Chrome અને Edge XSLT કાઢી રહ્યા છે
—
news
Chrome અને Microsoft Edge જેવા બ્રાઉઝર માં લાંબા સમયથી રહેલી XSLT સુવિધા દૂર થવાની તૈયારીમાં છે. XSLTનો ઉપયોગ XMLમાં રહેલા ડેટાને HTML જેવા બીજા સ્વરૂપમાં ફેરવવા માટે થતો હતો. ઉદાહરણ તરીકે, કોઈ વેબસાઇટ XML ફાઇલમાં માહિતી રાખે અને browser XSLTની મદદથી તેને વાંચી શકાય તેવા પેજમાં ફેરવે. Googleના જણાવ્યા મુજબ, Chrome 158માં 17 નવેમ્બર, 2026થી સામાન્ય વપરાશકર્તાઓ માટે આ સુવિધા બંધ કરવાની યોજના છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સુરક્ષા અને ઘટતો ઉપયોગ છે. Chromeમાં XSLT માટે વપરાતી જૂની libxslt લાઇબ્રેરી જટિલ છે અને તેમાં સુરક્ષાની ખામીઓ મળી આવી છે. આજે મોટા ભાગની વેબ એપ્લિકેશન્સ ડેટા મેળવવા માટે JSON અને પેજ બનાવવાં JavaScriptનો ઉપયોગ કરે છે, તેથી browserમાં XSLTની જરૂર પહેલાં કરતાં ઘણી ઓછી રહી છે.