે?" તે જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગે છે. તે અજ્ઞાનમાંથી બહાર આવવા માટે સત્સંગ, સદગુરુની શોધ અને આધ્યાત્મિક પુસ્તકોના વાંચન તરફ વળે છે. આ અવસ્થામાં વૈરાગ્યનો જન્મ થાય છે.

૨. વિચારણા (ઊંડાણપૂર્વકનું ચિંતન):
સદગુરુ અને શાસ્ત્રોના શરણે જઈને શ્રવણ, મનન અને આત્મજ્ઞાન પર ગહન ચિંતન કરવું.
શુભેચ્છા જાગ્યા પછી, સાધક ગુરુના શરણે જાય છે અને વેદાંત શાસ્ત્રોનું શ્રવણ કરે છે. ત્યારબાદ તે સાંભળેલા જ્ઞાન પર મનન-ચિંતન અને ધ્યાન કરે છે. શું સત્ય (આત્મા) છે અને શું અસત્ય (જગત) છે તેનો ભેદ પારખવાની ક્ષમતા આ અવસ્થામાં વિકસે છે.

૩. તનુમાનસા (મનની સૂક્ષ્મતા):
મનનું અત્યંત સૂક્ષ્મ થવું અને ઈન્દ્રિયો તથા વાસનાઓનો નાશ થવો.
સતત વિચારણા અને ધ્યાનના પરિણામે સાધકનું મન અત્યંત સૂક્ષ્મ અને એકાગ્ર બને છે. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ અત્યંત તનુ એટલે ક્ષીણ થઈ જાય છે. મન બાહ્ય જગતમાંથી હટીને અંતર્મુખી બને છે. આ અવસ્થા સુધી પહોંચેલો સાધક યોગાભ્યાસી કહેવાય છે.

૪. સત્ત્વાપત્તિ (સત્વગુણની પ્રાપ્તિ અને આત્મસાક્ષાત્કાર):
મનની સંપૂર્ણ શુદ્ધિ થવી અને આત્મસ્વરૂપનો સાચો પ્રકાશ (સત્ય) અનુભવવો.
આ અવસ્થામાં રજોગુણ અને તમોગુણ સંપૂર્ણપણે નાશ પામે છે અને માત્ર શુદ્ધ સત્વગુણ જ રહે છે. સાધકને આત્મસ્વરૂપનો સાચો પ્રકાશ દેખાય છે. તેને બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન (આત્મસાક્ષાત્કાર) થાય છે. આ અવસ્થામાં જગત એક સ્વપ્ન જેવું ભાસે છે. અહીં સાધક 'બ્રહ્મવિદ્' કહેવાય છે.

૫. અસંશક્તિ (સંપૂર્ણ અનાસક્તિ):
જગતના કોઈપણ પદાર્થ, કર્મ કે ફળ પ્રત્યે કોઈ જ આસક્તિ ન રહેવી (સંપૂર્ણ નિર્લેપ અવસ્થા).
આત્મજ્ઞાન થયા પછી સાધક જગતના વ્યવહારોમાં રહેવા છતાં કોઈ જ પ્રકારની આસક્તિ કે મોહ ધરાવતો નથી. કર્મ કરવા છતાં કર્મના ફળ પ્રત્યે તેને કોઈ લેપ લાગતો નથી. તે કમળના પાન પર રહેલા જળના બિંદુની જેમ સંસારમાં અલિપ્ત રહે છે. આ અવસ્થા પ્રાપ્ત કરનાર જ્ઞાની 'બ્રહ્મવિદ્વર' કહેવાય છે.

૬. પદાર્થભાવની (પદાર્થોના અસ્તિત્વનો અભાવ):
બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ભૂલાઈ જવું અને અન્ય દ્વારા જગાડવા પર જ વ્યવહારમાં જોડાવું.
આ અવસ્થામાં જ્ઞાનીનું મન બ્રહ્મમાં એટલું લીન થઈ જાય છે કે તેને બાહ્ય જગતના પદાર્થોનું કોઈ ભાન રહેતું નથી. આજુબાજુ શું બની રહ્યું છે તેનો તેને કોઈ ખ્યાલ હોતો નથી. જ્યારે અન્ય લોકો (શિષ્યો કે ભક્તો) તેને જગાડે કે પ્રેરિત કરે, માત્ર ત્યારે જ તે શારીરિક જરૂરિયાત પૂરતો વ્યવહાર કરે છે. આવા મહાત્મા 'બ્રહ્મવિદ્વરીયાન' કહેવાય છે.

૭. તુર્યગા (તુરીયાવસ્થા):
અદ્વૈત અને પરમ શાંતિની સર્વોચ્ચ અવસ્થા, જ્યાં ભેદભાવ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ 'જીવનમુક્ત' બની જાય છે.
આ જ્ઞાનની સર્વોચ્ચ અને અંતિમ અવસ્થા છે. તેને 'જીવનમુક્તિ' કહેવામાં આવે છે. આ અવસ્થામાં 'હું' અને 'તું' કે 'બ્રહ્મ' અને 'જગત' એવો કોઈ ભેદ રહેતો નથી; બધું જ એકાકાર થઈ જાય છે. અન્ય લોકોના જગાડવા છતાં પણ તેઓ સમાધિમાંથી બહાર આવતા નથી. તેઓ દેહમાં હોવા છતાં વિદેહ (દેહરહિત) અવસ્થાનો અનુભવ કરે છે. આવા સિદ્ધ પુરુષ 'બ્રહ્મવિદ્વરિષ્ઠ' કહેવાય છે.

આ જ્ઞાનની ભૂમિકાની આવસ્થાને આધારે યોગી કઈ કક્ષાએ છે, એ નક્કી થાય છે અને જરૂરી માર્ગદર્શન અથવાતો ઉપાધિ જેવી કે, યોગી, ઋષિ, મહર્ષિ, પરમહંસ વગેરે પામે છે.

No comments:

Post a Comment