ભગવાનની કરુણાદૃષ્ટિ

Wednesday, November 12, 2025

એટલામાં એક બીજો માણસ ગામમાંથી ત્યાં આવ્યો. તેના એક હાથમાં એક પોટલી અને લોટો હતો અને બીજા હાથમાં એક સાદડી અને પાણીનો ઘડો હતો. તેણે પોલીસવાળાને કશુંક કહીને સાદડીને એક સ્વચ્છ અને છાયાવાળી જગ્યામાં પથારી. તેના ઉપર હાથમાંની સઘળી વસ્તુઓ મૂકી અને દોડતો તે સ્વામીજી(સ્વામી વિવેકાનંદ)ની પાસે આવી લાગ્યો "પધારો બાબાજી1 મેં તમારે માટે ભોજન આણ્યું છે, એનો અંગીકાર કરો" પોલો મારવાડી તો સ્તબ્ધજ બની ગયો. પેલો નવો માણસ ફરીથી કહેવા લાગ્યો "બાબાજી! એ પ્રસાદ તમારે લેવોજ પડશે!" સ્વામીજી બોલ્યા "ભાઈ, તમે ભૂલતા હશો. કોઈને બદલ કોઈને ધરતા હશો. હું તમને કદી મળ્યો હોઉં એવું મને યાદ નથી" તેને જવાબ આપ્યો "હું એક હલવાઈ છું. બપોરે હું જરા સૂતો હતો, ત્યારે સ્વપ્નમાં મને એવું પ્રેરણા થઈ આવી કે સ્ટેશન ઉપર કોઈ મહાત્મા પુરુષ ભૂખ્યા છે, તેમને માટે ભોજન, પાણી, અને બિછાનું લઈને જા. હું જાગી ઊઠયો, પણ તે માત્ર ખાલી સ્વપ્ન હશે એમ ધારીને પાછો સૂઈ ગયો. પણ ફરીથી પાછી એવી ને એવીજ પ્રેરણા બહુજ જોરથી મનમાં થઈ આવી અને મારાથી વધારે વાર સૂઈ રહેવાયું નહિ. ઊઠીને મેં જલદીથી પુરી અને શાક બનાવ્યા અને કેટલીક મીઠાઈ, પાણીનો ઘડો તથા સાદડી લઈને હું દોડતો આવ્યો છું. આપ હવે પધારો અને કૃપા કરીને ભોજન અંગીકાર કરો આપને બહુ ભૂખ લાગી હશે" પછી સ્વામીજીએ ભોજન કર્યું અને જમતે જમતે પ્રભુની અગાધ કૃપાનો વિચાર કરતાં સ્વામીજી ઘણાજ ઉલ્લાસથી શ્રીમદ્ભગવદ્દગીતાનો શ્લોક મનમાં બોલી રહ્યા -

अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते |
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्

~ સ્વામી વિવેકાનંદ, ભાગ ૯,વિસ્તૃત જીવનચરિત્ર


---