Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

સરકાર

સરકારને કરોડ મોઢાં હોય છે
પણ એક આત્મા હોતો નથી
સરકાર અવાજની માલિક છે
અને માલિકનો અવાજ છે

સરકાર વિચારો કરાવી શકે છે
સરકાર લેખકને લખાવી શકે છે
જાદુગરને રડાવી શકે છે
ચિત્રકારને ચીતરાવી શકે છે
ગાયકને ગવડાવી શકે છે
કલાકારને કલા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે
રવિવારને સોમવાર બનાવી શકે છે
નવી પેઢીને જૂની કરી શકે છે
જૂનીને પૈસાદાર બનાવી શકે છે

પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે
વીજળી વેચી શકે છે, ઇતિહાસ દાટી શકે છે
અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે
સમય ફરે છે, માણસ ફરે છે
યંત્ર ફરે છે, મંત્ર ફરે છે
પણ એક દિવસ,

ગરીબની આંખ ફરે છે, અને-
સરકાર ફરે છે...

~ ચંદ્રકાંત બક્ષી