નાક વાટે શ્વાસ લેવો

Friday, February 6, 2026

મનુષ્યની છાતીમાં જે ફેફસાં છે તેનું રક્ષણ કરનારાં નાકા કે નાકનાં બે છિદ્રો છે. હવાને ખેંચીને તેને શુદ્ધ કરીને તે ફેફસાંને પુરી પાડવી એ નાકનું કર્તવ્ય છે. હવામાં જે કાંઈ ધૂળ કે અનિષ્ટ રજકણો હોય તે નાકની અંદરના વાળમાં ભરાઈ રહે છે અને તે ઉપરાંત નાકની ઉષ્ણતા વડે હવા સ્વચ્છ થાય છે અને પછી જ તે ફેફસાંસુધી પહોંચે છે. ગંદી હવામાં કે દુર્ગંધવાળે સ્થળે માણસ જઈ ચડે છે, ત્યારે નાક પોતાની ગંધનિરીક્ષક શક્તિથી માણસને ખબર આપે છે કે અહીં ફેફસાંને ચોખ્ખી હવા પૂરી પાડવાનું કામ કરવું મારે માટે મુશ્કેલ છે...નાક એ એક કોમળ ઇંદ્રિય છે. કેટલાકો મ્હોંવાટે શ્વાસ લે છે પરન્તુ તે નુકસાનકારક છે. કારણકે નાકદ્વારા જે હવાશુદ્ધિ થાય છે તે મ્હોંદ્વારા થતી નથી. વળી નાકનો માર્ગ ફેફસાંસુધી પહોંચવા માટે લાંબો છે એટલે હવાને વધારે ઉષ્ણતા મળે છે અને એ રીતે હવાશુદ્ધિ વિશેષ થાય છે. 

---