યોગીરાજ પાસેથી યોગદીક્ષા પ્રાપ્ત કરનાર કેટલાક મહાનુભાવો

યોગીરાજ સ્વયં અનેક ભક્તોને યોગક્રિયા શીખવીને તેમને આત્મોન્નતિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપતા. તેમણે કેટલા લોકોને દીક્ષા આપી છે તેની કોઇ પ્રામાણિત કે નિશ્ચિત સંખ્યા નથી. જે થોડાક વિખ્યાત યોગીઓ રૂપે પરિચિત રહ્યા છે તેમાં યોગીરાજના ઋષિકલ્પ બંને પુત્રો તિનકૌડી લાહિરી અને દુકૌડી લાહિરી, પંચાનન ભટ્ટાચાર્ય, સ્વામી પ્રણવાનંદ ગિરિ, સ્વામી યુક્તેશ્વર ગિરિ, ભૂપેન્દ્રનાથ સાન્યાલ, સ્વામી કેશવાનંદ, સ્વામી કેવલાનંદ, વિશુધ્ધાનંદ સરસ્વતી, કાશીનાથ શાસ્ત્રી, નગેન્દ્રનાથ ભાદુરી, પ્રસાદદાસ ગોસ્વામી', કૈલાશચંદ્ર બન્ધોપાધ્યાય, રામગોપાલ મજુમદાર, મહેન્દ્રનાથ સાન્યાલ, રામદયાલ મજુમદાર, હરિનારાયણ પાલદી વગેરે મુખ્ય છે. તે ઉપરાંત પણ એમ પણ સંભળાય છે કે ભાસ્કરાનંદ સરસ્વતી અને બાલાનંદ બ્રહ્મચારીએ પણ પોતાના સાધનામાર્ગથી અલગ એવા યોગીરાજ દ્વારા પ્રદર્શિત યોગસાધનાનું અનુશીલન કર્યું હતું. તે સમયના કાશીનરેશ, નેપાળ નરેશ, કાશ્મીર નરેશ, બર્દવાનના રાજા, કાલીકૃષ્ણ ઠાકુર અને સર ગુરુદાસ બંધોપાધ્યાય વગેરે સમાજના ઉચ્ચ સ્તરીય અન્ય લોકોએ પણ તેમની પાસેથી યોગની દીક્ષા મેળવી હતી. તે ઉપરાંત સમાજના નિમ્ન સ્તરના હજારો માનવીઓએ પણ તેમની પાસે મુક્તિમાર્ગનું શિક્ષણ મેળવી સ્વયંને કૃતકૃત્ય કર્યા હતા. તેઓ કહ્યા કરતા હતા કે ગૃહસ્થ આશ્રમથી મોટો કોઇ આશ્રમ નથી; કારણકે ગૃહસ્થ આશ્રમના આધાર પર જ અન્ય આશ્રમોની સ્થાપના થાય છે. તે બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમનું ભરણપોષણ કરે છે, એટલે ગૃહસ્થ આશ્રમ જ શ્રેષ્ઠ આશ્રમ છે.

પાછળથી એમ પણ જણાયું છે કે પંચાનન ભટ્ટાચાર્યના શિષ્ય અને લાલગોલા હાઇ સ્કૂલના પ્રધાન અધ્યાપક વરદાચરણ મજુમદાર પાસેથી કાજી નઝરુલ ઇસ્લામ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે આ મહાન ક્રિયાયોગની દીક્ષા પ્રાપ્ત કરી હતી. નેતાજીએ ૧૨મી જૂન, ૧૯૩૯ ને સોમવારે વરદાબાબુ પાસેથી દીક્ષા લીધી હતી. તે ઉપરાંત રામદયાલ મજુમદાર પાસેથી શ્રીમાન સીતારામદાસ ઓમકારનાથે આ યોગદીક્ષા પ્રાપ્ત કરી હતી. આ જ યોગના માધ્યમથી તેમણે જીવનને સુંદર બનાવ્યું તથા દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરી હતી. આ મહાન યોગ જ આ મહાત્માઓના જીવનની પ્રધાન અને ગુપ્ત ચાવી હતી. આ જ ચાવીથી તેમણે પોતપોતાના હૃદયમંદિરનાં પ્રધાન દ્વાર ખોલવાની ક્ષમતા મેળવી હતી. એ જ તેમની ઉન્નતિ અને ચરમ ઉત્કર્ષનું સાધન હતું. આ જ યોગકર્મનું સંપાદન કરીને જ તેમને હૃદયદેવતાની પ્રાપ્તિ થઈ હતી. જેના બળ પર લોકકલ્યાણ પ્રતિ જીવનનો ઉત્સર્ગ જ તેમનું શ્રેય રહ્યું છે. એ દિવસોમાં મોટા ભાગના લોકો આ યોગકર્મ કરી શકતા નહોતા. તેથી જ તેમની ઇંદ્રિયશક્તિઓ સ્વચ્છ થયા વિનાની કે અસ્વચ્છ રહેતી હતી. ધર્મના બાહ્ય દેખાવો તરફ ખેંચાવાથી જ આજે દેશમાં આટલો અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. એટલા માટે યોગીરાજ કહ્યા કરતા હતા: “આ યોગસાધના કરવાથી જ મનુષ્યનું જીવન સુંદર અને મહિમાવાન કે શ્રેષ્ઠ થાય છે. આત્માના મનને જેઓ જાણે છે કે જે સજાગ છે, સચેતન છે, તેમને જ વસ્તુતઃ મનુષ્ય કહે છે."

~ પુરાણ પુરુષ યોગીરાજ શ્રી શ્યામાચરણ લાહિરી

No comments:

Post a Comment