Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

આજનો શબ્દ: ઊંટવૈદું

એક ગામમાં એક ઊંટ માંદું પડ્યું. ઘરડા લોકોએ ભેગા થઈને તપાસ કરી, તો તેના ગળામાં કશાકનો ડૂચો ભરાયો  હતો તેથી તે ગૂગળાતું હતું એવું જણાયું, એટલે એક શાણા માણસે એના પેટમાં જેરથી લાત મારી. લાત વાગતાં ઊંટ ચમક્યું, ને પેલો ડૂચો ફટ દઈને નીકળી ગયો, ને ઊંટ સારું થઈ ગયું.
આ બનાવ ત્યાં ઊભેલા એક ભાઈને જોવામાં આવ્યો. એ વૈદું કરતા હતા. ગૂંગળામણનો આ સીધો ને સાદો ઈલાજ તરત એના ધ્યાનમાં બેસી ગયો. એક દિવસ એને ત્યાં એક ડોશી આવી. એને ગળામાં કફ ભરાઈ ગયો હતો. તેથી શ્વાસ લેવાતો નહતો. પેલા મુરખ માણસને ઊંટવાળો કિસ્સો યાદ આવ્યો કે પેટમાં લાત મારવાથી ઊંટ સાજું થઈ ગયું હતો, એટલે એણે આ ડોશીની બાબતમાં પણ એ જ ઇલાજ અજમાવ્યો, ને ડોશીના પેટમાં જોરથી પાટુ માર્યું.
ડોશી ત્યાં ને ત્યાં મરી ગઈ લોકો ભેગા થઈ ગયા, ને ડોશીને લાત મારવાનું કારણ પૂછતાં “વૈદરાજે” ઊંટનો દાખલો આપ્યો.
તે ઉપરથી, અનાડી વૈદ, અથવા પોતે નહિ જાણતો હોય તેવો ધંધો કરનારને “ઊંટવૈદ” કહેવામાં આવે છે. 
~ કહેવત-કથાનકો પુસ્તકમાંથી, લેખક સ્વામી શ્રી પ્રણવતીર્થજી