દ્વિતીય વિશ્વયુદ્ધ પાછું હડસેલી દીધું

Sunday, November 16, 2025

હવે આપણે કટોકટી ભર્યા ૧૯૩૮ના વર્ષને ફરી યાદ કરીએ. યુદ્ધનાં ઘેરાં વાદળો આકાશમાં છવાઈ રહ્યા હતાં અને આખા યુરોપમાં યુદ્ધની ભારે ગર્જના સંભળાઈ રહી હતી. ડિસેમ્બર મહિનામાં યુદ્ધ ફાટી નીકળશે તેવી દહેશત અનુભવાઈ રહી હતી, નવેમ્બર મહીનાની ૨૩મી તારીખની રાત્રિએ શ્રી અરવિંદને પગે અકસ્માત નડયો હતો. તેમને અકસ્માત નડયો તેના બે અઠવાડિયાં બાદ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી. પણ શ્રી અરવિંદના જણાવ્યા પ્રમાણે એમની દિવ્ય આધ્યાત્મિક શક્તિની મદદથી યુદ્ધ પાછુ હડસેલાઈ ગયું હતું; કારણ કે તે સમયે જો યુદ્ધ ફાટી નીકળ્યું હોત તો એમના આધ્યાત્મિક કાર્યમાં ભારે અવરોધ ઊભો થયો હોત. શ્રી અરવિંદે યુદ્ધને પાછું હડસેલી દીધું તેથી સ્વાભાવિક રીતે એવું માની શકાય કે, યુદ્ધ નિર્માણ કરનારાં સઘળા દુઃસાધ્ય બળાએ પોતાનો બધોજ રોષ શ્રી અરવિંદ ઉપર ઠાલવી દીધો, અને એના પરિણામે શ્રી અરવિંદને પગે અકસ્માત નડયો. હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો તેના ઘણા સમય પહેલાં, કોઈપણ વ્યક્તિ જાણી શકે તે પહેલાં, શ્રી અરવિંદને જર્મનીમાં અંધકારગ્રસ્ત આસુરી સત્તાના ઉદય અને આખા યુરોપ ઉપર તેના આકરા આક્રમણની જાણ થઈ ચુકી હતી.

~ શ્રી અરવિંદના સાંનિધ્યમાં બાર વર્ષ, નીરોદબરન


---