પ્રોગ્રામિંગ શીખો

તમને કંઈક વિચાર આવ્યો અને આ વિચાર તમારે તમારા મિત્રને કહેવો છે.
કઈ રીતે એ વિચાર કહેશો? કહીને અથવા તો ભાષાનો ઉપયોગ કરીને.

અહીં “ભાષા” જે તમને બંનેને આવડતી હોય એ તમારા બંને વચ્ચેનું માધ્યમ છે, વિચારોની આપલે કરવાનું, વાત કરવાનું.
એજ રીતે તમારી પાસે વિચાર છે અને એ વિચાર તમારે કોમ્પ્યુટરને કહેવો છે, તો તમારે એ ભાષાનો ઉપયોગ કરવો પડશે જે તમને અને કોમ્પ્યુટરને બંનેને આવડતી હોય. આમ જોવા જાવ તો કોમ્પ્યુટરને ફક્ત એક જ ભાષા આવડે છે અને એ છે યંત્ર ભાષા(=machine language). પણ હાલ એમાં ઊંડા ન ઉતરતા એમ ધારી લઈએ છીએ કે કોમ્પ્યુટરને યંત્ર ભાષા ઉપરાંત પણ બીજી ઘણી ભાષાઓ આવડે છે.
કોમ્પ્યુટરની
સાથે આપણે બોલીને કે વાતચીત કરીને આપણા વિચારો વ્યક્ત નથી કરી શકતા. એના
બદલે પદ્ધતિસર લખીને આપણે કોમ્પ્યુટરની સાથે વિચારોની આપલે કરીએ છીએ. આ
પદ્ધતિસરના લખાણને પ્રોગ્રામ્સ(=programs) કહે છે, આથી કોમ્પ્યુટરની ભાષાને
ફક્ત ભાષા ના કહેતા પ્રોગ્રામિંગ ભાષા કહેવાય છે. ઘણી બધી પ્રોગ્રામિંગ
ભાષાઓ છે, જેમાંની એક છે, પાયથોન(=Python) અજગર પ્રોગ્રામિંગ ભાષા.
તો જો તમારે તમારા વિચારને કોમ્પ્યુટરને કાંઈ કહેવું હોય તો એને પાયથોન પ્રોગ્રામિંગ ભાષામાં લખીને કહેવું પડશે.
હવે આપણે પાછા એ વિષય પર આવીએ કે કોમ્પ્યુટરને ફક્ત યંત્ર ભાષા જ આવડે છે, તો પાયથોન ભાષા કઈ રીતે સમજશે? કોમ્પ્યુટરને પાયથોન ભાષા સમજવા માટે આપણે આપણા કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર નાખીશું જેને પાયથોન ઇન્ટરપ્રીટર(=interpreter, અર્થાત દુભાષિયો સોફ્ટવેર) કહે છે જે પાયથોન ભાષાને યંત્ર ભાષામાં રૂપાંતરિત કરશે જેથી કોમ્પ્યુટર પાયથોન સમજી શકે.

એટલે
આપણે આપણા વિચારોને પાયથોન પ્રોગ્રામ્સમાં લખીશું અને આ દુભાષિયા
સોફ્ટવેરને આપીશું, જે એને યંત્ર ભાષામાં રૂપાંતરિત કરીને કોમ્પ્યુટરને
આપણા વિચારો કહે શકે.
તમને અહીં પ્રશ્ન એ પણ થાય કે વચ્ચે પાયથોન
ભાષાને લાવવાની શું જરૂર છે, સીધી યંત્ર ભાષા કેમ નથી વાપરતા? તો એનું કારણ
છે કે યંત્ર ભાષા બહુ જટિલ ભાષા છે અને એમાં આપણા વિચારો વ્યક્ત કરવા બહુ
એટલે બહુ જ મુશ્કેલ છે. આથી આપણે પાયથોનનો ઉપયોગ કરીશું અને વિચારોને
વ્યક્ત કરવા માટે આપણે પાયથોન શીખીશુ.
પાયથોન ભાષા માટે આપણે વાત થઇ એ પ્રમાણે પાયથોનનો સોફ્ટવેર નાખવો પડશે જે એની વેબસાઈટ http://python.org
પરથી મળી જશે. કોઈ જાણકાર વ્યક્તિની મદદ લઇને આ સોફ્ટવેર નાખી દો તમારા
કોમ્પ્યુટરમાં. આવતા લેખમાં આપણે આ સોફ્ટવેર/દુભાષિયાનો ઉપયોગ કરીશું અને
કંઈક લખીશું પાયથોનમાં. મળીએ તો આવતા લેખમાં, પણ નીચે આપેલ
ઘરકામ(=homework) કરવાનું ભૂલતા નહિ!
ઘરકામ: જાણકાર વ્યક્તિને પૂછો
કે પાયથોનનો સોફ્ટવેર કોમ્પ્યુટરમાં બરોબર નંખાય ગયો છે કે કઈ રીતે ચકાસી
શકાય? અને બીજા કયાં સોફ્ટવેર જોશે લખવાં માટે?
---
